નડિયાદ: મહુધા તાલુકાના નાની ખડોલમાં રહેતો શખ્સ પરિણીત હોવાછતાં અન્ય મહિલાને લઈને અવારનવાર ઘરે જતો હોવાથી તેના મોટાભાઈ-ભાભીએ ઠપકો આપ્યો હતો. જેથી ઉશ્કેરાયેલાં શખ્સે ભાભી ઉપર ચપ્પાં વડે હુમલો કરી, ઘરમાં તોડફોડ કરી હતી. આ કિસ્સામાં માતા-પિતા પણ નાના પુત્રનું ઉપરાણું લઈ મોટાપુત્ર-પુત્રવધુને મારવા સામે થઈ ગયાં હતાં. આ બનાવ અંગે મહુધા પોલીસે ઈજાગ્રસ્ત મહિલાની ફરીયાદને આધારે તેના દિયર અને સાસુ-સસરાં સામે ગુનો નોંધ્યો છે.
મહુધા તાલુકાના નાની ખડોલમાં રહેતો સાદીક અબીલભાઈ મલેક પોતે પરિણીત હોવાછતાં ગત તારીખ ૨૫ મી ઓગસ્ટના રોજ રાત્રીના એક વાગ્યાના અરસામાં અન્ય યુવતિને લઈ પોતાના ઘરે ગયો હતો. તે વખતે તેના મોટાભાઈ સીરાજ અને ભાભી સલમાબેને તું આ છોકરીને વારંવાર કેમ ઘરમાં લાવું છું, તેમ કહી ઠપકો આપ્યો હતો.
જેથી સાદીક ઉશ્કેરાઈને ગમેતેમ અપશબ્દો બોલી ઝઘડો કરવાં લાગ્યો હતો. તુતુ…મેમે બાદ ઝઘડો ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલાં સાદીકે હાથમાંની છરી વડે હુમલો કરી તેના ભાભી સલમાબેનને નાક ઉપર ઈજા પહોંચાડી હતી. જે બાદ ઘરમાં મુકેલ તિજોરી, ફ્રિજ અને હોમ થિયેટરમાં તોડફોડ ૬ હજાર રૂપિયા જેટલું નુકશાન કર્યુ હતું. બુમાબુમ થતાં સાદીક અને સીરાજના માતા-પિતા ત્યાં આવી ચડ્યાં હતાં. તેઓએ નાના પુત્ર સાદીકનું ઉપરાણું લઈ, મોટા પુત્ર અને પુત્રવધુને ગમેતેમ અપશબ્દો બોલ્યાં હતાં અને મારવા સામે થઈ ગયા હતાં. જેથી સીરાજ અને સલમાબેન ડરના માર્યાં અડધી રાત્રે ઘરમાંથી બહાર નીકળી ગયાં હતાં. આ બનાવ અંગે સલમાબેન સીરાજભાઈ મલેકે પોતાના દિયર સાદીક અબીલભાઈ મલેક, સસરાં અબીલભાઈ રોબડભાઈ મલેક અને સાસુ જુબેદાબીબી અબીલભાઈ મલેક સામે મહુધા પોલીસમથકમાં ફરીયાદ આપતાં, પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.