આણંદ : ઉમરેઠ તાલુકાના અહીમા ગામે દસેક દિવસ પહેલા ભાગી ગયેલા પ્રેમી પંખીડાના મામલે બન્ને પરિવારના સભ્યો સામસામે આવી ગયાં હતાં અને એક બીજા પર લાકડી અને ધારિયાથી હુમલો કર્યો હતો. આ બનાવ અંગે ખંભોળજ પોલીસે બન્ને પક્ષો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બાજીપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ફરજ બજાવતા મહેશભાઈ જશભાઈ પટેલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારો પુત્ર જયમીનકુમાર ગામમાં જ રહેતી પારૂલ નામની યુવતીના પ્રેમમાં પડ્યો હતો અને તેની સાથે 5મી ઓગષ્ટના રોજ ભાગી ગયો હતો અને લગ્ન રજીસ્ટર કરાવી લીધાં હતાં. આથી, પારૂલના પરિવારજનોને મનદુઃખ થયું હતું અને તેઓ તેને પરત લેવા પ્રયત્ન કરતાં હતાં. આ દરમિયાનમાં 15મી ઓગષ્ટના રોજ ઘરે ઉપેન્દ્ર નરેન્દ્રભાઈ પટેલ અને પિન્ટુ જશુભાઈ પટેલ આવ્યાં હતાં અને તેઓએ પંચાયત ભરવાની વાત કરી હતી. જોકે, હાલ બન્નેનો પત્તો નથી, આથી, પંચ ભરવાનું શું ફાયદો તેમ કહેતા બન્ને અપશબ્દો બોલી જતાં હતાં. પરંતુ બાદમાં અન્ય લોકો દંડા, ધારિયા લઇ આવ્યાં હતાં અને હુમલો કર્યો હતો. જેમાં પરિવારના કેટલાક સભ્યો ઘવાયા હતા. બાદમાં આ લોકોએ ધમકી આપી હતી કે પારૂલનો સોંપી દો નહીં તો જાનથી મારી નાંખીશું. આ અંગે ખંભોળજ પોલીસે ભુપેન્દ્ર નરેન્દ્રભાઈ પટેલ, પિન્ટુ જશુભાઈ પટેલ, દિપક પ્રફુલભાઈ પટેલ, રમીલાબહેન નરેન્દ્રભાઈ પટેલ, ભૌમિક કાંતિભાઈ પટેલ, સંજય ચંદુભાઈ પટેલ, દિનેશ મણીભાઈ પટેલ, સુભાષ રાવજીભાઈ પટેલ, શીતલબહેન પિન્ટુભાઈ પટેલ સામે ગુનો નોંધ્યો હતો.
સામાપક્ષે ભુપેન્દ્રભાઈ પટેલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા કાકાના દિકરી પારૂલબહેન ગામના જયમીન નામના યુવક સાથે ભાગી ગઇ હતી અને લગ્ન રજીસ્ટર કરાવી લીધાં હતાં. આથી, બન્ને પક્ષે પારૂલને પરત લાવવા વાતચીત ચાલતી હતી. જોકે, તેમનો ઇરાદો પરત આપવાનો નહતો. જેથી 15મીના રોજ તેમના ઘરે જઇ પંચભરવા જણાવ્યું હતું. પરંતુ તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને કુટુંબના માણસોને ભેગા કરી લાકડી અને ધારિયાથી હુમલો કર્યો હતો. આ હુમલામાં અમારા પરિવારજનો ઘવાયાં હતાં. આ અંગે ખંભોળજ પોલીસે મહેશ જશભાઈ પટેલ, વિનેશ જશુભાઈ પટેલ, દિપક નરેશભાઈ પટેલ, સંજય જશભાઈ પટેલ, ભરત સોમાભાઈ પટેલ, કાંતિ ભાઇલાલભાઈ પટેલ, હરમાન ભાઇલાલભાઈ પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.