લાંબા સમયથી Allahabad High Courtમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ અને ગે યુગલોના લિવ-ઇન સંબંધોને કાનૂની રક્ષણ મળે કે નહીં તે મુદ્દે સુનાવણી ચાલી રહી હતી. હવે આ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે, જેમાં અદાલતે સ્પષ્ટ કહ્યું છે કે પુખ્ત વયના લોકો પોતાની મરજીથી સાથે રહેવાનો નિર્ણય લઈ શકે છે અને તેમાં પરિવાર કે સમાજ તેમને રોકી શકે નહીં. આ કેસની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ વિવેકકુમાર સિંહે જણાવ્યું હતું કે દરેક પુખ્ત વ્યક્તિને પોતાની સ્વતંત્ર ઇચ્છાથી જીવનસાથી પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. જો બે પુખ્ત વ્યક્તિઓ પોતાની સંમતિથી લિવ-ઇનમાં રહેવાનું પસંદ કરે છે, તો તે તેમના બંધારણીય અધિકારો હેઠળ સુરક્ષિત છે.
કેસ મુરાદાબાદ જિલ્લાના મજહોલા પોલિસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયો હતો. અપીલ કરનારાઓ જે બંને પુખ્ત વયના હતા. એ પોતાની મરજીથી સાથે રહેવાનો નિર્ણય લીધો હતો. પરંતુ પરિવાર અને સમાજ તરફથી ધમકી અને જીવનને જોખમની આશંકા ઉભી થતા તેઓએ પોલીસ પાસે સુરક્ષા માગી હતી. સ્થાનિક સ્તરે યોગ્ય મદદ ન મળતા અંતે તેઓએ હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો. સુનાવણી દરમિયાન અદાલતે જણાવ્યું કે વ્યક્તિગત જીવનના નિર્ણયો લેવા દરેકને બંધારણ મુજબ હક છે. અદાલતે ખાસ કરીને કહ્યું કે આવા સંબંધો ભારતના બંધારણની કલમ 14 (સમાનતા નો અધિકાર), કલમ 19 (અભિવ્યક્તિ અને સ્વતંત્રતા) અને કલમ 21 (જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા)નું ઉલ્લંઘન કરતા નથી.
અદાલતે અગાઉના એક મહત્વપૂર્ણ કેસનો પણ ઉલ્લેખ કર્યો. તેમાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે લગ્ન ન થયા હોવા છતાં અથવા લગ્ન કરવાની શક્યતા ન હોવા છતાં, બે પુખ્ત લોકોના જીવન અને સ્વતંત્રતાના અધિકારો સુરક્ષિત રહે છે. હાઈકોર્ટના આ નિર્ણયથી ટ્રાન્સજેન્ડર અને ગે યુગલોના અધિકારોને કાનૂની મજબૂતી મળી છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે જો કોઈપણ પુખ્ત વ્યક્તિ સમાજને નુકસાન પહોંચાડ્યા વગર પોતાના અંગત જીવન અંગે નિર્ણય લે છે, તો તેમાં કોઈને દખલ કરવાનો અધિકાર નથી. આ ચુકાદો વ્યક્તિગત સ્વતંત્રતા અને સમાન અધિકારોના સિદ્ધાંતને વધુ મજબૂત બનાવે છે અને સમાજમાં સ્વીકાર્યતા તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.