Charchapatra

પ્રેમમાં અપરિપક્વતા

તા:30 જુલાઈ ‘ગુજરાતમિત્ર’ના અંતિમ પૃષ્ઠના અખબારી અહેવાલ મુજબ, એકતરફી પ્રેમમાં ધો.10નો વિદ્યાર્થી ધો.8ની વિદ્યાર્થિનીના ઘરે હથિયાર લઈને ધમકી આપવા પહોંચ્યો અને લગ્ન કરવા દબાણ કરતો અને શાળાએથી પરત આવતાં પીઝો પણ કરતો! પ્રશ્ન એ થાય કે ધો.10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ શૈક્ષણિક કારકિર્દી પરત્વે ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય કે લગ્ન કરવા પ્રત્યે એકતરફી પ્રેમ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય? એ વિદ્યાર્થીની વય પણ શું હશે? અને ધો.8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પણ વયમાં કેટલી નાની હશે! આ વિજાતીય આકર્ષણ અને માનસિક રીતે અપરિપક્વતા કહેવાય! જીવનમાં બરાબર ‘સેટ’ થયા પછી લગ્ન થાય.

ધો.10એ મહત્ત્વનું શૈક્ષણિક વર્ષ કહેવાય, જેની પરીક્ષા બોર્ડ દ્વારા લેવાય છે. એ સમયે શિક્ષણનો વિચાર કરવાનો હોય. અને પરાણે પ્રીત શી રીતે થાય? સાચો પ્રેમ હથિયાર લઈને નહીં પહોંચી જાય! બંને પક્ષ દ્વારા સામસામી ફરિયાદ નોંધવામાં આવી છે. સત્ય સંપૂર્ણ તપાસ અને પુરાવા બાદ જ નજર સમક્ષ આવે. આટલી નાની વયે કદાચિત્ વિજાતીય આકર્ષણ હોઈ શકે, લાંબા સમયગાળા દરમિયાન એ વરાળ થઈને ઊડી પણ શકે! સાચો પ્રેમ ત્યાગ અને સમર્પણમાં સમાયેલો હોય, નહીં કે ધાકધમકી કે હથિયારબાજી દ્વારા સાબિત થાય! પરિવારજનોએ પણ દરમિયાનગીરી કરી કાચી વયના પ્રેમીને સાચો માર્ગ દર્શાવવો જોયઈએ. આવા એકતરફી પ્રેમીઓને પ્રભુ સન્મતિ બક્ષે!
સુરત     – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

યુવા પેઢી આરોગ્ય સાચવતા શીખે તો સારું
છેલ્લા ચાર પાંચ મહિનાથી ન્યૂઝ પેપર્સમાં સમાચાર પ્રગટ થતા રહે છે કે યુવાનોની 20 થી 40 વર્ષની ઉંમરે અચાનક હાર્ટએટેકથી થતા મૃત્યુના સમાચાર વાંચી દિલ દ્રવી ઉઠે છે. ક્રિકેટ રમતા ખેલાડી, જીમમાં કસરત કરતા યુવા વર્ગ, શાળાના દાદર ચઢતા થતા અચાનક મૃત્યુ એક ગંભીર સમસ્યા બની રહી છે જે અત્યંત દુ:ખદાયક કુટુંબીજનો, મિત્રો, સ્નેહ માટે છે. આ વિષયક ગુજરાતમિત્ર તા. 20.7.23 પાના નં. 8 પર નવસારીના ખ્યાતનામ વરિષ્ઠ ડો. બક્ષી તેમના લેખમાં જણાવે છે. જરૂર વાંચજો.

આવી અનિશ્ચિત મૃત્યુની ઘટનાને ટાળવા યુવા વર્ગે તેમના જીવનમાં આવતા સ્ટ્રેસ જેવા કે ઓફીસ, વ્યાપારમાં વધુ કામનો બોજો, મોડી રાત સુધી લેપટોપ પર વ્યસ્ત રહેવું કે પછી વધુ પડતા પૈસા ટૂંક સમયની લ્હાયમાં પોતાની જીંદગીને તણાવગ્રસ્ત બનાવી દે છે જે યોગ્ય નથી. સવાર, સાંજ નિયમિત જમવાનો સમય બિલકુલ સાચવો. વધુ પડતા હોટલ, ફાસ્ટફુડ, કોલ્ડ્રીકસને ટાળો. નિયમિત સવાર સાંજ પ્રાર્થના કરો અને ખાસ કુટુંબીજનો સાથે દિવસમાં અડધો કલાક જરૂર સાથે બેસી સત્સંગ કરો. બિનજરૂરી વિચારોને તિલાંજલિ આપો. નિયમિત કસરત, ચાલતા રહો. મનથી હંમેશા ખુશ રહો. આ બધું જ યુવા વર્ગ પાસે ઉપલબ્ા છે. જતર અપનાવો અને જીવન બચાવો.
સુરત               – દિપક બી. દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top