ભારતીય હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે હાલ આકરી ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. દિલ્હીમાં રેડ એલર્ટ જારી કરતા વિભાગે કહ્યું કે અહીં તાપમાન 28 થી 44 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. IMDના વરિષ્ઠ વૈજ્ઞાનિક નરેશ કુમારે કહ્યું કે વર્તમાન સ્થિતિ આગામી સપ્તાહ સુધી ચાલુ રહેશે. તેમણે કહ્યું કે સામાન્ય રીતે મે મહિનો સૌથી ગરમ મહિનો માનવામાં આવે છે. જો ઉત્તર ભારતમાં વરસાદની કોઈ ગતિવિધિ ન હોય તો તાપમાન સામાન્ય રીતે 45 ડિગ્રી સેલ્સિયસને વટાવી જાય છે. અનુમાન છે કે આવી જ સ્થિતિ આવતા અઠવાડિયા સુધી રહેશે.
હવામાન વિભાગે રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. યુપીમાં આગામી 3-4 દિવસ સુધી હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. કેટલાક રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કરાયું છે. ભારતીય હવામાન વિભાગે શનિવારે જણાવ્યું હતું કે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ગુજરાતના ભાગોમાં 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું હતું. IMDએ જણાવ્યું કે રાજસ્થાનના બાડમેરમાં પારો 46.9 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં પણ તાપમાન 46.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગુજરાતના સુરેન્દ્રનગર અને ડીસામાં શનિવારે તાપમાન 45 થી 45.5 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું.
કેરળમાં મોનસૂન 31મી મેના રોજ પહોંચશે
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર ચોમાસું આંદામાન-નિકોબાર પહોંચી ગયું છે. તે 31મી મે સુધીમાં કેરળ પહોંચશે. ગયા વર્ષે પણ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું 19 મેના રોજ પહોંચ્યું હતું પરંતુ કેરળમાં 9 દિવસ મોડું 8 જૂને પહોંચ્યું હતું. આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખ પહેલાં કેરળમાં આવી શકે છે. જો કે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે. જાહેર કરેલી તારીખમાં 4 દિવસ વધુ કે ઓછા રહેવાની શક્યતા છે. એટલે કે ચોમાસું 28મી મેથી 3જી જૂન વચ્ચે ગમે ત્યારે આવી શકે છે.
દેશના અન્ય રાજ્યો માટે પણ આઈએમડીએ ચોમાસાની આગાહી કરી છે. IMD અનુસાર મધ્યપ્રદેશમાં 16 થી 21 જૂન અને રાજસ્થાનમાં 25 જૂનથી 6 જુલાઈ સુધી ચોમાસું પહોંચે તેવી શક્યતા છે. જ્યારે યુપીમાં તે 18 થી 25 જૂન સુધી અને બિહાર-ઝારખંડમાં 18 જૂન સુધીમાં પહોંચી જશે. ગુજરાતમાં 19થી 20 જૂન વચ્ચે મોનસૂન પ્રવેશ કરશે.