આણંદ: આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની અસર વાતાવરણમાં જોવા મળી હતી. ગુરૂવારની મોડી રાત્રે જોરદાર વરસાદી ઝાપટા બાદ તેજ પવન ફુંકાયો હતો. જેના કારણે અનેક કાચા મકાનને નુકશાન થયું હતું. આણંદ જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વાવાઝોડાને ધ્યાને લઇ જિલ્લાના ખાસ કરીને ખંભાત અને તારાપુર તાલુકાના ગામોમાં વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત લોકોના સ્થળાંતરની પરિસ્થિતિ ઉભી થાય તો તેવા સંજોગોમાં તેમને સલામત આશરો મળી રહે તે માટે શેલ્ટર હોમ પણ ઊભા કરવામાં આવ્યાં હતાં.
આણંદ જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રમાંથી મળેલી વિગતો મુજબ, બિપરજોય વાવાઝોડાના કારણે જિલ્લામાં થયેલા નુકશાનીના પ્રાથમિક અહેવાલ પ્રમાણે 16મી જૂનના રોજ બપોરના 12 કલાક સુધીમાં ભારે પવનના કારણે ખંભાત તાલુકામાં વીજ કરંટના કારણે એકનું મોત નિપજ્યું હતું. જ્યારે બે વ્યક્તિને ઇજા થઇ હતી. જ્યારે બોરસદ તાલુકામાં એક અને સોજિત્રા તાલુકામાં એક વ્યક્તિને ઇજા પહોંચી હતી.
આ ઉપરાંત જિલ્લાના 27 જેટલા કાચા – પાકા મકાનોને નુકશાની થઇ હતી. આણંદ શહેરના વિદ્યાનગર રોડ પર ઝાડ પડી ગયું હતું. આ ઉપરાંત મુખ્ય બજારમાં પણ ગાડી પર ઝાડ પડતાં અફડા તફડી મચી ગઈ હતી. જોકે આ બનાવમાં કોઇ જાનહાની થઇ નહતી. બીજી તરફ વાવાઝોડાની સૌથી વધુ અસર વીજ કંપનીને થઇ હતી. વિદ્યાનગર, જીટોડીયા, મોગરી, સાગોડપુરા સહિતના ગામોમાં વીજપુરવઠો શુક્રવારની મોડી રાત સુધી ચાલુ થયો નહતો. જ્યારે ખંભાત અને તારાપુરના ગામોમાં પણ અનેક સ્થળે વીજ પુરવઠો ખોરવાયેલો રહ્યો હતો.
પાણી ઉકાળીને પીવા પ્રજાને અપીલ
આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપત્તિના સમયમાં સાવધાન રહેવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત વરસાદી પાણી ભરાયેલા, ઉંચા વૃક્ષો, વિજળીના તાર અને થાંભલાથી દુર રહેવા તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત પાણી ઉકાળીને પીવા, શક્ય હોય તો ક્લોરિનયુક્ત પાણીનો ઉપયોગ કરવા, ગંદા ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવા ખાસ ભલામણ કરવામાં આવી છે.