Editorial

લગભગ તમામ રાજકીય પક્ષોમાં વંશવાદ વધતે ઓછે અંશે પ્રવર્તે છે

રાજકીય પક્ષો વારંવાર પોતાના હરીફો પર વંશવાદી રાજકારણનો આક્ષેપ કરતા હોય છે. ખાસ કરીને આપણા વડાપ્રધાન તો પોતાના પક્ષના પ્રચાર વખતે આ  મુદ્દો જોરશોરથી ઉપાડે છે. તેઓ મુખ્ય વિપક્ષ કોંગ્રેસ અને અન્ય કેટલાક વિપક્ષો જેવા કે સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) જેવા પક્ષો પર  વંશવાદી રાજકારણનો આક્ષેપ કરતા રહે છે. અન્ય રાજકીય પક્ષો પણ પોતાના હરીફોને આ મુદ્દે નિશાન બનાવતા હોય છે ત્યારે ચૂંટણી વખતે તેઓ તેમના  સ્થાપિત નેતાઓના સંબંધીઓને મેદાનમાં ઉતારતા અચકાતા નથી. વડાપ્રધાનના પક્ષ ભાજપમાં પણ થોડા તો એવા ઉદાહરણો છે જ કે જેમાં કેટલાક વરિષ્ઠ કે  નાના નેતાઓના સંતાનો કે સગાઓને ચૂંટણીમાં ઉભા રાખવામાં આવ્યા હોય કે અન્ય હોદ્દાઓ સોંપવામાં આવ્યા હોય.

 મોટા ભાગના પક્ષોમાં વંશવાદના આવા  ઉદાહરણો છે જ અને આવતા મહિને યોજાનાર મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની અત્યાર સુધીની જે યાદીઓ જાહેર થઇ છે તેના પરથી આ  સ્પષ્ટ જણાઇ આવે છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે હાલ સુધીમાં જે યાદીઓ બહાર પડી છે તેના પરથી સમજી શકાય છે કે લગભગ તમામ પક્ષોમાંથી નેતાઓના નજીકના  સગાઓને ટિકીટો આપવાના બનાવો બન્યા છે.  તેમની યાદીઓમાં નોંધપાત્ર સંખ્યામાં ઉમેદવારો એવા છે કે જેઓ વર્તમાન મંત્રીઓ, ધારાસભ્યો કે સાંસદોના  નજીકના સગાઓ છે, જેમાં તેમના પુત્ર, પુત્રીઓ, પત્નીઓ અથવા ભાઇઓ કે બહેનોનો સમાવેશ થાય છે.

ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ચવાણ, કે જેઓ લોકસભા  ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા તેમની પુત્રી શ્રીજયા ચવાણને ભાજપ આ કુટુંબની પરંપરાગત ભોકાર બેઠક માટે ટિકીટ આપી છે. મુંબઇ  ભાજપના વડા આશીષ શેલારના ભાઇ વિનોદ શેલારને મલાડ વેસ્ટમાંથી ભાજપે ઉભા રાખ્યા છે. શિવસેના(શિંદે)એ લોકસભાના સભ્ય નારાયણ રાણેના પુત્ર  નિલેશ, કે જેઓ હાલમાં જ શિવસેનામાં જોડાયા છે તેમને શિવસેનાએ કંકાવલી મતવિસ્તારમાંથી ટિકીટ આપી છે.

આ જ રીતે આ શિવસેનાએ રાજ્યના મંત્રી  ઉદય સાવંતના ભાઇ કિરણ સાવંતને રત્નાગિરી જિલ્લાના રાજપુરા બેઠક પરથી ઉભા રાખ્યા છે. એનસીપી(અજીત)એ છગન ભૂજબળના પુત્ર પંકજને યેવલા  બેઠક પરથી ઉભો રાખ્યો છે. જ્યારે વિપક્ષી ઉદ્ધવ ઠાકરેની શિવસેના(યુબીટી)એ ઉદ્ધવના પુત્ર આદિત્યને મુંબઇની વર્લી બેઠક પરથી ઉભા રાખ્યા છે, આદિત્ય  હાલ પણ ધારાસભ્ય છે.  જ્યારે આદિત્યનો પિતરાઇ ભાઇ વરુણ સરદેસાઇ બાંદ્રા ઇસ્ટમાંથી પોતાની પ્રથમ ચૂંટણી લડશે. બીજા પણ આવા અનેક સગાઓને  ટિકીટો અપાઇ છે. અન્ય રાજ્યોની ચૂંટણીઓમાં પણ આવા ઉદાહરણો જોવા મળી જ શકે છે.

કેન્દ્રીય રાજકારણની વાત કરીએ કે પક્ષોમાં હોદ્દાઓની વાત કરીએ તો મોટા ભાગના પક્ષોમાં સગાવાદના ઉદાહરણ જોવા મળી જ શકે છે. કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિત શાહના પુત્ર જય શાહને બીસીસીઆઇના પ્રમુખ બનાવાયા તે મુદ્દો તો ખાસ્સો ચર્ચાઇ ચુક્યો છે. ભાજપના દિવંગત નેતા સુષ્મા સ્વરાજના પુત્રી બાંસુરી  સ્વરાજને લોકસભા ચૂંટણીમાં ભાજપે ઉભા રાખીને સાંસદ બનાવ્યા છે. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માનો પુત્ર પરવેશ વર્મા પણ સાંસદ છે.  

સમાજવાદી પાર્ટી(સપા), લાલુનો રાજદ પક્ષ, જમ્મુ-કાશ્મીરના નેશનલ કોન્ફરન્સ અને પીડીપી પક્ષો તો પેઢી દર પેઢી એક કુટુંબ દ્વારા જ સંચાલિત હોય તેવું  ચિત્ર ઉભુ થાય છે. દેશના સૌથી જૂના પક્ષ કોંગ્રેસમાં તો કેટલાક સમયના અપવાદો બાદ કરતા નેહરૂ, ગાંધી કુટુંબનું ટોચના સ્થાને વર્ચસ્વ રહ્યું છે. આ બાબતમાં  ડાબેરીઓ અને આપ જેવા પક્ષો કંઇક બચેલા રહ્યા છે. આપમાં પણ અરવિંદ કેજરીવાલના સ્થાને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે સુષ્મા સ્વરાજનું નામ બોલાતું થયું જ  હતું પણ પછી આતિશી આવી ગયા.

જો કે રાજકારણીના સંતાનો રાજકારણમાં આવે તે ખોટુ જ છે એવું નથી. ઘરમાં રાજકીય માહોલ હોય તો સંતાનો તે રીતે  કેળવાયેલા હોય અને રાજકારણમાં કુશળ બને તેવુ બનતુ હોય છે અને ઘણા રાજકારણીઓના સંતાનો કુશળ નેતાઓ બની શક્યા છે. વળી, નેતાઓના સંતાનોને  પ્રજાનો એક મોટો વર્ગ પણ ચાહતો હોય અને તેથી રાજકીય પક્ષો તેમને આગળ કરવા માગતા હોય છે. પણ અન્ય બાહોશ યુવાન નેતાઓને બાજુએ હડસેલી  દઇને નેતાઓના સંતાનોને પરાણે સ્થાપિત કરવામાં આવે તે ખોટું છે.

Most Popular

To Top