હાલમાં પોલ રાઇટસ ગ્રુપ એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોમ ( એડીઆર) ના રિપોર્ટમાં તારણ આવ્યું કે ૨૦૧૬ થી ૨૦૨૦ ની વચ્ચે એટલે કે છેલ્લાં ૪ વર્ષમાં ૪૦૦ થી વધારે ધારાસભ્યોએ પક્ષપલટો કર્યો. એમાંના દરેકનું કોમન વાકય હતું કે તેઓ પક્ષની વિચારધારા સાથે સહમત ન હતાં. પણ સત્ય તો બધા જ જાણતા હોય છે. દરેકને પદ કે હોદ્દો વ્હાલો હોય છે. હમણાં આપણાં રાજયોની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં સત્તા પક્ષના એક બહેનને ‘મેયર ‘ પદ ન મળતાં દિવાલ સાથે માથું અફાળી હૈયાફાટ રુદન કર્યું.
કેરલમાં પણ એક મહિલાને વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતાં માથું મુંડાવ્યું. તો શું આ યોગ્ય છે? શું પ્રજાલક્ષી કામો પદ વગર ન થઇ શકે? જેમના પર પ્રજાએ વિશ્વાસ મૂકી એમને ચૂંટયા છે, તેઓને કોઈ કારણસર પદ કે હોદ્દો ન મળે તો પણ એમને પ્રજાલક્ષી કામો પોતાનું કર્તવ્ય સમજીને કરવાં જોઈએ. પક્ષે ભલે કોઈ પદ કે હોદ્દો આપ્યો ન હોય પણ સત્તા પક્ષ તો એમનો જ છે એટલે એમનાં કામ થશે. બસ, પ્રજાલક્ષી કામો કરવાની દાનત હોવી જોઈએ. હોદ્દા વગર પણ જો પોતાનું કર્તવ્ય સમજીને પ્રજાલક્ષી કામો કરશો તો આજે નહિ તો કાલે પક્ષે તમારી નોંધ લેવી પડશે અને ફરીથી સત્તા પર આવવા માટે તેમને પદ કે હોદ્દો આપવો જ પડશે.
અડાજણ – સૃષ્ટિ કનક શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.