SURAT

21 કૃત્રિમ તળાવ અને 3 ઓવારા: 5500 મોટી પ્રતિમાઓ સહિત 58 હજારથી વધુ મૂર્તિઓનું વિસર્જન

સુરતમાં ગણેશ વિસર્જન ચાલી રહ્યું છે. સાંજે છ વાગ્યા સુધીમાં 58 હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાઈ ચુક્યું છે જેમાં 5500 મોટી અને 52 હજારથી વધુ નાની પ્રતિમાઓનું વિસર્જન કરાયું છે. વિસર્જન ઝડપથી પુરું થાય તે માટે તંત્ર દ્વારા સતત પ્રયાસો કરાઈ રહ્યા છે. શહેરના વિવિધ ઝોનમાં બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવોમાં ઝડપથી વિસર્જન કરાઈ રહ્યું છે. ગૌરી ગણેશ વિસર્જન થી આનંદ ચૌદસ સુધી 66 હજાર 222 પ્રતિમાઓનું વિસર્જન કરાયું છે.

શહેરના 21 કૃત્રિમ ઓવારાઓ પર સાંજે 6 વાગ્યા સુધીમાં 52 હજારથી વધુ નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. બીજી તરફ સમુદ્ર સાથે જોડાયેલા 3 ઓવારાઓ પર 10-15 ફૂટ કે તેથી મોટી પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. અહીં સાંજે 6 વાગ્યા સુધી 5500થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાઈ ચુક્યું છે.

ઓવારા પર કેટલી પ્રતિમાઓનું વિસર્જન?
મગદલ્લા ઓવારા પર 2200થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. બીજી તરફ ડુમસ નાવડી ઓવારા પર 1200 થી વધુ અને હજીરા જેટી પર 2100થી વધુ પ્રતિમાઓનું સાંજે 6 વાગ્યા સુધીમાં વિસર્જન કરાયું છે.

ઝોન અનુસાર વિસર્જનના આંકડા
સાંજે 6 વાગ્યા સુધીમાં લિંબાયત ઝોનમાં સૌથી વધુ 22 હજાર પ્રતિમાઓનું વિસર્જન કરાયું છે. કતારગામ ઝોનમાં 11 હજાર, સરથાણામાં 6400 અને વરાછામાં 4600 પ્રતિમાઓનું વિસર્જન કરાયું છે. ઉધના અને રાંદેર ઝોનમાં 5 હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાયું છે. અઠવા ઝોનમાં 4 હજાર, સચીનમાં 1800 અને સેન્ટ્રલ ઝોનમાં 600 થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાયું છે.

બપોર બાદ શહેરમાં ગણેશ વિસર્જનનો રંગ જામ્યો છે ત્યારે દરેક મુખ્યમાર્ગો પર ગણેશ વિસર્જન યાત્રામાં જોડાવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. બપોર સુધી શેરીઓમાં ફરતી વિસર્જન યાત્રાઓ બપોર બાદ મુખ્ય માર્ગો પર આવી પહોંચતા લોકો બપ્પાને વિદાય આપવા ઉમટી પડ્યા હતા. સાંજે લોકો ડુમસ રોડ અને હજીરા બ્રિજ પર મોટી સંખ્યામાં ભેગા થતાં હજીરા બ્રિજ પર ટ્રાફિક સર્જાયો હતો. અહીંથી પસાર થતી પ્રતિમાઓને લઈ જવામાં મુશ્કેલી પડી રહી હતી. બીજી તરફ લોકોએ વિસર્જન યાત્રામાં ભક્તિ સાથે પરિવાર સાથે મળીને ખાણીપીણીની મજા માણી હતી.

શહેરના વરાછા, ડિંડોલી, લિંબાયત, વેસુ, ઉધના મગદલ્લા રોડ, ડુમસ રોડ, અડાજણ, હજીરા રોડ, હજીરા બ્રિજ, રાજમાર્ગ, ભાગળ અને ચોક વિસ્તારમાં સાંજે ભારે માનવ મહેરામણ વચ્ચે ગણેશ યાત્રા નિકળી હતી. બીજી તરફ મોટી પ્રતિમાઓ મગદલ્લા, ડુમસ અને હજીરા ઓવારા તરફ આગળ વધી હતી. જેમ જેમ યાત્રા આગળ વધી હતી તેમ ઓવારા પહેલા મોટી પ્રતિમાઓની લાંબી લાઈનો લાગી ગઈ હતી. ત્રણેય ઓવારા પર ક્રેન દ્વારા ઝડપથી વિસર્જન પુરું કરવા માટે સ્વંય સેવકો જોતરાઈ ગયા હતા.

Most Popular

To Top