નવી દિલ્હીઃ સરકાર જાહેર હિતમાં ખાનગી મિલકત હસ્તગત કરી શકે છે કે નહીં તે મુદ્દે આજે તા. 5 નવેમ્બર 2024ના રોજ સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટની 9 સભ્યોની બંધારણીય બેંચે પોતાના બહુમતી નિર્ણયમાં કહ્યું છે કે સરકાર તમામ ખાનગી મિલકતો લઈ શકે નહીં. બેન્ચે 8-1ની બહુમતીથી આ નિર્ણય આપ્યો છે.
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની 9 જજોની બંધારણીય બેન્ચે 8-1ની બહુમતી સાથે ચુકાદો આપ્યો છે. ચીફ જસ્ટિસ સિવાય બેન્ચમાં જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા, જસ્ટિસ મનોજ મિશ્રા, જસ્ટિસ સુધાંશુ ધુલિયા, જસ્ટિસ હૃષિકેશ રોય, જસ્ટિસ બીવી નાગરથના, જસ્ટિસ જેબી પારડીવાલા, જસ્ટિસ રાજેશ બિંદલ અને જસ્ટિસ એજી મસીહ સામેલ છે. નવ જજની બેંચના કેસમાં બહુમતી ચુકાદો આપતી વખતે જસ્ટિસ ક્રિષ્ના ઐયરના અગાઉના ચુકાદાને રદિયો આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે તમામ ખાનગી માલિકીના સંસાધનો રાજ્ય દ્વારા હસ્તગત કરી શકાય છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થાનો હેતુ વિકાસશીલ દેશના પડકારોનો સામનો કરવાનો છે અને તેને કોઈ એક આર્થિક માળખા સાથે જોડવાનો નથી. કોર્ટે સ્વીકાર્યું કે છેલ્લાં 30 વર્ષમાં બદલાયેલી આર્થિક નીતિઓને કારણે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની ગયું છે.
સુપ્રીમ કોર્ટ જસ્ટિસ ઐયરના મત સાથે સહમત નથી કે ખાનગી મિલકતને પણ સામુદાયિક મિલકત ગણી શકાય. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે ભારતની અર્થવ્યવસ્થાનું લક્ષ્ય કોઈ ચોક્કસ આર્થિક મોડલને અનુસરવાનું નથી. તેના બદલે તેનો હેતુ વિકાસશીલ દેશ તરીકે આવતા પડકારોનો સામનો કરવાનો છે.
ખાનગી સંપત્તિ સાથે જોડાયેલી 16 અરજીઓ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. જેમાં મુંબઈના મિલકત માલિકોની અરજીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ મામલો 1986માં મહારાષ્ટ્રમાં કરાયેલા કાયદામાં સુધારા સાથે સંબંધિત છે, જેમાં સરકારને સમારકામ અને સુરક્ષા માટે ખાનગી ઈમારતોને ટેકઓવર કરવાનો અધિકાર મળ્યો હતો.
અરજદારોનું કહેવું છે કે આ સુધારો ભેદભાવપૂર્ણ છે. સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે આ કેસમાં ત્રણ ચુકાદા છે. તેમના અને અન્ય છ જજોમાંથી જસ્ટિસ નાગરથના આંશિક રીતે સંમત છે અને જસ્ટિસ ધૂલિયા અસંમત છે.