Columns

૧૯૭૦માં કોંગ્રેસ સરકારે પણ બીબીસીની ડોક્યુમેન્ટરી પ્રતિબંધિત કરી હતી

ભારત સરકાર અને બ્રિટીશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી) વચ્ચેનો વિવાદ બહુ જૂનો છે. બીબીસી એક વિદેશી મીડિયા કંપની છે. તેની આદત ભારતની નબળી બાજુને પ્રદર્શિત કરીને સનસનાટી ફેલાવવાની રહી છે. વર્તમાનમાં જે વિવાદ ચાલી રહ્યો છે તે બીબીસી દ્વારા ગુજરાતનાં કોમી રમખાણોને લઈને તૈયાર કરવામાં આવેલી ડોક્યુમેન્ટરીનો છે, જેમાં હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખલનાયક ચિતરવામાં આવ્યા છે.

આ ડોક્યુમેન્ટરીનો ભાજપે વિરોધ કર્યો છે, પણ કોંગ્રેસ તેને સમર્થન આપી રહી છે. કેન્દ્ર સરકારે આ ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂક્યો તેને કોંગ્રેસે વાણી સ્વાતંત્ર્ય પરના હુમલા સમાન લેખાવ્યો છે. કોંગ્રેસના નેતાઓ એ વાત ભૂલી જાય છે કે ૧૯૭૦માં બીબીસી દ્વારા ભારતની બદનક્ષી કરતી બે ડોક્યુમેન્ટરી પ્રસારિત કરવામાં આવી હતી ત્યારે તત્કાલીન કોંગ્રેસ સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો, એટલું જ નહીં, બીબીસીને તેની ભારતની ઓફિસ બંધ કરવાની ફરજ પાડવામાં આવી હતી. આજે કોંગ્રેસના નેતાઓ મોદીની બદનક્ષી કરતી ડોક્યુમેન્ટરી પરના પ્રતિબંધને લોકશાહી ઉપરના હુમલા તરીકે ઓળખાવી રહ્યા છે.

૧૯૭૦ની ૧૦મી જૂને બીબીસી દ્વારા ‘કલકત્તા’નામની કલર ડોક્યુમેન્ટરી ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી, જેનું દિગ્દર્શન ફ્રેન્ચ કલાકાર લુઇસ માલેએ કર્યું હતું. આ ડોક્યુમેન્ટરીમાં કલકત્તાની ઝૂંપડપટ્ટીની ગંદકીનું અને ગુનાખોરીનું વિકૃત ચિત્રણ કરવામાં આવ્યું હતું. ૧૯૭૦ની ૨૩મી જૂને બીબીસી પર ભારત વિશેની બીજી ડોક્યુમેન્ટરી પ્રદર્શિત કરવામાં આવી હતી, જેનું ટાઇટલ ‘ધ બિવિલ્ડર્ડ જાયન્ટ’હતું. આ ડોક્યુમેન્ટરીના લેખક ડોમ મોરેસ હતા, જેઓ મૂળ ભારતીય હતા. બીબીસીની કલકત્તા વિશેની ડોક્યુમેન્ટરી તો કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ બંને ડોક્યુમેન્ટરીમાં ભારતનું વિકૃત અને બદનક્ષીયુક્ત નિરૂપણ કરવામાં આવ્યું હોવાથી દેશભરમાં તેની સામે વિરોધ થયો હતો અને તેને પ્રતિબંધિત કરવાની માગ ઉઠી હતી.

ભારત સરકારે બીબીસીને પત્ર લખીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને બ્રિટીશ સરકાર સમક્ષ પણ વિરોધ નોંધાવ્યો હતો. બ્રિટીશ સરકારે તો હાથ ઊંચા કરી દીધા હતા કે બીબીસી સ્વાયત્ત કોર્પોરેશન હોવાથી તેઓ આ બાબતમાં કાંઈ કરી શકે તેમ નથી. બીબીસીએ ભારત સરકારના પત્રનો જવાબ આપતા લખ્યું હતું કે તેમની ડોક્યુમેન્ટરીમાં ભારતનું કોઈ ખરાબ ચિત્રણ કરવામાં આવ્યું નથી. ભારત સરકારની ઠેકડી ઉડાડતા હોય તેમ બીબીસીએ ૧૯૭૦ની ૨૨ જુલાઈથી લુઇસ માલે દ્વારા જ કલકત્તા બાબતમાં તૈયાર કરાયેલી સાત ભાગની ડોક્યુમેન્ટરી પ્રદર્શિત કરવાનું શરૂ કર્યું. આ ડોક્યુમેન્ટરીમાં કલકત્તાના માછીમારો, કિસાનો અને ભરવાડોની કથા વણી લેવામાં આવી હતી.

બીબીસીની નવી ડોક્યુમેન્ટરી ભારતના જખમ પર નમક ભભરાવનારી હોવાથી ૧૯૭૦ની ૩ ઓગસ્ટે ભારતના બ્રિટન ખાતેના હાઈ કમિશનરે ફરીથી બીબીસી ઉપર પત્ર લખીને આ ડોક્યુમેન્ટરીનું પ્રસારણ રોકી દેવાની માગણી કરી હતી. બ્રિટનની સરકારે ફરીથી જવાબ આપ્યો કે બીબીસી સ્વાયત્ત કોર્પોરેશન હોવાથી તેઓ તેની કામગીરીમાં દખલ દઈ શકે તેમ નથી. બીબીસીએ પણ ભારતના વિરોધ છતાં ડોક્યુમેન્ટરીના એપિસોડ પ્રસારિત કરવાનું ચાલુ રાખ્યું. છેવટે ભારત સરકારે ૧૪ ઓગસ્ટે બીબીસીને નોટિસ આપી કે તેમણે ૧૫ દિવસમાં ભારતમાં તેમની ઓફિસને તાળાં મારી દેવાં પડશે. ત્યાર બાદ બીબીસીએ પોતાની વાતની રજૂઆત કરવા પોતાના પ્રતિનિધિને ભારત મોકલવા તૈયારી બતાડી, પણ સાથે સાથે સ્પષ્ટ કર્યું કે તેમની સિરીઝ ચાલુ જ રહેશે. ભારત સરકારે કડક વલણ દાખવી તા. ૨૯ ઓગસ્ટથી બીબીસીની ઓફિસો બંધ કરાવી દીધી.

૧૯૭૦માં ભારત સરકારે બીબીસી ઉપર પ્રતિબંધ મૂક્યો તેના પડઘા સંસદમાં પણ પડ્યા હતા. જૂની કોંગ્રેસનાં સંસદસભ્ય તારકેશ્વરી સિંહાએ લોકસભામાં સરકાર પાસે જવાબ માગતા કહ્યું હતું કે બીબીસીને ક્યા સંયોગોમાં નોટિસ આપવામાં આવી છે, તેનો ખુલાસો સરકારે કરવો જોઈએ. તેનો જવાબ આપતા તત્કાલીન નાયબ વિદેશ પ્રધાન સુરેન્દ્ર પાલ સિંહે જણાવ્યું હતું કે બીબીસીને તા. ૧૪ ઓગસ્ટના ૧૫ દિવસમાં તેમની ઓફિસ બંધ કરવાની નોટિસ આપવામાં આવી છે. તારકેશ્વરી સિંહાએ સરકારનાં પગલાંનું સમર્થન કર્યું હતું પણ સવાલ કર્યો હતો કે જેવાં પગલાં બીબીસી સામે લેવામાં આવે છે, તેવાં પગલાં રશિયાના રેડિયો પીસ એન્ડ પ્રોગ્રેસ સામે કેમ લેવામાં આવતા નથી? ત્યારે ભારતીય જનસંઘના સભ્યો દ્વારા સરકારનાં પગલાંને સમર્થન આપવામાં આવ્યું હતું; પણ સ્વતંત્ર પક્ષના ગોધરાના સંસદસભ્ય પિલુ મોદી દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.

૧૯૪૭માં ભારતને સ્વતંત્રતા મળી ત્યારથી બીબીસી ભારત બાબતમાં નકારાત્મક સમાચારો પ્રગટ કરતું આવ્યું છે. ભારતને આઝાદી મળી તે પછી પણ દીવ, દમણ અને ગોવા પોર્ટુગિઝ શાસન હેઠળ રહ્યા હતા. ૧૯૬૧માં ત્યાંના લોકો દ્વારા સ્વતંત્રતા માટે સંગ્રામ આદરવામાં આવ્યો તેને બીબીસી દ્વારા પોર્ટુગિઝ સંસ્થાનો પરના ‘ભારતના હુમલા’તરીકે ચિતરવામાં આવ્યો હતો. બીબીસીની થિયરી એવી હતી કે ગોવાના માત્ર હિન્દુઓ આઝાદ થવા માગે છે, પણ ખ્રિસ્તીઓ તો પોર્ટુગલમાં જ રહેવા માગે છે. બીબીસી દ્વારા ગોવાના સ્વતંત્રતા સંગ્રામને પણ કોમી રંગ આપવાની કોશિષ કરવામાં આવી હતી. હકીકત એ હતી કે દીવ, દમણ અને ગોવાને ફિરંગીઓના કબજામાંથી મુક્ત કરાવવા હિન્દુઓ અને ખ્રિસ્તીઓ ખભે ખભા મિલાવીને લડ્યા હતા.

૧૯૬૫માં ભારત-પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ થયું ત્યારે પણ બીબીસી પાકિસ્તાનની તરફેણના અને ભારતની વિરુદ્ધના સમાચારો ચમકાવતું રહ્યું હતું. પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન ઝુલફીકાર અલી ભુટ્ટો ભારત સામે એક હજાર વર્ષ સુધી લડવાની ડંફાસો મારતા હતા, તેને બીબીસી દ્વારા બહોળી પ્રસિદ્ધિ આપવામાં આવતી હતી. ૧૯૬૫ની ૨૨ સપ્ટેમ્બરે ઝુલફીકાર અલી ભુટ્ટો દ્વારા યુનોની સલામતી સમિતિમાં ભાષણ આપવામાં આવ્યું તેની ચિક્કાર પ્રશંસા બીબીસીના સંવાદદાતા દ્વારા કરવામાં આવી હતી. ૧૯૭૧ના યુદ્ધમાં પણ પાકિસ્તાન હારી રહ્યું હતું અને અમેરિકાએ ભારતને ડરાવવા સાતમો નૌકા કાફલો મોકલ્યો ત્યારે બીબીસી ભારતની વિરુદ્ધમાં હતું.

૨૦૧૫માં નવી દિલ્હીમાં નિર્ભયા રેપ કેસ બન્યો ત્યારે બીબીસી દ્વારા તેના પર પણ ડોક્યુમેન્ટરી બનાવીને પ્રસારિત કરવામાં આવી હતી. આ ડોક્યુમેન્ટરીમાં નિર્ભયા રેપ કેસના કેટલાક આરોપીઓના ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યા હતા. જે આરોપીઓ તિહાર જેલમાં બંધ હતા તેમના ઇન્ટરવ્યૂ લેવાની મંજૂરી તિહાર જેલના સત્તાવાળાઓએ કેવી રીતે આપી? તેવા સવાલો પેદા થયા હતા. આ ડોક્યુમેન્ટરીમાં પણ ભારતમાં હાલતા ને ચાલતા બળાત્કાર થતા હોય તેવી છબી ઊભી કરવામાં આવી હતી. ભારત સરકારે આ ડોક્યુમેન્ટરીને પણ પ્રતિબંધિત કરી હતી. ભારતને આઝાદી મળી ગઈ તેને ૭૫ વર્ષ પૂરાં થયાં તેમ છતાં બીબીસી તેની સાંસ્થાનિક માનસિકતામાંથી બહાર આવતું નથી. તેઓ ભારતને હજુ પણ પોતાનું ગુલામ જ ગણે છે. તેમને ભારતની પ્રગતિ દેખાતી નથી; પણ ભારતની નબળી બાજુ તરત દેખાઈ જાય છે. બીબીસી જેવી માનસિકતા મોટા ભાગના વિદેશી મીડિયાની છે, જેમના આપણે આજે પણ ગુલામ છીએ.

Most Popular

To Top