Dakshin Gujarat

ઝઘડિયામાં વીજકંપનીની ‘ઓવરહેડ’ લાઈન એટલી નીચી કે, હાથ ઊંચો કરો એટલે યમદૂત જ ખેંચી લે..

ઝઘડિયા: દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) વિભાગમાં ભલે અવિરત વીજળી આપવાની વાતો થતી હોય, તેમ છતાં કેટલીક જગ્યાએ બેદરકારીઓ સામે આવતી હોય છે. ઝઘડિયાના રાણીપુરા ગામના મોરા વગા, કાછી વગા તથા જરાત વગામાં એગ્રીકલ્ચર વીજ પ્રવાહના પોલ્સ તેમજ વીજ વાયરો બિલકુલ નીચે લટકતાં હોય છે. વીજપ્રવાહ ચાલુ હોય અને કોઈ મુંગા જાનવર કે કોઈક અજાણ્યો વ્યક્તિ વીજતારને અડી જાય તો મોતના મુખમાં ધકેલાઈ જવાની દહેશત રહે છે. આ બાબતે વારંવાર લેખિત રજૂઆત છતાં હજુ કોઈ સમારકામ કરાયું નથી.

  • ઝઘડિયાના રાણીપુરા ગામના એક ખેતરમાં જીવતા વીજવાયર લટકીને નીચે આવી ગયા હોવા છતાં વીજકંપનીની બેદરકારી, કોઈનો જીવ જવાની રાહ જોવાય છે?


રાણીપુરાના ખેડૂત રોહિતભાઈ બાબુભાઈ પટેલના ખેતરમાં વીજવાયરો લટકી પડતા ખેતીકામ કરવું મહા મુશ્કેલ બન્યું છે. આ જગ્યાએ ટ્રેક્ટર લઇને જવામાં પણ મુશ્કેલી ઉભી થતી હોય છે. આ પ્રશ્ન આજનો નથી, એક વર્ષથી વીજવાયરો નીચે લટકી રહ્યા છે.

ગઈ તા. ૨/૨/૨૦૨૩ના રોજ ખેડૂતે પોતાના ખેતરમાં ખેતમજુરોને વીજ કરંટ લાગવાનો ભય હોવાથી વાયરો ઊંચા કરવા DGVCL ઝઘડિયા સબ સ્ટેશનને લેખિત રજૂઆત કરી હતી. કમનસીબે તેનું કોઈ નિરાકરણ નહિ આવતા ફરીવાર ૧૯/૩/૨૦૨૩ના રોજ વીજ કંપનીને લેખિત અરજી કરી છે. જેમાં સ્મારકામ કરવાનું વીજ કંપનીના અધિકારીએ હકારાત્મક વલણ દર્શાવ્યું નથી અને વીજ વાયરો એટલી હદે લટકે છે કે ટ્રેક્ટર પર બેસીને હાથ ઊંચો કરો તો હાથને વીજવાયર અડી જાય. ભવિષ્યમાં કોઈ દુર્ઘટના થાય તો તેની જવાબદારી કોની રહેશે.? એવો પ્રશ્નાર્થ ઉદ્દભવ્યો છે.

જાણે ઝઘડિયા વીજ કંપનીના કેટલાક કર્મચારીઓ કોઈ મોટા અક્સ્માતની રાહ જોઈ રહ્યા હોય એમ બેદરકારી ફલિત થાય છે. રાણીપુરા વિસ્તારમાં ખેતરાળ રસ્તાઓ પર નિર્દોષ ખેડૂતો તેમજ ખેતમજૂરો જીવના જોખમરૂપ વીજપ્રવાહ પસાર કરતાં વાયરને ખેંચીને ઊંચા કરવામાં આવે એવી માંગ કરાઈ છે.

Most Popular

To Top