Columns

મહત્વતા કર્મ અને ધર્મની

એક દિવસ કર્મ અને ધર્મ વચ્ચે કોની મહત્વતા વધારે તે બાબતે ઝઘડો થયો.બંને પોપોતાની મહત્વતા સિદ્ધ કરવા એક પછી એક અનેક ઉદાહરણો આપી રહ્યા હતા.વાત વધી પડી.ઘણા વચ્ચે પડ્યા પણ નિવેડો તો આવ્યો નહિ અને કર્મ અને ધર્મના બે જૂથ પડી ગયા. ધર્મ કહે, ‘વેદ અને પુરાણોએ મને સૌથી મહત્વનો હહ્યો છે.ધર્મનું પાલન જ જીવનની સાર્થકતા છે.’ ધર્મના ટેકેદારો બોલ્યા, ‘ધર્મ તમારું જીવન પવિત્ર બનાવે છે.ધર્મ તમને ઈશ્વરની પાસે જવામાં મદદ કરે છે.ધર્મ મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ કરે છે…’ આવા ઘણા વિધાનો દ્વારા ધર્મની શ્રેષ્ઠતા પુરવાર કરવા માટે થયા.

કર્મ કહે, ‘ગીતામાં સ્વયં ભગવાન કૃષ્ણએ મારા મહત્વને સમજાવતું જીવન દર્શન કહ્યું છે.મારે વધુ કઈ કહેવાની જરૂર નથી.’ કર્મના ટેકેદારો બોલ્યા, ‘કર્મ તમારા જીવનને ઉપયોગી બનાવે છે.શુભ કર્મ તમને શુભ ફળ આપે છે.અને કર્મમાં એટલી તાકાત છે કે ઈશ્વરને તમારી પાસે લઇ આવે છે.’ આવા ઘણા વિધાનો થયા.પણ કોઈ નિર્ણય ન આવ્યો.બધાએ આ વાદનો અંત લાવવા નારદજી પાસે જવાનું નક્કી કર્યું .

 ધર્મ અને કર્મ નારદજી પાસે ગયા અને નારદજીને પૂછ્યું, ‘દેવર્ષિ અમારી વચ્ચે કોની મહત્વતા વધારે તે બાબતે વાદ થયો છે.હવે આપ જ નિર્ણય કરી કહો કે કોની મહત્વતા વધારે છે??’ નારદજી બોલ્યા, ‘ધર્મ અને કર્મ તમારા બન્નેમાંથી કોણ વધારે મહત્વનું તે હું નક્કી કરી શકતો નથી.કારણ કે ધર્મપાલન કરવું ઈશ્વરની ભક્તિ છે.અને સારા કર્મનું પાલન કરવું ઈશ્વરનું કાર્ય કરવા બરાબર છે એટલે હવે આ બાબતનો નિર્ણય તો સ્વયં નારાયણ જ કરી શકે તેમ છે.’

આટલું કહી નારદજી ધર્મ અને કર્મને લઈને વૈકુંઠમાં ગયા અને ધર્મ અને કર્મના વાદ વિષે બધી વાત કરી.ભગવાન નારાયણ હસ્યા અને બોલ્યા, ‘મનુષ્યના જીવનમાં ધર્મ અને કર્મ બન્નેનું મહત્વ છે.જીવન સાર્થક કરવા બન્નેની જરૂર છે પણ એક ફરક છે.ધર્મપાલન કરનારે મારી સામે હાથ જોડીને પોતાની ઈચ્છાની વારંવાર માગણી કરવી પડે છે અને હું તેની બરાબર કસોટી લીધા બાદ તેની ઈચ્છા પૂરી કરું છું.જયારે શુભ કર્મ કરનાર પોતાના શુભ કર્મોથી મને ખુશ કરી દે છે તો તેના માંગવા પહેલા ખુશ થઈને તેના શુભ કર્મોનું શુભ ફળ આપવા હું સામેથી તત્પર થી દોડી જાઉં છું.’ ભગવાન નારાયણે કર્મ અને ધર્મની મહત્વતા સમજાવી. નારદજી, ધર્મ અને કર્મ પ્રભુના ચરણોમાં પ્રણામ કર્યા.   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top