AHEMDABAD : અમદાવાદ અને ભાવનગર ( BHAVANAGAR) મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ચૂંટણી અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યા છે. આ મામલે ઉમેદવારોએ ગુજરાત હાઇકોર્ટમાં ( GUJRAT HIGHCOURT) અરજી કરી છે, જેની સુનાવણી આગામી દિવસમાં હાથ ધરાશે.
અમદાવાદ શહેરમાં તથા ભાવનગર શહેરમાં કોંગ્રેસના ( CONGRESS) ઉમેદવારો દ્વારા એફિડેવિટમાં કે મેન્ડેટમાં સામાન્ય ભૂલ થઈ હોવાથી ઉમેદવારોને કોઈપણ જાતની તક આપ્યા વગર કે તેમને સાંભળ્યા વગર ચૂંટણી અધિકારીએ મનસ્વી રીતે ફોર્મ રદ કરી નાખતા સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. ફોર્મ રદ થનાર ઉમેદવારોએ તેમને તક મળવી જોઈએ તેવી માગણી સાથે હાઈકોર્ટેમાં અરજી કરી છે.
ભાજપના ઇશારે ચૂંટણીપંચ કામ કરી રહ્યું છે : ડૉ. મનીષ દોશી.
અમદાવાદ અને ભાવનગર મનપામાં કોંગ્રેસના ઉમેદવારોનાં ફોર્મ રદ કરવાના મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશી ( DR. MANISH DOSHI) એ જણાવ્યું હતું કે ચૂંટણી પંચ સરકારની કઠપુતળી બની કામગીરી કરે તે લોકશાહી માટે ઘાતક પુરવાર થઈ શકે છે. ઉમેદવારોના ફોર્મ ભરવામાં, એફિડેવિટમાં ક્યાંક ક્ષતિ રહી હોય તો તેની ભૂલ સુધારવાની તક ઉમેદવારોને આપવી જોઈએ. પરંતુ ચૂંટણી અધિકારીઓએ સામાન્ય ભૂલ માટે પણ ઉમેદવારોને કોઈ તક નહીં આપી, ભાજપના ઇશારે ફોર્મ રદ કર્યા છે.
ભાજપે ઉમેદવારોના ફોર્મ સુધારવા રાતોરાત કલેક્ટર કચેરી ખોલાવી હતી
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સંખ્યાબંધ ફોર્મમાં નાની-મોટી ક્ષતિઓ જોવા મળી હતી, ત્યારે રાતોરાત કલેક્ટર કચેરીને ખોલાવીને એફિડેવિટમાં રહી ગયેલી ભૂલ સુધારવા કલેકટર કચેરીનું તંત્ર કામે લાગ્યું હતું. ભાજપના ઉમેદવારોના સોગંદનામા સંખ્યાબંધ ભૂલોના દસ્તાવેજો ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવા છતાં, ભાજપના કોઈ પણ ઉમેદવાર સામે ફોર્મ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી નથી. આમ ચૂંટણી પંચ રાજ્ય સરકારના ઇશારે કામ કરી રહ્યું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.
અમદાવાદ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીને લઈને હજુ પણ કકડાટ ચાલી રહ્યો છે. આ કકળાટ મારામારી સુધી પહોંચ્યો છે. કોંગ્રેસના એક વોર્ડ નિરીક્ષકને માર મારવામાં આવ્યો છે. જેના પગલે આ મામલો કોંગ્રેસ હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે.
અમદાવાદ શહેરના સાબરમતી, રાણીપ, અને ચાંદખેડા વોર્ડના નિરીક્ષક પ્રફુલ્લ શાહ દ્વારા ટિકિટ કાપવામાં આવી હોવાનો રોષ રાખીને કેટલાક કોંગ્રેસના જ કાર્યકરોએ તેમની જાહેરમાં ધોલાઇ કરી હતી. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન, ઉપરાંત કોંગ્રેસ હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે.