National

IMDનું રેડ ઓરેન્જ એલર્ટ, આ રાજ્યોમાં થશે ભારે વરસાદ, આજથી જ દેખાઈ અસર

આગામી થોડા દિવસો દેશનું હવામાન (Weather) જબરજસ્ત રહેશે. ઠંડા પવનો અને ભારે વરસાદનો (Rain) સમયગાળો રહેશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઘણા રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું છે. શુક્રવારે IMDએ દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. અહીં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની સંભાવના છે. એમપીના અન્ય ભાગો, વિદર્ભ, મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદનું એલર્ટ છે. ઉત્તરાખંડ, સૌરાષ્ટ્ર, કચ્છ, મરાઠવાડા, કોંકણ અને ગોવા માટે પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

દિલ્હીમાં 16 સપ્ટેમ્બરે સારો વરસાદ થવાની સંભાવના છે. શુક્રવારે સવારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદ થયો હતો. IMDએ જણાવ્યું હતું કે શહેરમાં સવારે 8:30 વાગ્યા સુધી 4.1 મીમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર દિલ્હીમાં આગામી પાંચ દિવસ સુધી મુખ્યત્વે વાદળછાયું આકાશ અને મધ્યમ વરસાદની શક્યતા છે.

IMDએ કહ્યું કે બંગાળની ખાડીમાં લો પ્રેશરે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આગામી બે દિવસ દરમિયાન ઓડિશા અને છત્તીસગઢમાં તેની અસર જોવા મળે તેવી શક્યતા છે. હવામાન વિભાગે શુક્રવારે ઉત્તરાખંડના પાંચ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત દેહરાદૂન, નૈનીતાલ, ચંપાવત, ચમોલી અને બાગેશ્વર જિલ્લામાં પણ ચાર દિવસ સુધી ભારે વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. તમામ જિલ્લાઓ માટે 18 સપ્ટેમ્બર સુધી યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઓડિશાના ભુવનેશ્વરના પ્રાદેશિક હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદ ચાલુ રહેવાના કારણે રાજ્યમાં નદીઓના સ્તરમાં વધારો થવાથી આંતરિક વિસ્તારોમાં અચાનક પૂર આવી શકે છે.

IMD અનુસાર દક્ષિણ-પૂર્વ મધ્ય પ્રદેશ અને વિદર્ભમાં 15 સપ્ટેમ્બરે ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં અને 16-17 સપ્ટેમ્બર સુધી ગુજરાત પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે. પશ્ચિમ મધ્ય પ્રદેશ રેડ એલર્ટ પર છે કારણ કે 15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન અત્યંત ભારે વરસાદ (204.4 મીમીથી વધુ) સહિત અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. IMD એ વિદર્ભ, સૌરાષ્ટ્ર અને કચ્છ, મરાઠવાડા, મધ્યપ્રદેશ, કોંકણ અને ગોવા માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કર્યું છે, જ્યાં 115.6 થી 204.4 મીમી વરસાદની શક્યતા છે.

15-18 સપ્ટેમ્બર સુધી કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત પશ્ચિમી વિસ્તારોમાં વ્યાપક વરસાદ, વાવાઝોડું અને વીજળી પડવાની શક્યતા છે. આ વિસ્તારોના અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. 16 સપ્ટેમ્બરે ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તરપશ્ચિમમાં જેમાં ઉત્તરાખંડ, જમ્મુ વિભાગ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને દક્ષિણપશ્ચિમ ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે ત્યાં 15-17 સપ્ટેમ્બર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની અપેક્ષા છે. છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની અપેક્ષા છે અને 16 અને 17 સપ્ટેમ્બરના રોજ પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદની શક્યતા છે.

15 સપ્ટેમ્બરે ઓડિશા અને ઝારખંડમાં વ્યાપક વરસાદ, તોફાન અને વીજળી પડવાની સંભાવના છે જે 18 અને 19 સપ્ટેમ્બરે ચાલુ રહેશે. આંદામાન અને નિકોબાર ટાપુઓ પણ આ હવામાન પ્રણાલીઓના માર્ગમાં છે જ્યાં સપ્ટેમ્બરમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણમાં તટીય કર્ણાટકમાં 15-16 સપ્ટેમ્બરે મધ્યમથી ભારે વરસાદ, 15 સપ્ટેમ્બરે દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં વ્યાપક વરસાદની અપેક્ષા છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા સહિતના પૂર્વોત્તર રાજ્યોમાં વ્યાપક વરસાદ, વાવાઝોડું અને છૂટાછવાયો ભારે વરસાદ 17-19 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેવાની શક્યતા છે.

Most Popular

To Top