આણંદ : આણંદ જિલ્લા ન્યાયાલય તથા તાલુકાની કોર્ટ દ્વારા 2022ની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ -138ના 381 કેસમાં રૂ.8.69 કરોડના એવોર્ડ અને મોટર અકસ્માતને લગતા વળતરના 94 કેસમાં 2.74 કરોડના એવોર્ડ કરાયાં છે. આણંદ જિલ્લામાં ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એ. જે. શાસ્ત્રી અને આણંદ જિલ્લાના વહીવટી જજના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય લોક અદાલતનું આયોન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં એમએસીપી કેસ, મહેસૂલના કેસ, મજૂરો સાથેના તકરારના કેસ, દિવાની દાવા જેવાં કે, ભાડાનાં, બેન્કના વિગેરે કેસ, વિજળી તથા પાણીના કેસ તેમજ હજુ સુધી અદાલતમાં દાખલ ન થયા હોય તેવા બેન્કોના પ્રિ-લિટીગેશનના મળી 21,700 કેસ સમાધાન માટે મૂકવામાં આવ્યાં હતાં. જેમાંથી 4762 કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો.
આ કેસ પૈકી મોટર અકસ્માતને લગતા કુલ 94 કેસોનો સુખદ નિકાલ લાવી રૂા.2.74 કરોડ અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-138ના 381 કેસનો સુખદ નિકાલ લાવી રૂા.8.69 કરોડના એવોર્ડ, જયારે ફોજદારી સમાધાન લાયક કેસો, લગ્ન સંબંધી ફેમીલી કેસો, મજૂરો સાથેના તકરારના કેસો, દિવાની દાવા તેમજ ભાડાના, બેન્કના વિગેરે તથા પ્રિ-લિટીગેશનના કેસોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, આણંદના અધ્યક્ષ જી. એચ. દેસાઇ તથા સચિવ એ. એમ. પાટડિયાએ બેન્કના અધિકારીઓ, વીમા કંપનીના અધિકારીઓ, વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ સાથે સંલગ્ન વકીલશ્રીઓ સાથે વખતોવખત બેઠકોનું આયોજન કરીને આ લોક અદાલતને સફળ બનાવી હતી. આ વખતો વખત મળેલી બેઠકોના પરિણામે તા.12મીના રોજ યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં 4762 કેસનું સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું હોવાનું કાનૂની સેવા સત્તા મંડળના સચિવ એ. એમ. પાટડિયાએ દ્વારા જણાવ્યું છે.