Columns

બિનસાંપ્રદાયિકતાનું ઇમેજ મેનેજમેન્ટ મુસ્લિમ દેશોની નારાજગી વહોરવાનું આપણા અર્થતંત્ર કે લોકતંત્રને જરાય પોસાય તેમ નથી

નવીન કુમાર જિંદાલ અને નૂપુર શર્માને મુસ્લિમ ધર્મ અને મોહંમદ પયગંબર વિષેની ટિપ્પણીઓ ભારે પડી. ખાડી પ્રદેશના ત્રણ દેશોએ ત્યાં નીમાયેલા એલચીને બોલાવીને ભારતે તેમની જાહેર માફી માંગવી પડશે તેવી માંગણી કરી. આ હોબાળાની લાંબી ચર્ચા કરવાનો ઇરાદો નથી કારણ કે તમે બધા તેનાથી વાકેફ તો છો જ. ચર્ચા એ કરવાની છે કે આમ તો કોઇની ય સાડાબારી ન રાખનારા ભારતે રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માને સસ્પેન્ડ કર્યા અને દિલ્હીના પ્રવક્તા નવીન કુમાર જિંદાલને ઘરભેગા કર્યા કારણ કે ગલ્ફ પ્રદેશના 10 દેશોને વાંકું પડે એ પોસાય તેમ નહોતું. આટલું ઓછું હોય એમ અંદરખાને બંધારણની ઐસીતૈસી કરનારા ભાજપાએ બંધારણને પોતે એક રાષ્ટ્ર તરીકે કેટલું મહત્ત્વ આપે છે અને પોતે કેટલો બિનસાંપ્રદાયિક દેશ છે એવી જાહેરાત પણ કરી. બહારના દેશો માટે તાત્કાલિક ધોરણે બિનસાંપ્રદાયિકતાનું ઇમેજ મેનેજમેન્ટ કરવામાં આવ્યું કારણ કે એ કરવા સિવાય છૂટકો નથી. આપણે એ વાત માંડવાની છે કે આ ગલ્ફ પ્રદેશના દેશોને વાંકું પડે તે આપણને પોસાય તેમ કેમ નથી?

BJPએ પોતાના જ નેતાઓ સામે પગલાં લીધા તે જ બતાડે છે ગલ્ફ પ્રદેશોની આપણને ગરજ છે. મુસલમાન વિરોધી ઘુરકિયાં અને ગર્જના બિલ્લીનું મ્યાંઉં બની ગયાં તેનું કારણ છે અર્થતંત્ર. ગલ્ફ પ્રદેશમાં આવેલા યહૂદી દેશ ઇઝરાયલ સિવાય – સાઉદી અરેબિયા, કતાર, ઇરાન, ઇરાક, બહેરિન, કુવૈત, યુનાઇટે આરબ એમિરેત્સ, ઓમાન, જોર્ડન અને યમન – આ દસેય દેશોને ભેગા કરીએ તો વિશ્વના પાંચમા ભાગના મુસલમાનોની વસ્તી થાય અને મુસલમાનોના મુદ્દા, દૃષ્ટિકોણ, હક વગેરે માટેના સૌથી મોટા અને મહત્ત્વના પોકાર આ ખૂણાઓમાંથી જ ઊભા થતા હોય છે. ભારતને ગલ્ફ પ્રદેશની પરવા હોય તે સ્વાભાવિક છે કારણ કે મોટાભાગના દેશો સાથે ભારતના સંબંધો સારા જ રહ્યા છે. વળી એ જગજાહેર વાત છે કે કોઇ પણ સંબંધ સ્વાર્થ વગર તો હોય નહીં. અહીં ગેસ – ઓઇલ અને વ્યાપાર બે બહુ મોટા પાસા છે જેને કારણે સારાસારી રાખવી પડે. વળી આ તમામ દેશોમાં મોટી સંખ્યામાં ભારતીયો કામ કરે છે.

ઓબઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના એક રિપોર્ટ અનુસાર ભારતની 84%થી વધુ પેટ્રોલિયમ ડિમાન્ડ – જેમાં ક્રુડ ઓઇલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે – તે આયાતથી પૂરી થાય છે. છેલ્લા 15 વર્ષમાં ભારતની ક્રુડ ઓઇલની આયાતને પહોંચી વળવામાં 60% જેટલો હિસ્સો પર્શિયન ગલ્ફ દેશોનો છે. 2021-22માં ભારતમાં ઓઇલનો સૌથી વધુ જથ્થો પહોંચાડનાર દેશ હતો ઇરાક. એક સમયે ઇરાકનો હિસ્સો કુલ આયાતમાં 9% હતો તે વધીને હવે 22% થયો છે. 17 થી 18% જેટલો હિસ્સો સાઉદી અરેબિયાનો છે તો કુવૈત અને UAEએ લાંબા સમયથી મોટા જથ્થામાં ભારતને ઓઇલ પહોંચાડ્યું છે. USAના પ્રતિબંધોને કારણે ઇરાનની ભાગીદારી ભારતને ઓઇલ પહોંચાડવામાં સાવ 1% જેટલી રહી ગઇ છે – જે એક સમયે બીજા ક્રમાંકનો સૌથી મોટો આયાતી દેશ હતો. આપણે ત્યાં 41% ગેસ કતારથી આવે છે.

આ લેવડદેવડ તો ખરી પણ 13.46 મિલિયન ભારતીય નાગરિકો જે વિદેશમાં કામ કરી રહ્યા છે અને તેમાંથી બીજા દેશોનું નાગરિકત્વ લેનારા ભારતીયોની વાત કરીએ તો આ આંકડો 32 મિલિયન જેટલો છે. માત્ર વિદેશમાં કામ કરનારા ભારતીયોની ગણીએ તો સૌથી વધુ ભારતીયો ગલ્ફ પ્રદેશમાં છે. UAEમાં ૩.૪૨ મિલિયન, સાઉદી અરેબિયામાં 2.6 મિલિયન અને કુવૈતમાં 1.03 મિલિયન જેટલા ભારતીયો છે. વર્લ્ડ બેંકના ડેટા અનુસાર વિદેશથી ભરણું મેળવવાને મામલે 2020માં ભારતે સૌથી વધુ રકમ – 83.15 મિલિયન રકમ મેળવી છે.

2018માં રિઝર્વ બેંકે જણાવ્યા અનુસાર ભારતને મળતા ભરણામાંથી 69 બિલિયન ભરણામાંથી 50%થી વધારે ભરણું ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલમાંથી મળે છે. ગલ્ફના દેશોમાં મોટા સ્ટોર્સ અને રેસ્ટોરન્ટના માલિકો ભારતીય છે. હાલમાં થયેલા વિવાદમાં આ બધા ભારતીયોના બિઝનેસને નુકસાન પહોંચે તેવું જોખમ પણ ખડું થયું કારણ કે ભારતીય ઉત્પાદનોના બહિષ્કારનો અવાજ આ મુસ્લિમ દેશોમાં ઊભો થયો. વળી આ આર્થિક આધાર માત્ર એકતરફી નથી કારણ કે UAE અને ભારત વચ્ચેનો દ્વિપક્ષી વેપાર અંદાજે 72.9 બિલિયન જેટલો છે જેમાં ભારતની નિકાસની રકમ 28.4 બિલિયન જેટલી છે. ગલ્ફ પ્રદેશ ખાદ્યોપદાર્થોને મામલે આયાત પર નભે છે.

ભેંસનું માંસ, ચોખા, મસાલા, દરિયાઇ ઉત્પાદનો, ફળ, શાકભાજી અને ખાંડ જેવી અગત્યની ચીજો ભારતથી જ આ દેશોમાં મોકલાય છે. આ દેશોની એવિયેશન ઇન્‍ડસ્ટ્રી AAE ભારતીય ફ્લાયર્સ પર નભે છે. ગલ્ફમાં ગ્લોબલ ટ્રાન્ઝિટ હબ વધ્યાં પછી જ્યારે એમિરેટ્સ, એતિહાદ એરવેઝ, કતાર એરવેઝ જેવી એરલાઇન્સની સેવાઓ વધતાં તેમણે આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ માર્કેટ જેની પર મોટેભાગે US અને ભારતીય એરલાઇન્સનો કાબૂ હતો તે ભાગીદારી પણ ઘટાડી છે.

2014માં સત્તા પર આવ્યા બાદ મોદી સરકારે મોટાભાગના ગલ્ફ પ્રદેશના દેશો સાથે સંબંધો મજબૂત રહે તેની તકેદારી રાખી છે. વળી આ બધું માત્ર ડિપ્લોમસી પૂરતું નથી રહ્યું, જરૂર પડ્યે તેમણે પોતાના ભાષણોમાં પણ ગલ્ફ દેશો સાથે ભારતને બહુ જ સારા સંબંધો બન્યા છે તેવું કહ્યું છે. વળી વિદેશ પ્રવાસો કર્યા ત્યારે પણ વડા પ્રધાને ગલ્ફ પ્રદેશના મહત્ત્વના દેશોની મુલાકાત લીધી જ છે. આ દેશોની બહુ પ્રતિષ્ઠિત એવી મસ્જિદની મુલાકાત પણ વડા પ્રધાને લીધી છે જેમ કે અબુ ધાબીનું શેખ ઝાયેદ ગ્રાન્ડ મૉસ્ક અને મસ્કતનું સુલ્તાન કબૂસ ગ્રાન્ડ મૉસ્ક.

ટૂંકમાં ગલ્ફના દેશો સાથે શીંગડાં ભેરવવાનું એક રાષ્ટ્ર તરીકે ભારતને જરાય માફક આવે તેમ નથી. આપણે ‘વિકાસ’ના રસ્તે ચાલીએ છીએ પણ હજી વિકસિત દેશ નથી બન્યા. આપણા અર્થતંત્રે પણ બહુ ભોગવ્યું છે, આપણને આંતરરાષ્ટ્રીય વેપાર વાણિજ્યમાં તંગ સંજોગો જરાય સદે એમ નથી. સુરક્ષા અને સલામતીની દૃષ્ટિએ પણ આપણને આ તમામ દેશો સાથે સારો સંબધ રહે તે જરૂરી છે. ભારત અને UAE, સાઉદી અરેબિયા અને ઓમાન જેવા રાષ્ટ્રો તો સહિયારી મિલિટરી એક્સરસાઇઝ પણ કરે છે.

વિદેશ નીતિને ગણતરીમાં લઇએ તો પાકિસ્તાન સાથેના તણાવની ખાઇ આ બધા વિવાદમાં ગહેરી બની શકે છે અને તે તેના જૂના મિત્ર રાષ્ટ્ર એવા સાઉદી અને UAE સાથે પોતાના સંબંધો મજબૂત કરવામાં કંઇ બાકી નહીં રાખે. પાકિસ્તાનને આમે ય દિલ્હી અને ગલ્ફના દેશો વચ્ચેના સારા સંબંધો હંમેશાં નડ્યા છે. કોમવાદ અને કોમી ધિક્કાર ભૂતકાળમાં ભારતના આંતરિક રાજકારણનો જ હિસ્સો ગણાયા છે પણ આંતરારાષ્ટ્રીય સ્તરે મુસ્લિમ દેશોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો ‘ઓવર કૉન્ફિડન્સ’આપણી ‘લોકશાહી-બિનસાંપ્રદાયિક’ છબીને ભદ્દી રીતે ખરડી શકે છે.

બાય ધ વેઃ
આ પહેલાં આ મુસ્લિમ દેશો સાથેના સંબંધોમાં ધર્મ ક્યારેય આડે નથી આવ્યો. બાબરી ધ્વંસ જેવી ઘટનાઓ ઘટી ત્યારે પણ આ દેશોને એવી ખાતરી હતી કે ભારત પોતાની લોકશાહી – બિનસાંપ્રદાયિક વ્યવસ્થાને વળગી રહેશે પણ પયગંબર અને તેમનાં પત્ની વિશે ઊતરતું બોલાય ત્યારે ભારત એક ‘બિનસાંપ્રદાયિક’દેશ તરીકે પોતાની ફરજ ચૂક્યો છે એવું જ સાબિત થાય. કેન્દ્ર સરકારને એક માત્ર ચાહ હશે કે આટલા બધા હોબાળા પછી ‘ધંધા-ધાપા’ જરાતરા પણ હવાઇ ન જાય નહીંતર માંડ બેઠા થઇ રહેલા અર્થતંત્રની બેવડ વળેલી કમર પર બીજો ફટકો પડશે. આમે ય ઘરમાં ગમે એટલા ધાંધિયા હોય, બહાર તો થપ્પડ મારીને ગાલ લાલ રાખવા સિવાય આપણી સરકાર પાસે બીજો કોઇ રસ્તો છે જ નહીં. બોલેલું જેટલું નુકસાન કરી શકે છે તેનો ખ્યાલ હવે બીજી ટર્મમાં પહોંચ્યા પછી ય BJP સરકારને ન સમજ પડે તો પછી ભગવાન કે અલ્લાહ કોઇ તેમની વહારે નહીં ધાય એ પાક્કું.

Most Popular

To Top