Gujarat

સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર ફિલીપ ગ્રીનની ગાંધીનગરમાં મહત્વની બેઠક

ગાંધીનગર : આજે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા ભારત ખાતેના ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર શ્રીયુત ફિલીપ ગ્રીન OAM વચ્ચે મહચ્વની બેઠક યોજાઈ હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે ઓલિમ્પિક ગેમ્સ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસો અને અન્ય સ્પોર્ટ્સ ફેસિલિટીઝનો લાંબા ગાળા માટે સસ્ટેનેબલ ઉપયોગ કરવાના ઓસ્ટ્રેલિયાના અનુભવ જ્ઞાનનો લાભ લેવા ગુજરાતની તત્પરતા વ્યક્ત કરી હતી.મુખ્યમંત્રી સાથે ભારત ખાતેના ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર ફિલીપ ગ્રીને ગાંધીનગરમાં કરેલી સૌજન્ય મુલાકાત બેઠકની ચર્ચા દરમિયાન તેમણે આ તત્પરતા દર્શાવી હતી. આગામી 2032માં ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં જે ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થવાનું છે તે સંદર્ભમાં ઓસ્ટ્રેલિયાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસ અને અન્ય સુવિધા તૈયાર કરવાની પોતાની જે કવાયત હાથ ધરી છે તે અંગે આ બેઠકમાં વિસ્તૃત વિચાર-વિમર્શ થયા હતા. તેમણે આવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો રમતો પૂર્ણ થયા પછી સામાન્ય લોકોના આવાસ, સ્ટુડન્ટ્સ હોસ્ટેલ અને મેદાનોનો અન્ય ઇવેન્ટ માટે ઉપયોગ કરવાના આયોજનની વિગતો આપી હતી.

ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનરે બ્રિસ્બેનમાં થઈ રહેલી આ તૈયારીઓના નિરીક્ષણ માટે ગુજરાતના ઉચ્ચસ્તરીય ડેલીગેશનને આમંત્રણ પાઠવ્યું હતું. તેમણે ગુજરાતમાં ખાસ કરીને સ્વિમિંગ, પેરા એથલીટ્સ અને હાઈ પર્ફોમન્સ સેન્ટરના ક્ષેત્રોમાં ઉચ્ચ પ્રશિક્ષણ માટે ઓસ્ટ્રેલિયા સહભાગી થવા ઈચ્છુક છે તેની ભૂમિકા આપી હતી.

સીએમ ભૂપેન્દ્ર પટેલે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓના કૌશલ્યની પ્રશંસા કરતા તેનો ઉચ્ચ પ્રશિક્ષણ લાભ ગુજરાતના ખેલાડીઓને પણ મળે અને 2036 ઓલમ્પિકમાં ઉજ્જવળ દેખાવ કરી શકે તે માટે સહિયારા પ્રયાસોથી આગળ વધવાની અપેક્ષા દર્શાવી હતી. ગિફ્ટ સિટીમાં કાર્યરત ડિકન યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ સાયન્સ, સ્પોર્ટ્સ બિઝનેસ અને સ્પોર્ટ્સ રિસર્ચના અભ્યાસ માટે સેન્ટર ઓફ એક્સલન્સ શરૂ કરીને એક આખી અલાયદી ઇકોસિસ્ટમ ઊભી કરવાની વિગતો પણ ઓસ્ટ્રેલિયન હાઇ કમિશનરે મુખ્યમંત્રીને આપી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલને તેમણે ડિકન યુનિવર્સિટીના માર્ચ-2026માં થનારા પ્રથમ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું.

સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બે રાષ્ટ્રો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોથી વાઈબ્રન્ટ સમિટમાં ઓસ્ટ્રેલિયાની પાર્ટનરશીપથી રાજ્યના જેમ્સ એન્ડ જ્વેલરી, ટેક્સટાઇલ, એપેરલ એન્ડ ક્લોથિંગ, લાઈફ સાયન્સીસ, ફાર્માસ્યુટિકલ જેવા ક્ષેત્રોને લાભ થયો છે તેમ જણાવ્યું હતું. ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનરે ગુજરાતે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં જે લીડ લીધી છે તેનાથી પ્રભાવિત થયા હતા. તેમણે રિન્યૂએબલ એનર્જી ટ્રાન્ઝિશનમાં ઓસ્ટ્રેલિયાની એક્સપર્ટિઝનો સહયોગ ગુજરાતને આપવા તત્પરતા દર્શાવી હતી. એટલું જ નહિ, પંડિત દીન દયાળ એનર્જી યુનિવર્સિટીમાં સોલાર રૂફટોપ માટે 2000 લોકોની ક્ષમતા સાથેની ટ્રેનિંગ ફેસીલીટીઝ તેઓ વિકસાવી રહ્યા છે અને ખાસ કરીને મહિલાશક્તિ તેમાં વધુ રસ લઈ રહી છે તેની પણ પ્રશંસા કરી હતી.

Most Popular

To Top