તાજેતરમાં પંજાબમાં કરોડો રૂપિયાના કૌભાંડના મુખ્ય આરોપી નિરજ અરોરાની પોલીસે ધરપકડ કરી છે. આ ધરપકડ બાદ ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી છે. નિરજ અરોરા નેચર હાઈટ્સ ઈન્ફ્રા સાથે જોડાયેલા કથિત કૌભાંડમાં મુખ્ય આરોપી છે. પોલીસ છેલ્લાં નવ વર્ષથી નિરજ અરોરાને શોધી રહી હતી. નિરજ પોલીસથી બચવા પ્લાસ્ટિક સર્જરી કરાવવાની યોજના બનાવી રહ્યો હતો. ફરિદકોટ અને ફાઝિલ્કા પોલીસે ઉત્તરાખંડના પૌરી જિલ્લાના શ્રીનગરમાંથી નિરજની ધરપકડ કરી હતી. નિરજ અરોરા પંજાબ અને મધ્યપ્રદેશમાં 1,200 એકરથી વધુ જમીન અને 200 રહેણાંક ફ્લેટ ધરાવે છે, જેની કિંમત 1,000 કરોડ રૂપિયાથી વધુ છે.
નિરજ અરોરાના પિતા ઈન્ટેલિજન્સ વિભાગમાં ઈન્સ્પેક્ટર તરીકે તૈનાત હતા, જ્યારે તેમની માતા શિક્ષિકા હતી. એમબીએ પૂર્ણ કર્યા પછી, નિરજ અરોરાએ તેમના મિત્ર પ્રમોદ નાગપાલ સાથે સાબુ, ચા અને અન્ય દૈનિક ઉપયોગની વસ્તુઓ વેચવાનો નાનો વ્યવસાય શરૂ કર્યો. નિરજ અરોરાએ એક ખાનગી નેટવર્કિંગ કંપની સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી, જ્યાં તેણે નેટવર્કિંગ વ્યવસાયની મૂળભૂત બાબતો શીખી હતી. વર્ષ 2002માં, નિરજ અરોરાએ તેમના અન્ય ત્રણ સાથીદારો સાથે માત્ર સાત લાખ રૂપિયાના રોકાણ સાથે નેચરવે નેટવર્કિંગ કંપની નામની પેઢીની સ્થાપના કરી.
એક દાયકાની અંદર, નિરજની પેઢી રૂ. 100 કરોડના ટર્નઓવરને સ્પર્શી ગઈ હતી. 2003 સુધીમાં તેનો કરિયાણાનો વ્યવસાય રાજસ્થાનમાં ફેલાયો હતો. જ્યારે વર્ષ 2011 સુધીમાં ભારતનાં 12 રાજ્યોમાં નેચરસ વે ઉત્પાદનોના 400 જેટલા સ્ટોર હતા. નિરજે પંજાબ અને રાજસ્થાનમાં તેની કંપની નેચરવે માટે એજન્ટો અને ગ્રાહકોનું નેટવર્ક બનાવવા માટે 1.6 લાખ કિલોમીટરથી વધુ મુસાફરી કરી હતી અને એક વિશાળ નેટવર્ક બનાવવામાં સફળ રહ્યો હતો. આ નેચર વે કંપનીએ 500 કરિયાણા અને અન્ય ઉત્પાદનો વેચ્યાં હતાં અને કંપની 2012 સુધી સારું પ્રદર્શન કરી રહી હતી. રસપ્રદ વાત એ છે કે નિરજ અરોરાને વર્ષ 2013માં આદર્શ કરદાતાનો એવોર્ડ મળ્યો હતો.
પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર નેચરવે ફર્મની સફળતા પછી નિરજે અમિત કુક્કડ અને પ્રમોદ નાગપાલ સહિત અન્ય ભાગીદારો સાથે રિયલ એસ્ટેટનો વ્યવસાય શરૂ કર્યો હતો. તેણે 2012ના મધ્યમાં નેચર હાઇટ્સ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ નામની ફર્મની સ્થાપના કરી હતી. ફરીદકોટ પોલીસના જણાવ્યા મુજબ નેચરવેની સફળતાને કારણે નિરજની લોકો અને રોકાણકારોમાં સારી પ્રતિષ્ઠા હતી અને લોકોએ તેના વ્યવસાયમાં રોકાણ કરવાનું શરૂ કર્યું જ્યાં તેમને ઓછા સમયમાં વધુ પૈસા આપવાનું વચન આપવામાં આવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર નિરજે 2013 થી 2015 ની વચ્ચે પંજાબના વિવિધ જિલ્લાઓમાં પ્રોપર્ટી ખરીદી હતી. પરંતુ જ્યારે તે રોકાણકારોને નફો વહેંચવામાં અસમર્થ હતો ત્યારે લોકોએ પોલીસનો સંપર્ક કર્યો અને તેની વિરુદ્ધ ફરિયાદો નોંધાવી હતી. તેની વિરુદ્ધ ઘણી ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. ફરીદકોટ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે નિરજે પૂર્વ આયોજિત રીતે વ્યક્તિગત લાભ માટે રોકાણકારોને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. કંપની પ્રાઇમ લોકેશનમાં સસ્તા પ્લોટ ઓફર કરતી હતી.
પછીથી ખબર પડી કે મોટા ભાગની વસાહતો પાસે જમીન પણ નથી. જજ સિંઘ નામના રોકાણકારે કહ્યું કે અમને પાછળથી જાણવા મળ્યું કે હોશિયારપુરમાં અમને જે ચાર એકર જમીન મળવાની હતી તેનો કોન્ટ્રાક્ટ અન્ય ચાર લોકોને આપવામાં આવ્યો હતો. આ કંપનીએ ન તો રોકાણકારોને પ્લોટ ફાળવ્યા અને ના પૈસા પાછા આપ્યા હતા. કંપની દ્વારા જારી કરાયેલા ચેક પણ બાઉન્સ થયા હતા. કંપનીએ પંજાબભરનાં ગ્રાહકો પાસેથી કરોડો રૂપિયા એકત્ર કર્યા હતા. 2015માં તેની તમામ શાખાઓ બંધ થઈ ગઈ હતી અને તે બદનામ થઈ ગયો હતો.
ફાઝિલકાના એસએસપી પ્રજ્ઞા જૈન કહે છે કે ગ્રાહકોએ ચૂકવણી કરવાનું બંધ કરી દીધું, કારણ કે તેઓ કોન્ટ્રાક્ટની કિંમત કરતાં ઓછી કિંમતે પ્લોટ ખરીદવા માટે તૈયાર ન હતા. ગ્રાહકોએ ચૂકવણી કરવાને બદલે બાકીના હપ્તાની માંગણી કરવાનું શરૂ કર્યું હતું. હાઇટ્સ કંપનીએ તેમને કાયદેસરની કાર્યવાહી કરવા કહ્યું હતું. ફરિદકોટ જિલ્લાના ડીએસપી ઈકબાલ સિંહે જણાવ્યું હતું કે નિરજ અરોરાએ તેની ધરપકડથી બચવા માટે પંજાબના પઠાણકોટ જિલ્લાના પાસપોર્ટ સહિત અનેક નકલી ઓળખ કાર્ડ તૈયાર કર્યા હતા.
નિરજ જ્યારે ફરાર હતો ત્યારે તે ચંદીગઢ, દેહરાદૂન અને મુંબઈમાં રહેતો હતો. નકલી પાસપોર્ટ પર તે થાઈલેન્ડ અને કંબોડિયા જેવા દેશોનો પ્રવાસ કરી ચૂક્યો હતો. ઈકબાલ સિંહના જણાવ્યા અનુસાર પોલીસે નિરજ પાસેથી પ્લાસ્ટિક સર્જન સંબંધિત મેડિકલ રેકોર્ડ્સ કબજે કર્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે નિરજ પ્લાસ્ટિક સર્જરી દ્વારા પોતાનો દેખાવ બદલવાની યોજના બનાવી રહ્યો હતો, પરંતુ પૈસાની અછતને કારણે તેમ કરી શક્યો નહીં.
ફરીદકોટ પોલીસના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે આ વર્ષે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં નિરજ અરોરાની ભાભી મેનકા તુલીની ધરપકડ કરી હતી. ત્યાર બાદ અમે નિરજ અરોરાને શોધી કાઢ્યો હતો, જે ઉત્તરાખંડમાં ખાનગી આવાસમાં રહેતો હતો. તેણે કહ્યું કે ધરપકડના ડરને કારણે નિરજ કોઈ ફોનનો ઉપયોગ કરતો ન હતો અને તેણે સંબંધીઓ અને પરિચિતો સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. ફરિદકોટના એસએસપી હરજીત સિંહે બીબીસીને જણાવ્યું કે અમે કેસની તપાસ માટે એક વિશેષ ટીમ બનાવી હતી, જે છેલ્લા એક મહિનાથી કામ કરી રહી હતી.
અમને ફાઝિલ્કા SSP પ્રજ્ઞા જૈન પાસેથી પણ મહત્ત્વપૂર્ણ માહિતી મળી હતી, જેના પરિણામે મોસ્ટ વોન્ટેડ નિરજ અરોરાની ધરપકડ કરવામાં આવી હતી. ફરિદકોટના ડીએસપી ઈકબાલ સિંહ સંધુનું કહેવું છે કે પંજાબના 21 જિલ્લામાં નિરજ વિરુદ્ધ 108 કેસ નોંધાયેલા છે, જેમણે લોકોને પૈસા કે પ્લોટની લાલચ આપીને છેતર્યા હતા. તેમણે કહ્યું કે કુલ 108 એફઆઈઆરમાંથી, ફાઝિલકામાં 47, ફિરોઝપુરમાં આઠ, પટિયાલા અને ફતેહગઢ સાહિબમાં છ-છ, રૂપનગર, મોહાલી અને એસએએસ નગરમાં પાંચ-પાંચ, ફરીદકોટ, શ્રી મુક્તસર સાહિબ અને જલંધર કમિશનરેટમાં ચાર-ચાર કેસો દાખલ કરવામાં આવ્યા છે.
ફરીદકોટ જિલ્લાના જજ સિંઘ નિરજ અરોરાએ નેચર હાઇટ્સ ઇન્ફ્રા લિમિટેડમાં રૂ. 91 લાખનું રોકાણ કર્યું હતું, જે તેમણે ગુમાવ્યું હતું. જજ સિંહ બ્રારે બીબીસી સાથે ફોન પર વાતચીતમાં કહ્યું, “હું 2012માં નિરજ અરોરાના સંપર્કમાં આવ્યો હતો. અમારી પાસે થોડા પૈસા હતા, જે અમે તેમની ફર્મમાં રોક્યા. તેણે એમ પણ જણાવ્યું કે નિરજ અમને 2017માં ચાર એકર જમીન આપવા માટે સંમત થયો હતો, જેમાં બગીચાઓ વાવવાના હતા અને ત્યાં સુધી અમારે વળતર તરીકે દર મહિને 50,000 રૂપિયા ચૂકવવાના હતા. શરૂઆતનાં વર્ષોમાં તે ચેક આપતો હતો, પરંતુ પછી થોડા સમય પછી તેના ચેક બેંકમાં બાઉન્સ થવા લાગ્યા હતા. જજ સિંહ બ્રારે કહ્યું કે અમે અમારી આખી જિંદગીની કમાણીનું રોકાણ કર્યું, પરંતુ અમારી 91 લાખ રૂપિયાની મૂળ રકમ ગાયબ થઈ ગઈ છે.
આ છેતરપિંડીથી અમને મોટું નુકસાન થયું છે અને શરમના કારણે અમે કોઈ સંબંધીને કહી પણ શકતા નથી. તેમણે સરકારને પ્રશ્ન કર્યો કે હતો કે અમે કંપનીમાં રોકાણ કર્યું કારણ કે તેમની પાસે સરકાર પાસેથી તમામ લાયસન્સ કે પરવાનગીઓ હતી. રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું તે સંબંધિત સરકારની ફરજ હતી. જે દેશમાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરતા નથી. નિરજ અરોરા જેવા ઠગો ભારતનાં દરેક રાજ્યોમાં હોય છે. વાતનો સાર એટલો કે અતિ લોભ તે પાપનું મૂળ છે. માટે આપણી મહેનતની કમાણી સિવાય ક્યાંય પણ લોભ કરવો નહીં.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.