કોમર્શિયલ બેંકોને ટૂંકા ગાળા માટે જ્યારે ફંડની અછત ઊભી થતી હોય છે ત્યારે તેઓ જે વ્યાજ દરે આર.બી.આઈ પાસેથી લોન મેળવે છે તે દરને ‘રેપો રેટ ‘કહે છે. હાલમાં જ આર.બી.આઇ એમ.પી.સી.(૨૦૨૩)દ્વારા રેપો રેટ યથાવત 6.5% જ રેહવાની જાહેરાત કરવામાં આવી છે. રેપો રેટ યથાવત રહેવાને કારણે પ્રજાજનો અને દેશમાં ખુશહાલીનો માહોલ જોવા મળે છે. કારણકે રેપોરેટ એ નાણાકીય નીતિનું અગત્યનું સાધન છે. જો આર.બી.આઈ રેપોરેટ માં વધારો કરે તો કોમર્શિયલ બેંકો આર.બી.આઈ પાસેથી ઓછા પ્રમાણમાં લોનની માંગણી કરશે.
અને જો કોમર્શિયલ બેંકોને ધિરાણ ઓછું મળશે તો તેઓ જાહેર જનતાને ઓછી લોન વધુ વ્યાજ દરે આપવા પ્રેરાશે. આથી જાહેર જનતા વ્યાજ દરો વધુ હોવાને કારણે ઓછા પ્રમાણમાં કોમર્શિયલ બેંકો પાસે લોનની માંગણી કરશે. અને જો લોકો પાસે પૈસા ઓછા હશે તો તેઓ તો વધારે પડતી માંગને બંધ કરી દેશે. અને ચીજવસ્તુના ભગો આસમાને જતા અટકી જાય છે. પરંતુ જો આર.બી.આઈ રેપોરેટમાં ઘટાડો કરે તો કોમર્શિયલ બેંકો ટૂંકા ગાળા માટે આર.બી.આઈ પાસેથી વધુને વધુ લોન લેવા માટે પ્રેરાય છે. અને જો કોમર્શિયલ બેંકો પાસે લોન ભંડોળ વધે તો તેઓ જાહેર જનતા ને ઓછા વ્યાજદરે વધુને વધુ ધિરાણ આપવા માટે સશક્ત બને છે.
આથી કોમર્શિયલ બેંકો વ્યાજનો દર ઓછો કરે તો ગ્રાહકો બિનજરૂરી મહત્તમ લોન લેવા માટે આકર્ષિત થતા હોય છે. કારણ કે જ્યારે પ્રજા પાસે વધારે પ્રમાણમાં પૈસા હશે ત્યારે તેઓ જરૂરિયાત કરતા વધારે ને વધારે માંગ કરતા જશે. અને અને જ્યારે આ વધારાની માંગ પુરવઠા કરતા પણ વધુ હોય છે ત્યારે અર્થતંત્રમાં ફુગાવાની પરિસ્થિતિ સર્જાય છે. આર.બી.આઈ રેપોરેટને નાણાકીય સાધન તરીકે વાપરીને અર્થતંત્રમાં નાણાંના પ્રમાણ અને ફુગાવાને અંકુશમાં રાખે છે.
જો અર્થતંત્ર મંદી તથા રિકવરીના તબક્કામાં હોય તો આર.બી.આઈ રેપોરેટમાં ઘટાડો કરે છે અથવા તો તેને યથાવત રાખે છે. જેથી અર્થતંત્રમાં નાણાનો પ્રવાહ વધી શકે અને લોકોના હાથમાં પૈસા હશે તો તેઓ પોતાની જીવન જરૂરિયાતી વસ્તુઓ ખરીદી શકશે. જો અર્થતંત્રમાં નાણાનો પ્રવાહ જરૂરી પ્રમાણમાં રહેશે તો ઉત્પાદનો વધશે, આવકો વધશે, રોકાણો વધશે , વિદેશ વેપાર વધશે, રોજગારી વધશે, રાષ્ટ્રીય આવક વધશે, લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે અને અર્થતંત્રનો વિકાસ વધશે.
ભરૂચ – સૈયદ માહનુર-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.