અમદાવાદ: પવિત્ર શ્રાવણ માસમાં હિન્દુઓની લાગણી દુભાઈ હોય તેવું બદકામ કરવામાં આવ્યું છે. અમદાવાદના (Ahmadabad) ઇસનપુ (Isanpur) વિસ્તાકમાં ગોવિંદવાડી પાસે મનસાપૂર્ણ મહાદેવના મંદિરની (Mansapurn Mahadev Temple) સામે ગૌવંશના (Cow) ટુકડા (Pieces) મળી આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગાયનું કતલ કરી કોઈ વ્યક્તિ તેને પ્લાસ્ટિકના થેલામાં ભરી મંદિરની સામે ફેંકી ગયું હોય અથવા તો લઈ જતા પડી ગયું હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકો દ્વારા આરોપીને 24 કલાકમાં ઝડપી પાડવા માંગ ઉઠી રહી છે.
મહાદેવના મંદિરની સામે ગૌવંશના ટુકડા મળ્યા
અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ગોવિંદવાડી પાસે મનસાપૂર્ણ મહાદેવના મંદિરમાં શ્રાવણ માસ હોવાથી ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ઘણા સ્થાનિકો વહેલી સવારે ભગવાન શિવના દર્શન માટે આવતા હોય છે ત્યારે આજે વહેલી સવારે ગૌવંશના ટુકડા રોડ પર પડેલા જોવા મળ્યા હતા. ગૌવંશના ટુકડા જોવા લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. શ્રાવણના પવિત્ર માસમાં હિન્દુઓની લાગણી દુભાતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આરોપીને ઝડપી પાડી સજાની માંગ કરાઈ રહી છે.
ભગવાન નગર સોસાયટીની બહાર ગૌવંશનું માથું મળ્યું
મળતી માહિતી અનુસાર વહેલી સવારે લગભગ 7:30 વાગ્યે ઇસનપુર વિસ્તારમાં ગોવિંદવાડી નજીક ભગવાન નગર સોસાયટીની બહાર ગૌવંશનું માથું મળી આવ્યું હતું અને આ વિસ્તારથી થોડેક આગળ મનસાપૂર્ણ મહાદેવ મંદિરની બહાર લોકોએ રોડ ઉપર ગૌવંશના ટુકડા જોયા હતા. જે પ્લાસ્ટિકના થેલામાં અને કાગળમાં વીટોડી રોડ પર પડ્યા હતા.
હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ
પવિત્ર શ્રાવણ માસમાં ગૌવંશની હત્યા કરનારન આરોપીને 24 કલાકમાં ઝડપી પાડવા સ્થાનિકો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આ બનાવની જાણ થતા જ પૂર્વ કાઉન્સીલર અને વિશ્વ હિન્દુ પરિષદના નેતા દક્ષેશ મહેતા પણ પહોંચી ગયા હતા. દક્ષેશ મહેતાએ જણાવ્યું હતું કે સવારે સાડા સાત વાગ્યાની આસપાસ આ રીતે કોઈ વ્યક્તિ ગૌવંશને લઈ જતો હોય અથવા હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવા માટે મહાદેવના મંદિરની બહાર ગૌવંશના ટુકડા ફેંકી ગયો હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેથી અમારી માગણી છે કે તાત્કાલિક ધોરણે પોલીસ 24 કલાકમાં આ રીતે કૃત્ય કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરે.