National

બિહારની નીતિશ સરકારને મોટો ઝાટકો, પટના હાઈકોર્ટે અનામતનો આદેશ રદ્દ કર્યો

પટના: બિહારમાં અનામતનો વ્યાપ વધારવાના રાજ્ય સરકારના નિર્ણયને હાઈકોર્ટ તરફથી ઝાટકો લાગ્યો છે. હાઇકોર્ટે અનામતનો વ્યાપ 50 ટકાથી વધારીને 65 ટકા કરવાના રાજ્ય સરકારના નિર્ણયને રદ કર્યો છે.

પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની બેન્ચે શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં SC, ST, EBC અને અન્ય પછાત વર્ગો માટે રાજ્ય સરકારના 65 ટકા અનામતને પડકારતી અરજીઓની સુનાવણી દરમિયાન આ નિર્ણય આપ્યો હતો. કોર્ટે રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલ કાયદો રદ કરવાનો આદેશ આપ્યો છે.

અરજદાર ગૌરવ કુમાર અને અન્યો દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી પૂર્ણ કર્યા પછી ગઈ તા. 11 માર્ચે નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો, જેના પર પટના હાઈકોર્ટે આજે તા. 20 જૂનના રોજ પોતાનો ચુકાદો આપ્યો હતો.

બિહારમાં વસ્તી અને નોકરીનો હિસ્સો કેટલો છે?
બિહાર સરકારે ગયા વર્ષના અંતમાં વિધાનસભામાં રાજ્યના આર્થિક અને શૈક્ષણિક આંકડા રજૂ કર્યા હતા. સરકારે એ પણ જણાવ્યું કે રાજ્યની સરકારી નોકરીઓમાં દરેક વર્ગનો કેટલો હિસ્સો છે. બિહારમાં સામાન્ય વર્ગની વસ્તી 15 ટકા છે અને મહત્તમ 6 લાખ 41 હજાર 281 લોકો પાસે સરકારી નોકરી છે. નોકરીઓની બાબતમાં 63 ટકા વસ્તી સાથે પછાત વર્ગ બીજા ક્રમે છે. પછાત વર્ગો પાસે કુલ 6 લાખ 21 હજાર 481 નોકરીઓ છે.

ત્રીજા સ્થાને 19 ટકા સાથે અનુસૂચિત જાતિ છે. એસસી કેટેગરીમાં 2 લાખ 91 હજાર 4 નોકરીઓ છે. અનુસૂચિત જનજાતિ કેટેગરી, જેમાં વસ્તીના એક ટકા કરતા પણ ઓછા લોકોનો સમાવેશ થાય છે. તેમની પાસે સૌથી ઓછી સંખ્યામાં સરકારી નોકરીઓ છે. આ કેટેગરીમાં કુલ 30 હજાર 164 સરકારી નોકરીઓ છે. અનુસૂચિત જનજાતિની વસ્તી 1.68% છે.

કોને કેટલું અનામત મળે છે?
હાલમાં દેશમાં 49.5% અનામત છે. OBC ને 27%, SC ને 15% અને ST ને 7.5% અનામત મળે છે. આ સિવાય આર્થિક રીતે પછાત જનરલ કેટેગરીના લોકોને પણ 10% અનામત મળે છે. તે અનુસાર અનામતની મર્યાદા હાલ 50% ને વટાવી ગઈ છે. જો કે, નવેમ્બર 2022 માં સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે પછાત સામાન્ય વર્ગના લોકોને અનામત આપવાનું યોગ્ય ઠેરવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ ક્વોટા બંધારણના મૂળભૂત માળખાને નુકસાન પહોંચાડતો નથી. અગાઉ બિહારમાં પણ અનામતની મર્યાદા માત્ર 50% હતી.

Most Popular

To Top