SURAT

18 વર્ષથી કાગળ પર ચક્કર કાપી રહેલાં તાપીના આ પુલના નિર્માણ માટે હવે મહત્ત્વનો નિર્ણય લેવાયો, નદીની ગંદકી દૂર થશે

સુરત: તાપી નદીમાં ફેલાયેલી ગંદકીને દૂર કરવામાં મદદરૂપ બને તે માટે 2003માં નદી પર એક પુલ બનાવવાનો વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ 18 વર્ષ બાદ પણ તે હજુ કલ્પનાથી આગળ વધ્યો નથી. છેલ્લાં પોણા બે દાયકાથી કાગળ પર જ ચક્કર કાપી રહેલાં આ બ્રિજના નિર્માણ માટે સુરત મનપા દ્વારા 640 કરોડનો અંદાજ મંજૂર કરવામાં આવ્યા બાદ હવે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી શહેરીજનોના મનમાં એવી આશા બંધાઈ છે કે પુલ બનવા સાથે નદીની ગંદકી પણ દૂર થશે.

તાપી નદી (Tapi river) ઉપર રૂંઢ પાસે આકાર પામનારા રબર બેરેજ પ્રોજેક્ટ (Rubber Barrage Project) હવે ગતિ પકડી રહ્યો છે. છેવટે મનપા દ્વારા બેરેજ માટે રૂા. 640 કરોડનો અંદાજ મંજુર કરવામાં આવ્યો હતો. પરંતુ બરાજ મોટો પ્રોજેક્ટ હોવાથી સિંચાઈ વિભાગ દ્વારા મનપાને મોડલ તૈયાર કરવા માટે તાકીદ કરી હતી. મનપા દ્વારા હવે ગેરી પાસેથી 2-ડી અને થ્રી-ડી મોડલ તૈયાર કરાવશે. જે માટે શાસકો સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી છે.

ગેરી દ્વારા બેરેજ માટે ફિઝિકલ મોડલ તૈયાર કરી આપવામાં આવશે. જેમાં તમામ વિગતો સમાવી લેવાશે. અગાઉ મનપા દ્વારા મેથેમેટીકલ મોડલ તૈયાર કરાવાયું હતું અને હવે ફિઝિકલ મોડલ તૈયાર કરાશે. વડોદરામાં ગેરી દ્વારા આબેહુબ બરાજનું મોડલ તૈયાર કરાશે અને તેની ફિઝિબિલિટી, ક્ષમતા વગેરે વિશે રિપોર્ટ તૈયાર કરીને આપવામાં આવશે. જે માટે મનપા દ્વારા ગેરીને 2-ડી મોડલના રૂા. 16.83 લાખ અને 3-ડી મોડલના 26.76 લાખ આપવામાં આવશે અને મોડલ બન્યા બાદ બેરેજની પ્રોજેક્ટ કોસ્ટ પણ વધશે.

તાપી નદીમાં વધી રહેલા પ્રદૂષણને પગલે તાપી નદીની હાલત ખાડી કરતાં પણ બદતર બની ચૂકી છે. વિયરની ડાઉનસ્ટ્રીટમમાં તો તાપી નદી જાણે સાંકડા નાળા જેવી બની ગઈ હોય તેવી થઈ છે. એટલે, તાપી નદી ફરી બારેમાસ પાણીથી ભરેલી દેખાય, તેના થકી રાંદેર ઝોન, અઠવા ઝોન, સેન્ટ્રલ ઝોનમાં ભૂગર્ભજળના સ્તર પણ જળવાયેલા રહે, તે માટે પાલિકાએ 18 વર્ષ પહેલાં વર્ષ 2003માં મગદલ્લા પાસે બલૂન બેરેજ(આડબંધ) બાંધવા માટેનો વિચાર કર્યો હતો.

જોકે, આ પ્રોજેક્ટના વિચારે 18 વર્ષ સુધી માત્ર કાગળ ઉપર જ ચક્કર કાપ્યા હતાં. હવે વિયર કમ કોઝવે પછી ડાઉનસ્ટ્રીમમાં તાપીનદીની હાલત મૃતપાય થઈ ચૂકી છે. તેની ખૂબ ગંભીર અસર આજુબાજુના વિસ્તારોમાં ભૂગર્ભજળને થઈ ચૂકી છે. બીજીતરફ હાલના વિયરના જળાશયમાં પણ ભળતી ગંદકી, જળકુંભી જેવી વનસ્પતિને લીધે નદીની હાલત પણ દયાજનક થઈ છે. એટલે, ભવિષ્યમાં તાપી નદી જીવંત હોય તો પર્યાવરણની જાળવણીની સાથે ભવિષ્યમાં શહેરના પાણીના પ્રશ્ન માટે પણ વિકલ્પ ઉભો હોય, તે માટે બેરેજ (આડબંધ)ને બાંધવો જરૂરી બન્યું હતું. મોડલ બન્યા પછી હવે બેરેજ પ્રોજક્ટની કામગીરી ગતિ પકડશે.

Most Popular

To Top