નવી દિલ્હીઃ ભારત સરકારે વર્ષ 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સૂત્ર આપ્યું છે. આ શ્રેણીમાં સરકારનું પહેલું લક્ષ્ય છે કે 2027 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જાય. હવે સરકારના આ લક્ષ્યને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા પણ શક્ય જાહેર કરવામાં આવ્યું છે.
નાણાકીય વર્ષ 2024-25 માટે IMFએ ભારતની જીડીપી વૃદ્ધિનો અંદાજ 6.8 ટકાથી વધારીને 7 ટકા કર્યો છે. IMFના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથ કહે છે કે વર્ષ 2027 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ગીતા ગોપીનાથના મતે ભારતના વિકાસ દરમાં વધુ સુધારાની આશા છે.
હાલમાં ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ભારતીય અર્થવ્યવસ્થા અંગે એક ઈન્ટરવ્યુમાં ગીતા ગોપીનાથે કહ્યું કે અમે ગયા નાણાકીય વર્ષમાં અપેક્ષા કરી હતી તેના કરતા વધુ સારી રીતે ભારતની અર્થવ્યવસ્થા ચાલી રહી છે. આ બાબતો અમારા અંદાજોને પ્રભાવિત કરી રહી છે. અન્ય પરિબળો વિશે વાત કરીએ તો વપરાશમાં પણ સુધારો થયો છે. આ તમામ બાબતો ભારતીય અર્થવ્યવસ્થા માટે સારી છે અને વધુ સારી વૃદ્ધિની આગાહી કરવામાં આવી રહી છે.
સારા ચોમાસાના લીધે કૃષિ આવકમાં વધારાની સંભાવના
ગીતા ગોપીનાથે વિકાસ દરમાં અપગ્રેડ કરવા પાછળ ઘણી દલીલો આપી છે. તેમણે કહ્યું કે ટુ-વ્હીલરનું વેચાણ અને FMCG સેક્ટરમાં સારી રિક્વરી જોવા મળી રહી છે. તેમજ આ વર્ષે ચોમાસું પણ સારું જણાય છે. જેના કારણે કૃષિ આવકમાં વધારો થવાની સંભાવના છે. અર્થતંત્રમાં તેજી પાછળ આ જ તર્ક છે.
ભારત સરકાર કરતા આઈએમએફએ જીડીપીનો અંદાજ ઊંચો મુક્યો
ભારતીય અર્થવ્યવસ્થાને લઈને ગીતા ગોપીનાથ દ્વારા આપવામાં આવેલા અંદાજ ગયા મહિને ભારત સરકાર દ્વારા બજેટમાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેમાં રજૂ કરવામાં આવેલા અંદાજ કરતા વધુ છે. ભારત સરકારે જીડીપી ગ્રોથ 6.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. જ્યારે હવે IMFએ જીડીપી વૃદ્ધિનો અંદાજ વધારીને 7 ટકા કર્યો છે.
વ્યક્તિગત વપરાશમાં વૃદ્ધિની ધારણા
ગીતા ગોપીનાથે આ અનુમાનના આધારે કહ્યું કે 2027 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. તેમણે કહ્યું કે ગયા વર્ષે વ્યક્તિગત વપરાશમાં વૃદ્ધિ 4 ટકાની આસપાસ હતી, જે આ વર્ષે નોંધપાત્ર રીતે વધવાની ધારણા છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી રિકવરીની શક્યતા છે.
એશિયન ડેવલપમેન્ટ બેન્કે પણ જીડીપીનો અંદાજ 7 ટકા મુક્યો
એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એ ભારતના જીડીપીનો અંદાજ 7 ટકા રાખ્યો છે. જ્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ દર 7.2 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.