ચોમાસા અને શિયાળાની વચ્ચેની ઋતુ એટલે શરદ ઋતુ.શરદ ઋતુ ભાદરવો અને આસો મહિનામાં આવે છે.શરદ ઋતુમાં પિત્તનો પ્રકોપ વધી જાય છે.આ ઋતુમાં રક્ત ઉષ્ણતાયુક્ત હોય છે.પરિણામે શરીરમાં રક્તવિકારો થાય છે.પિત્ત થાય એવા ખારા, તીખા પદાર્થો,દહીં અને વધુ પડતા તેલ મસાલાવાળા આહારનો ત્યાગ કરવાનો હોય છે.શરદ ઋતુમાં શ્રાદ્ધ પક્ષ,શારદીય નવરાત્રી અને શરદ પૂર્ણિમા જેવા તહેવારોનું મહત્ત્વ છે.આપણા તહેવારોમાં સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અભિગમો સંકળાયેલા છે. શ્રાદ્વની ખીર દૂધપાક હોય કે નવરાત્રીની ચાંદની રાતો કે પછી શરદપૂનમનાં દૂધ-પૌંઆ હોય, …બધી જ ધાર્મિક પરંપરાઓ કે આપણી સંસ્કૃતિમાં ઉજવાતા કોઈ પણ તહેવારો ઋતુ અનુસાર વૈજ્ઞાનિક ઢબે ગોઠવવામાં આવ્યા છે અને ઉત્સવ સ્વરૂપે આપણી રોજિંદી જિંદગીમાં વણી લેવામાં આવ્યા છે.
રોજબરોજના ખોરાકમાં મધુર કે કડવા રસયુક્ત સ્વભાવે ઠંડા અને પચવામાં વધુ ભારે ન હોય એવા પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ અને રાત્રે ચંદ્રની શીતળ ચાંદનીનું સેવન કરવું જોઈએ. દૂધ મધુર, ગુણમાં ઠંડું, સુપાચ્ય,પૌષ્ટિક આહાર છે. સુરતમાં શરદ પૂર્ણિમાના બીજા દિવસે ચંદની પડવાની ઉજવણી એનો એક ભાગ છે. ચંદની પડવા નિમિતે સુરતીઓ ઘારી આરોગે છે.સુરતમાં ઘારી માત્ર ચંદની પડવાના દિવસે જ ખવાય છે. શરદ ઋતુમાં આહાર વિહારનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, એટલે જ કહેવાય છે કે જેને શરદ ઋતુ હેમખેમ પસાર કરી હોય, તેઓનું તંદુરસ્તીની દૃષ્ટિએ આખું વરસ સારું પૂર્ણ કરેલું ગણાય.
સુરત – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.