Charchapatra

રાજયની પ્રાથમિક શાળાઓમાં શારીરિક શિક્ષકની તત્કાલ ભરતી કરો

વિદ્યાર્થીઓના જીવનમાં રમતગમતનું વિશેષ મહત્ત્વ છે. વ્યકિતગત વિકાસ માટે જ નહિ, વ્યાવસાયિક રીતે રમતગમત ક્ષેત્રમાં પોતાની આગવી કારકિર્દી બનાવવા માટે પણ રમતો રમવી જરૂરી છે. લોકશાહી રાષ્ટ્રના નિર્માણમાં પણ રમતગમત ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. હવે તો વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સ્તરે કુસ્તી, બોક્સિંગ, બેડમિન્ટન, શુટીંગ, રેસલિંગમાં ભારતે સફળતા હાંસલ કરી છે. પ્રાથમિક શાળાનાં બાળકોમાં સામાજિક સંવેદનાનો વિકાસ થાય છે. સામાજિક ગુણો વિકસે છે. ગુજરાત સરકારે રમશે ગુજરાત ખેલશે નારા આપી ખેલ મહાકુંભ જેવાં બાળકોની સુષુપ્ત શકિત ખીલવા હાલમાં પણ રમતોત્સવ યોજી રહી છે ત્યારે રાજયની પ્રાથમિક, ઉચ્ચ પ્રા. શાળાઓમાં શારીરિક શિક્ષણ માટેની કાયમી શિક્ષકની નિમણૂકની કોઇ જોગવાઇ નહિ હોવાનું વિધાનસભા ગૃહમાં પુછાયેલા એક પ્રશ્નના લેખિત પ્રત્યુત્તરમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યાનું વાંચી દુ:ખ થયું.

મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર, અધિનિયમ 2009ની અનુસૂચિમાં કરવામાં આવેલ જોગવાઇ મુજબ શિક્ષકની કોઇ જોગવાઇ નથી. અલબત્ત સરકારી અને માધ્યમિક શાળામાં છે. જયારે બીજી બાજુ ગ્રાન્ટેડ સરકારી અને માધ્યમિક શાળાઓમાં 174 વ્યાયામ શિક્ષકોની જગ્યા ખાલી છે. ત્યારે  સરકારે ત્વરિત ગતિએ કાયદામાં સુધારો કરી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવી જોઇએ. આશા છે શહેરના ધારાસભ્યો, સાંસદો, સ્વૈચ્છિક શિક્ષણ સંસ્થાઓ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી આવા શિક્ષકોની નિમણૂક કરાવવા પ્રયત્નો આરંભે.
સુરત     – તૃપ્તિ અશોકભાઇ પટેલ    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top