ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ગુવાહાટીમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ પણ ભારત જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. સાઉથ આફ્રિકાએ બીજી ઈનિંગ 260 રન બનાવી ડિકલેર કરી હતી. આ સાથે દક્ષિણ આફ્રિકાએ 548 રનની લીડ મેળવી ભારતને 549 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ક્યારેય કોઈ ટીમે આટલો મોટો લક્ષ્યાંક ચેઝ કર્યો નથી, ભારતના માથે સિરીઝની બીજી ટેસ્ટની સાથે શ્રેણી પણ 2-0 થી હારી જવાનું જોખમ તોળાવા લાગ્યું છે.
ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં ચોથી ઇનિંગ્સમાં સૌથી વધુ સફળ ચેઝ 418 રન છે. જોકે, એશિયામાં કોઈપણ ટીમે ક્યારેય 400 થી વધુ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો નથી. એશિયાઈ ખંડમાં સૌથી વધુ સફળ પીછો વેસ્ટ ઈન્ડિઝે 2021માં ચિત્તાગોંગમાં બાંગ્લાદેશ સામે 395 રનનો કર્યો હતો. ભારતમાં ચોથી ઇનિંગ્સમાં સૌથી વધુ સફળ પીછો 2008માં ચેન્નાઈ ટેસ્ટમાં થયો હતો, જ્યારે યજમાન ટીમે ઈંગ્લેન્ડ સામે 387 રનનો પીછો કરીને જીત મેળવી હતી.
ટેસ્ટ મેચની ચોથી ઇનિંગમાં હાંસલ કરાયેલો સૌથી વધુ ટાર્ગેટ
- 418 – વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, 2003
- 414 – દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, 2008
- 404 – ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 1948
- 403 – ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, 1976
- 395 – વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બાંગ્લાદેશ, 2021
સ્ટબ્સે 94 રન બનાવ્યા, જાડેજાએ 4 વિકેટ ઝડપી
દક્ષિણ આફ્રિકાની બીજી ઇનિંગની શરૂઆત સારી રહી. ત્રીજા દિવસના અંતિમ સત્રમાં રાયન રિકેલ્ટન અને એડન માર્કરામે ભારતીય બોલરોને રોકી રાખ્યા અને કોઈ પણ નુકસાન વિના આઠ ઓવર પૂરા કરવામાં સફળ રહ્યા. સ્ટાર ફાસ્ટ બોલરો મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ નવા બોલ સાથે સારો દેખાવ કરવામાં નિષ્ફળ રહ્યા.
રમતના ચોથા દિવસે રવિન્દ્ર જાડેજાએ ભારતને પ્રથમ સફળતા અપાવી. તેણે રાયન રિકેલ્ટન (35) ને મોહમ્મદ સિરાજ દ્વારા કેચ કરાવ્યો. રિકેલ્ટન અને એડન માર્કરામ વચ્ચે પ્રથમ વિકેટ માટે 59 રનની ભાગીદારી થઈ. ત્યારબાદ જાડેજાએ એડન માર્કરામને બોલ્ડ કર્યો.
થોડા સમય પછી ટેમ્બા બાવુમા વોશિંગ્ટન સુંદરની બોલિંગમાં 3 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ સ્ટબ્સ અને ટોની ડી જોર્ઝીએ 101 રનની ભાગીદારી કરી, પરંતુ રવિન્દ્ર જાડેજાએ જોર્ઝીને 49 રન પર આઉટ કરીને આ ભાગીદારીનો અંત લાવ્યો. ત્યાર બાદ સ્ટબ્સ અને મુલ્ડર ક્રિઝ પર ચોંટી ગયા સ્ટબ્સે સૌથી વધુ 94 રન બનાવ્યા. સ્ટબ્સને જાડેજાએ બોલ્ડ કર્યો. સ્ટબ્સના આઉટ થતા જ ટેમ્બાએ ઈનિંગ ડિકલેર કરી દીધી હતી.