અતિ ચક્ચારી માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ 7 આરોપીઓને કોર્ટે નિર્દોષ છોડવા હુકમ કર્યો છે. આરોપીઓ સામે પુરાવા નહીં મળતા કોર્ટે આ નિર્ણય જાહેર કર્યો છે. કોર્ટે કહ્યું, આરોપીઓ સામે રજૂ કરાયેલા પુરાવા વિશ્વસનીય નથી.
મુંબઈની સ્પેશ્યિલ કોર્ટે આજે માલેગાંવ 2008 બોમ્બ બ્લાસ્ટ કેસમાં મહત્ત્વનો ચૂકાદો આપ્યો છે. આ કેસમાં તમામ 7 આરોપીઓને નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે. આ કેસમાં ભાજપના પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, રિટાયર્ડ મેજર રમેશ ઉપાધ્યાય, સુધાકર ચતુર્વેદી, અજય રાહિરકર, સુધાકર ધર દ્વિવેદી અને સમીર કુલકર્ણી આરોપી હતા.
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં NIA ની ખાસ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા અને કહ્યું કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો કારણ કે કોઈ પણ ધર્મ હિંસાને મંજૂરી આપતો નથી. ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે મૃતકોના પરિવારોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે.
કોર્ટે સ્વીકાર્યું કે આ ઘટના સમાજ સામે ગંભીર ગુનો છે, પરંતુ કાયદામાં સજા માટે ફક્ત નૈતિક આધાર જ જરૂરી નથી પરંતુ મજબૂત પુરાવા પણ જરૂરી છે. કોર્ટે કહ્યું કે આરોપીઓ સામે કોઈ વિશ્વસનીય અને નક્કર પુરાવા મળ્યા નથી, તેથી બધાને નિર્દોષ જાહેર કરવામાં આવે છે. જો પોલીસ ઇચ્છે તો, તે વોન્ટેડ આરોપીઓ સામે અલગ ચાર્જશીટ દાખલ કરી શકે છે. નિર્દોષ જાહેર કરાયેલા તમામ આરોપીઓને કોર્ટના આદેશ (કોપી) આપવામાં આવશે.
કોર્ટે સ્પષ્ટ કહ્યું, ‘પ્રોસિક્યુશન પક્ષ કોઈ નક્કર પુરાવા આપી શક્યો નહીં જેને કાયદેસર રીતે સાચા ગણી શકાય. જે સાક્ષીઓ પર વિશ્વાસ કરવામાં આવ્યો હતો તેમની જુબાની પણ નબળી પડી. ફક્ત સ્ટોરી ઘડવી પૂરતી નથી. સજા માટે નક્કર પુરાવા જરૂરી છે. કોર્ટ પુરાવા પર વિશ્વાસ કરી શકતી નથી. ગંભીર શંકા છે પરંતુ પ્રોસિક્યુશન માત્ર શંકાના આધારે કેસ આગળ વધારી શકતું નથી.