National

ઓમિક્રોનના ભય વચ્ચે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે: ટેસ્ટ અને વન-ડે રમશે, ટી-20 મૌકૂફ

Omicron ની દહેશતના પગલે BCCI દ્વારા ભારતીય ક્રિકેટ ટીમનો (Indian Cricket Team) દક્ષિણ આફ્રિકાના (South Africa Tour) પ્રવાસ માં ફેરબદલ કરી છે. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા જશે અને ટેસ્ટ તથા વન-ડે સિરીઝ રમશે. હાલ પૂરતી ટી-20 સિરીઝ મૌકૂફ રાખવામાં આવી છે. આ નિર્ણય BCCIના સેક્રેટરી જય શાહ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ પહેલાં એવી ચર્ચા ઉઠી હતી કે આખોય પ્રવાસ મૌકૂફ કરી દેવાયો છે, પરંતુ બાદમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી.

ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતા BCCIના સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે, ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે. ટીમ ત્યાં 3 ટેસ્ટ અને 3 વન-ડે રમશે. ટી-20 સિરીઝ હાલ મૌકૂફ રાખવામાં આવી છે. તે ક્યારે રમાશે તે હાલ નક્કી કરવામાં આવ્યું નથી. BCCIના અધિકારીઓએ જણાવ્યું કે, ખેલાડીઓની સુરક્ષાને નજરમાં રાખીને નિર્ણય લેવાશે. આ માટે બંને દેશના બોર્ડ એકબીજાની સાથે સતત સંપર્ક રાખી રહ્યાં છે.

નોંધનીય છે કે, ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડ સામે હોમ પીચ પર 2 ટેસ્ટ મેચની સિરીઝ રમી રહ્યું છે. કાનપુરમાં પહેલી ટેસ્ટ ડ્રો થયા બાદ હાલ મુંબઈમા બીજી ટેસ્ટ રમાઈ રહી છે. હોમસિરીઝ બાદ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ 17 ડિસેમ્બરથી ટેસ્ટ સિરીઝ રમનારી છે. દક્ષિણ આફ્રિકામાં ભારતીય ટીમ 3 ટેસ્ટ, 3 વનડે અને 4 ટી-20 મેચ રમવાની હતી, જે પૈકી હાલ ટી-20 મૌકૂફ કરાઈ છે.
કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના ભયના લીધે હાલ આ નિર્ણય લેવાયો છે. નોંધનીય છે કે બે સપ્તાહ પહેલાં દક્ષિણ આફ્રિકામાંથી ઓમિક્રોન વેરિએન્ટનો કોરોના વાયરસ ફેલાયો છે. હાલ ખૂબ જ ઝડપથી દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન ફેલાઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકાથી તે બ્રિટન, ઈન્ડિયા સહિત 13 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. અત્યંત ચેપી આ વાયરસ ખૂબ જ ઘાતક હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈ બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવશે.

Most Popular

To Top