આણંદ : આણંદ શહેરમાં રખડતાં પશુઓની સમસ્યા હલ કરવા માટે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને જવાબદારી સોંપી હતી. જોકે, પશુ પકડતાં સમયે કોન્ટ્રાક્ટરની ટીમ પર વારંવાર પશુપાલકો દ્વારા હુમલા કરવામાં આવતાં હતાં. આ અંગે પોલીસ સુરક્ષા માંગવા છતાં ન મળતાં આખરે કોન્ટ્રાક્ટ પડતો મુકી વતનની વાટ પકડી લીધી હતી. પોતાની ભુલથી માથે હાથ દઇ બેઠેલા શાસકો હવે નવા કોન્ટ્રાક્ટને શોધી રહ્યાં છે.
આણંદ શહેરમાં રખડતાં પશુની સમસ્યા વકરી રહી છે, તેમાંય ચાલુ વરસે બે વ્યક્તિ રખડતાં પશુના શીંગડે ચડ્યાં હતાં અને જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત દરરોજ કોઇને કોઇના હાડકાં ભંગાતા રહે છે. હજુ થોડા સમય પહેલા જ પાલિકાએ ઢોર પકડવા ખાનગી કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને તેને સ્થળ પર રૂ.500નો દંડ વસુલવાની સત્તા આપી હતી. આ કોન્ટ્રાક્ટર દ્વારા ખાસ ટીમ બનાવી હાઈડ્રોલીક ડબ્બો લાવી અભિયાન શરૂ કર્યું હતું.
પરંતુ પશુપાલકો દ્વારા આ ટીમ પર હુમલો કરવાના બનાવો બનતાં અભિયાન પડતું મુક્યું હતું. જોકે, પોલીસ સુરક્ષા સાથે ફરી અભિયાન હાથ ધરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ પાલિકા અને પોલીસ વચ્ચે સંકલનના અભાવે કોઇ સુરક્ષા ન મળતાં આખરે કોન્ટ્રાક્ટરે કોન્ટ્રાક્ટ પડતો મુકી વતન તરફ વાટ પકડી હતી. રહી રહી જાગેલી પાલિકાને પણ પોતાની ભુલ સમજાઇ હતી. આખરે નવો કોન્ટ્રાક્ટ આપવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જોકે, આ વખતે અગાઉની ભુલ સુધારવા માટે દંડની રકમ પહેલા કરતાં વધુ કરવા સહિત વિવિધ શરતોમાં ફેરફાર કરવામાં આવશે.
નવો કોન્ટ્રાક્ટ આપી દંડની રકમ પણ વધારવામાં આવશે
‘રખડતાં પશુને પકડવા માટેનો નવો કોન્ટ્રાક્ટ આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેનો આગામી બોર્ડમાં નિર્ણય લેવામાં આવશે. અગાઉના કોન્ટ્રાક્ટમાં પશુપાલકને રૂ.500નો દંડ હતો. જે હવે નવો કોન્ટ્રાક્ટમાં રકમ વધારવામાં આવશે.’ –ગૌરાંગ પટેલ, ચીફ ઓફિસર, નગરપાલિકા, આણંદ.
ઢોર રાખવા માટે પાલિકા પાસે પુરતી વ્યવસ્થા પણ નથી
આણંદ નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને ઢોર ડબ્બે પુરવા કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. પરંતુ પકડાયેલા ઢોરને રખવા માટે પુરતી વ્યવસ્થા નથી. ઢોર પકડાયા બાદ તેને રાજોડપુરા ખાતે આવેલા પાલિકાના પ્લોટમાં મુકવામાં આવે છે. પરંતુ ત્યાં કોઇ પણ જાતની રખડતાં પશુઓને સાચવવા માટે પુરતી સુવિધા ન હોવાના કારણે ઘણી વખત પશુના બિમાર પડવાના તેમજ મૃત્યુ થવાના કેસ પણ નોંધાયાં છે. એક માત્ર પાલિકા દ્વારા વોચમેન મુકવામાં આવ્યો છે, જે પણ ઉમરલાયક હોવાથી પશુઓને કાબુમાં રાખી શકતો નથી. આ ઉપરાંત લાંબા સમય બાદ પશુને અજરપુરા પાંજરાપોળમાં ખસેડવામાં આવે છે.