Charchapatra

અમલીકરણ

અમલીકરણ એટલે અમલ કરવો. અમલ સત્તા, પદ કે કાયદાકીય રીતે પણ થઈ શકે. હુકમ કે આજ્ઞા મુજબ આચરણ કરવું, કામ કરવું તે અમલ થયો કહેવાય. સૌને બંધારણ મુજબ અધિકારો મળ્યા, સામે જવાબદારી પણ નિભાવીશું એમ હોય તો બરાબર. માત્ર માંગણી મુજબ મળવું જ જોઈએ એ ખોટું કહેવાય. હક સામે ફરજ બજાવતાં લોકો જ જાગૃતિ લાવી શકે છે. 11 જુલાઈ વિશ્વ વસ્તી દિન તરીકેની ઉજવણી કરવામાં આવી. જેની શરૂઆત 1989 થી શરૂ થઈ. આજે ભારતની વસતી 144 કરોડ પર પહોંચી ગઈ છે. વધતી વસતી સામે અનેક સમસ્યાઓ પણ વધી રહી છે.

આઝાદી પછી ભારત દેશની મૂળભૂત સમસ્યાઓ હતી તેનો ઉકેલ આજદિન સુધી આવ્યો નથી. ઉદાહરણ તરીકે ગરીબી લઈએ તો  સંખ્યાબંધ લોકોને બે ટંક ભોજનની પણ તકલીફ છે. અલબત્ત, સમસ્યાઓના ઉકેલ માટે સુંદર યોજનાઓ છે, લોકોની સગવડ માટેના કાયદાઓ છે પણ પ્રશ્ન છે, સમયસર અને યોગ્ય અમલીકરણનો. છેવાડાના માનવી સુધી યોજનાઓ પહોંચવી જોઈએ. તે માટેની જે જે જોગવાઈઓ છે તે માત્ર કાગળની શોભા વધારે તે બરાબર નથી. અમુક કાયદા એવા છે કે તેના અમલીકરણ માટે પહેલાં ગરીબીનું નિરાકરણ લાવવું પડે. કહેવાનો આશય કાયદાકીય જોગવાઈઓના અમલમાં આવતી ક્ષતિઓ દૂર કરીને આગળ વધવું જોઈએ.

અમલીકરણ પણ તટસ્થ રીતે કરવું પડે. તેમાં શુદ્ધતા પણ આવકાર્ય છે. સત્ય છે કે, જ્યાં સુધી મૂળ સમસ્યાઓનો ઉકેલ નહિ થાય, ત્યાં સુધી કાયદા લાચાર જ રહેવાના. સમસ્યાઓના ઉકેલને પણ અગ્રિમતા પણ આપવી જોઈએ. બજારમાં ખરીદી માટે નીકળ્યા હોય અને સાથે લાઈટબીલ પણ ભરવાનું હોય તો બીલ ભરવાના સમયે બારી બંધ થઈ જાય એવું બને, ત્યારે  અગ્રિમતા મુજબ આપણે સમયસર બિલ ભરી શકીએ, પણ લાઈટબીલ ભરવા માટેની નાણાંકીય જોગવાઈ, સગવડ ન હોય તો? મૂળ સમસ્યા નાણાંની અછત, ગરીબી છે.

ક્યાંક તો એવું બને કે સરકારી યોજના મુજબના નાણાં ફાળવવામાં આવે પણ જેને લાભ મળવાનો હોય ત્યાં એ રકમ પહોંચવાને બદલે કહેવાતા વચેટિયા નાણાં ચાંઉ કરી જાય. લાભાર્થીના નામ સામે નાણાં ચૂકવ્યાની નોંધ પણ થઈ જાય! બોલો, કેવું અમલીકરણ? દરેક કાયદાનું પાલન કરવું એ દરેક નાગરિકની જવાબદારી, ફરજ છે, એ નિભાવવી જોઈએ. અમલીકરણ થાય તો જ સમસ્યાઓના ત્વરિત ઉકેલ મળી શકે. અહીં સહિયારા સાથની જરૂર છે.
નવસારી           – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top