Business

સ્વસ્તિકનું મહત્વ

હિન્દુ ધર્મમાં  ‘Ó’ સ્વસ્તિકના ચિન્હ દોરીને કોઇપણ શુભ કાર્યનો આરંભ કરવામાં આવે છે. તેની શુભ કાર્ય કરતા પહેલા પૂજા કરવામાં આવે છે. તેની પૂજા કરવાથી કાર્ય સફળ થાય છે એવું માનવામાં આવે છે. તે ચિન્હને મંગળ પ્રતિક માનવામાં આવે છે. સ્વસ્તિક શબ્દ સુ + અસ્તિ શબ્દ યોગ છે. સુ શબ્દનો અર્થ શુભ અને અસ્તિ શબ્દનો અર્થ થવું એટલે કે ‘શુભ થાઓ’ અથવા ‘કલ્યાણ થાઓ’. સ્વસ્તિકમાં ચાર પ્રકારની રેખાઓ દોરેલી હોય છે. જેનો આકાર એક સરખો હોય છે. આ ચાર રેખાઓ ચાર દિશાઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એવું બતાવે છે. હિન્દુ ધર્મ અનુસાર આ ચાર રેખાઓ ચાર વેદોનું પ્રતિક ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ છે.  કેટલાંક એવું પણ માને છે કે આ રેખાઓ સૃષ્ટિના રચનારા બ્રહ્માના ચાર મુખો છે. સ્વસ્તિક ચિન્હનું હિંદુ ધર્મ ઉપરાંત બીજા અનેક ધર્મમાં ઘણું મહત્વ છે. જેમ કે બોધ્ધ ધર્મમાં તેને સારા નસીબનું પ્રતિક માનવામાં આવે છે. ઉપરાંત તે ભગવાન બુધ્ધના પગ ચિન્હો બતાવે છે. તે ભગવાન બુધ્ધના હૃદય, હથેળી તથા પગો પર અંકિત થયેલ છે. જૈન ધર્મમાં સ્વસ્તિકનું ઘણું જ મહત્વ છે. તે સાત્વિક જીવનનું પણ પ્રતિક છે. શ્વેતાંબર જૈન તેમને અષ્ટમંગલનું મુખ્ય પ્રતિક માને છે. સ્વસ્તિક પ્રતિક ફકત ભારતમાં જ નહિ, પણ વિશ્વના ખૂણે ખૂણે ઉપયોગ થાય છે. પછી તે સકારાત્મક રૂપમાં કે નકારાત્મક રૂપમાં હોય.

સ્વસ્તિક ફકત લાલ રંગથી બનાવવામાં આવે. લાલ રંગનું ભારતીય સંસ્કૃતિમાં અતિ મહત્વ છે. આ રંગને અનેક શુભ કામોમાં સિંદુર, કંકુના રૂપમાં થાય છે. લાલ રંગ સાહસ અને વિજયનું પ્રતિક છે. લાલ રંગ પ્રેમનું પ્રતિક દર્શાવે છે. લાલ રંગ શારીરિક અને માનિસક સ્તર પર વ્યકિતને પ્રભાવિત કરે છે. વાસ્તુશાસ્ત્રમાં સ્વસ્તિકને વાસ્તુનું પ્રતિક માનવામાં આવે છે. ઘરના મુખ્ય દરવાજા પર બંને બાજુ અષ્ટધાતુ અને મધ્યમાં તાંબાનું સ્વસ્તિક પ્રતિક લગાવવાથી વાસ્તુદોષ દૂર થાય છે. ધાર્મિક અને માંગલિક કાર્યમાં હળદર અથવા સિંદુરથી બનાવેલ સ્વસ્તિક આત્મશાંતિ આપે છે. તહેવારોમાં આંગણામાં રંગોળી સાથે કંકુ, સિંદુરથી બનાવેલ સ્વસ્તિક મંગલકારી હોય છે તેનાથી દેવી, દેવતાઓ ઘરમાં પ્રવેશ કરે છે. પૂજા સ્થાનમાં સ્વસ્તિકના પ્રતિક પર ધાન્ય અથવા પ્રદીપ પ્રગટાવવાથી ટુંક સમયમાં મનોકામના પૂર્ણ થાય છે.

હિંદૂ ધર્મમાં કોઈપણ શુભ કામ કરવામાં આવે તો તેની પહેલા સ્વસ્તિકનું પ્રતિક કરવામાં આવે છે. માન્યતા છે કે આમ કરવાથી કાર્ય સફળ થાય છે. સ્વસ્તિકની ચાર રેખા ભગવાન બ્રહ્માના ચાર મસ્તક સમાન છે તો મધ્યમાં આવેલા બિંદૂ ભગવાન વિષ્ણુની નાભિ છે. જેમાં બ્રહ્મા પ્રકટ થાય છે. સ્વસ્તિકની ચાર રેખા ઘડિયાળની દિશામાં ચાલે છે. એટલે કે તે યોગ્ય દિશામાં ચાલવાનું પ્રતીક છે. આ ઉપરાંત આ રેખાઓ પુરુષાર્થ, ચાર આશ્રમ, ચાર લોક અને ચાર દેવ સાથે પણ સરખાવવામાં આવી છે. તમે જોયુ હશે કે લોકો પૂજા સ્થાનમાં અથવા કોઈ શુભ પ્રસંગે સ્વસ્તિકનું નિશાન બનાવે છે. તેની પાછળ માન્યતા છે કે સ્વસ્તિક શુભ અને લાભમાં વધારો કરનારો હોય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ સ્વસ્તિકનો સંબંધ અસલમાં વાસ્તુ સાથે છે. તેની બનાવટ એવી હોય છે કે દરેક દિશામાં એક જેવો દેખાય છે. પોતાની બનાવટની આ ખૂબીને કારણે તે ઘરમાં રહેલા દરેક પ્રકારના વાસ્તુદોષને ઓછા કરવામાં સહાયક હોય છે. શાસ્ત્રોમાં સ્વાસ્તિકને વિષ્ણુનુ આસન અને લક્ષ્મીનુ સ્વરૂપ માનવામાં આવે છે. ચંદન, કંકુ અને સિંદૂરથી બનેલ સ્વસ્તિક ગ્રહ દોષને દૂર કરનારો હોય છે અને ધન કારક યોગ બનાવે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ અષ્ટઘાતુનો સ્વસ્તિક મુખ્ય દ્વારની પૂર્વ દિશામાં મુકવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.

Most Popular

To Top