Gujarat

અમદાવાદમાં દર્દીના પરિવારજનોએ ડોક્ટરનું ગળું દબાવતા હોબાળો મચ્યો

અમદાવાદઃ દેશભરમાં કોલકાતા મહિલા ડોક્ટરના રેપ અને મર્ડરની ઘટનાના પડઘા પડ્યા છે. દેશભરના તબીબો છેલ્લાં ચાર દિવસથી હડતાળ પર ઉતર્યા છે. કોલકાતાની મહિલા ડોક્ટર માટે ન્યાયની માંગણી કરી રહ્યાં છે. આ ઉપરાંત તબીબો હોસ્પિટલમાં ડોક્ટરોની સુરક્ષા માટે કાયદામાં સુધારો કરવા પણ માગણી કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે આજે અમદાવાદમાં આઘાતજનક ઘટના બની છે. અહીં એક તબીબ પર જીવલેણ હુમલો થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે તા. 19 ઓગસ્ટની સવારે અમદાવાદના મણિનગરમાં આવેલી એલજી હોસ્પિટલ (નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ)માં દર્દીના પરિવારજનો અને રેસિડેન્ટ ડોક્ટરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. દર્દીની ઝડપી સારવારના મામલે દર્દીના પરિવારજનોએ ઉગ્ર બોલાચાલી કરી રેસિડેન્ટ ડોક્ટરનું ગળું દબાવી દીધું હતું.

મારામારીની ઘટના બનતા હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફ દોડી ગયો હતો અને ડોક્ટરને મુક્ત કરાવી બચાવ્યા હતા. આ ઘટના બાદ રેસિડેન્ટ ડોક્ટરો ઇમરજન્સી સારવારથી પણ અળગા થઈ ગયા હતા, જેના લીધે ભારે હોબાળો મચી ગયો હતો. સુપરિટેન્ડેન્ટ દ્વારા સમજાવવામાં આવતા તબીબો ફરીથી કામગીરી શરૂ કરી હતી.

સુપરિટેન્ડેન્ટે જણાવ્યું કે, આજે વહેલી સવારે ઇમરજન્સીમાં એક દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યો હતો. દર્દીએ ઝેરી દવા પીધી હોવાથી પોલીસ કેસ માટે મહિલા ડોક્ટર દ્વારા દર્દીના પરિવારજનોને વિગત પૂછવામાં આવી રહી હતી ત્યારે અચાનક દર્દીના પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા અને બોલાચાલી કરી હતી.

આ દરમિયાન દર્દીના સગાએ રેસિડેન્ટ ડોક્ટરનું ગળું દબાવ્યું હતું. એક તરફ નોન ઈમરજન્સી સેવામાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે તો બીજી તરફ ઈમરજન્સી સેવામાં પણ આ રીતે દર્દીના પરિવારજન દ્વારા હુમલો કરવાની ઘટના બનતા રેસિડેન્ટ ડોક્ટરો ઈમરજન્સી સેવા બંધ કરી હતી. જોકે, ત્રણથી ચાર કલાક સુધીની સમજાવટ બાદ ફરીથી તેમણે કામગીરી શરૂ કરી હતી. આ બાબતે મણિનગર પોલીસ સ્ટેશનમાં દર્દીના પરિવારજનો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવાઇ છે.

Most Popular

To Top