આણંદ : આણંદમાં 108ની ટીમે વધુ એક વખત કટોકટીના સમયે મદદે આવી નવજાત બાળકીનો જીવ બચાવ્યો છે. પ્રસુતિ સમયે બગાડ પી જવાના કારણે બાળકી તબિયત લથડી હતી, તેને વડોદરા હોસ્પિટલમાં ખસેડવી જરૂરી હતી. પરંતુ શ્વાસ લેવામાં તકલીફ ઉભી થતાં કટોકટી સર્જાઇ હતી. આખરે અનુભવ આધારે પાયલોટે મેન્યુઅલ ઓક્સિજન આપી સમયસર હોસ્પિટલ પહોંચાડી હતી.
આણંદ શહેરમાં મહાવીર ઝુપટપટ્ટીમાં રહેતા રાશનીબેન મહેશભાઈ વસાવાને આણંદ સિવિલમાં દાખલ કર્યાં હતાં. રોશનીબહેનને આણંદ સિવિલ ખાતે સિજર કરીને નવજાત બાળકીનો જન્મ કરાવ્યો હતો. પરંતુ નવજાત બાળકી બગાડ પી જવાથી તેને આણંદ સિવિલથી ઇમરજન્સી 108 દ્વારાં શ્રીકૃષ્ણ હોસપિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ રોશનીબહેન મહેશભાઇની આર્થીક સ્થિતિ અત્યંત નબળી હોવાથી તેઓ સારવાર લઈ શકે તેમ ન હોવાથી ઇમરજન્સી 108ની ટીમે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવાનું નક્કી કર્યું હતું. આથી, ઇમરજન્સી 108 ની ટીમ તત્કાલીન નીકળી વડોદરા હોસ્પિટલ જવા માટે રવાના થઈ ગયા હતા. આણંદથી વડોદરા જવા માટે વધુ સમય લાગવાથી નવજાત બાળકીની તબિયત વધુ બગડતા તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.
ઇમરજન્સી 108 ની ટીમમાં ઇમરજન્સી મેડિકલ ટેકનીશ્યન રાજેન્દ્રસિંહ એ ERCP ડો.વશિષ્ટને જાણ કરતા તેમના જણાવ્યા પ્રમાણે અને રાજેન્દ્રસિંહના અનુભવ પ્રમાણે તથા સાથીદાર પાઇલોટ સુરેશભાઈની મદદ તથા સખ્ત પરિશ્રમ કરતા તેઓ એ બેગ વાલ માસ્ક દ્વારા મેન્યુઅલ વેન્ટિલેટર અને ઓક્સીજન પર રાખીને આણંદથી વડોદરા ખાતે હોસ્પિટલમાં સહી સલામત રીતે પહોચાડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે આણંદ જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં પણ 108 દ્વારા પ્રસંશનિય કામગીરી કરવામાં આવી હતી અને જિલ્લામાંથી 1000 જેટલા કેસ હોસ્પિટલ સુધી પહોંચાડ્યા હતા.