આ જરા ધ્યાનથી વાંચો…
મુઝ કો યારો માફ કરના…મૈં નશે મેં હૂં…
અને
થોડી સી જો પી લી હૈ-ચોરી તો નહીં કી હૈ..!
કોઈ પણ હિન્દી ફિલ્મોનો ચાહક આ વાંચશે તો તરત જ સમજી જશે કે બે ગીતની અલગ અલગ કડીથી આ શીર્ષક બનાવ્યું છે….આવું જાહેરમાં ગાવું પડે-પોતાની ભૂલનો એકરાર કરવો પડે એવી કટોકટીમાં હમણાં બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોનસન સપડાયા છે. પહેલેથી જ રુઢિચુસ્ત નીતિ-રીતિમાં માનતા શાસક કન્ઝર્વેટિવ પક્ષ સાથે વર્ષોથી સંકળાયેલા બોરિસ જોનસન એમની રાજકીય કેરિયર દરમિયાન વિવિધ કામગીરી બજાવીને આજે એ બ્રિટનના વડા પ્રધાનના હોદ્દા પર બિરાજે છે. આમ તો આ 57 વર્ષી બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર એમનાં જીવનમાં વિભિન્ન તબક્કે આવેલી ત્રણ ત્રણ નારીને કારણે એમની રાજકીય કારકિર્દીની શરુઆતથી જ એ ‘જાણીતા’ થઈ ગયા હતા. પ્રથમ પત્ની એલિગ્રરા ઑવેન સાથે 6 વર્ષના વિવાહિત જીવન પછી બન્ને છૂટ્ટાં પડયાં. એ પછી એના જીવનમાં મરિના વ્હીલર આવી,જે બોરિસની નાનપણથી ફ્રેન્ડ હતી.એમનું સંસાર સુખ 25 વર્ષ ટક્યું. મૂળ પંજાબ-ભારતીય વંશજ મરિના વ્યવસાયે જાણીતી બૅરિસ્ટર છે.
સ્ત્રીસુખ બાબતે બોરિસ જાણે લકી છે. મરિના પછી એમના જીવનમાં એક ત્રીજી નારી કેરોલિના પ્રવેશી,જેણે એમના કન્ઝર્વેટિવ પક્ષની મીડિયા મેનેજર તરીકે કામગીરી બજાવી હતી. આ પહેલાં પણ એક જર્નાલિસ્ટ સાથે બોરિસના હુંફાળા સંબંધની ચર્ચા ગાજી હતી.બોરિસ વડા પ્રધાન બન્યા પછી એમનાથી 24 વર્ષ નાની એમની 33 વર્ષી પ્રેમિકા કેરી બીવન મેરેજ કર્યા વગર પ્રાઈમ મિનિસ્ટરના સત્તાવાર નિવાસસ્થાન 10,ડાઉનિંગ સ્ટ્રીટમાં સાથે રહેવાં માંડી હતી ! એ બન્નેના ગયા વર્ષે વિધિસર મેરેજ થયા,જે એક જાતનો વિક્રમ ગણાય,કારણ કે 200 વર્ષ બાદ બોરિસ એવા પહેલા બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર છે,જેમણે સત્તા પર આવીને મેરેજ કર્યા ..!આમ ત્રણ ત્રણ પત્નીસુખ પામનારા બોરિસ કુલ ‘મારાં-તારાં અને આપણાં’ એમ 11 સંતાનનું સુખ પણ ધરાવે છે… આવા’સુખી’બ્રિટિશ પ્રધાન મંત્રી તાજેતરમાં સાવ અજાણ્યા વિવાદમાં અણધારા સપડાઈ ગયા છે.
વાત કઈંક આમ છે.બે વર્ષ પહેલાં જગત આખું કોરોનામાં સપડાયેલું હતું અને લંડનમાં સખત લોકડાઉન હતું ત્યારે બ્રિટનના આ મિસ્ટર પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોનસને પોતાના નિવાસસ્થાન 10,ડાઉનિંગ સ્ટ્રીટમાં એક ખાસ ઈવનિંગ પાર્ટી યોજી હતી. BYOB અર્થાત’બ્રિંગ યૉર ઑન બુઝ ‘એટલે કે ‘બધા પોત પોતાનો દારુ ઘેરથી લઈ આવો ને પછી જેટલો ઢીંચવો હોય એટલો તમે તમારા હિસાબે અને જોખમે ઢીંચો’ એવી આ થીમ પાર્ટી બોરિસના 10, ડાઉનિંગ સ્ટ્રીટના ગાર્ડનમાં એ રાતે ધૂમધામથી યોજાઈ ને ઉજવાઈ. ઢીંચનારાઓની એ પાર્ટીમાં PMના ખાસ મિત્રો અને ચુનંદા મહાનુભાવો હાજર રહ્યાં હતાં. આ વાત એક રાતની એ વખતે તો બહુ સિફતથી છૂપી રાખવામાં આવી, પણ તાજેતરમાં એ પાર્ટીને પુષ્ટિ આપતો એક ખાનગી સરકારી ઈ-મેલ ફૂટી જતાં બ્રિટનમાં ઊહાપોહ સર્જાઈ ગયો…
એક વાર આ વાત જાહેર થઈ પછી તો એ પાર્ટી વિશે જાતભાતના સમાચાર અને એ કહેવાતી પાર્ટીની વિડિયો ક્લ્પિસ સોશ્યલ મીડિયા પર વાઈરલ થવા લાગી. નવાં નવાં વિરોધાભાસી ફણગાં પણ ફૂટયાં. એક અહેવાલ મુજબ,પેલી પાર્ટી કંઈ PM દ્વારા આયોજિત નહોતી. એમાં કોઈ અંગત મિત્રો કે કોઈ ખાસ વ્યક્તિઓ પણ નહોતી. એ તો વડાપ્રધાનના અંગત સ્ટાફની પાર્ટી હતી,જે અવારનવાર યોજાતી હોય છે અને એમાં વડા પ્રધાન પણ સ્ટાફનો જુસ્સો-ઉત્સાહ જાળવી રાખવા (પોતાની દારુ ની બાટલી અને પત્ની સાથે!) હાજરી પૂરાવતા હોય છે… અહીં સુધી તો બધુ ઠીક, પણ ડેકૉરમ–શિષ્ટાચારના વધુ પડતા આગ્રહી અને અમુક અંશે દંભી ગોરી બ્રિટિશ પ્રજા 15-16 એપ્રિલની રાતે યોજાયેલી પાર્ટીના સમાચાર બે કારણસર ન પચાવી શકી.
એક તો કોરોના લોકડાઉન હતું અને બીજું કારણ એ કે જે દિવસે ક્વિન એલિઝાબેથ-2નાં સદગત પતિ પ્રિન્સ ફિલિપ્સની ફ્યુનર-દફનવિધિ હોય-રાજવી ઘરાનામાં જ્યારે માતમ છવાયેલો હોય- શોક પળાતો હોય એની આગલી રાતે ખુદ દેશના વડા પ્રધાન દારૂની જ્યાફત કરે-મિજબાની માણે? આ વાત ગોરી પ્રજા સ્વીકારવા તૈયાર નહોતી એટલે વાદ-વિવાદ વધુ વકર્યો. આ વખતે બીજા એ પણ સમાચાર આવ્યા કે આવી તો ઘણી પાર્ટી વડા પ્રધાનના નિવાસસ્થાન 10,ડાઉનિંગ સ્ટ્રીટમાં અવારનવાર થતી રહે છે.ખાસ કરીને,મે-2020 થી એપ્રિલ-2021ના કોરોના-લોકડાઉન દરમિયાન આવી કુલ 11 પાર્ટીમાં દારુની રેલમછેલ થઈ હતી.
આમાંથી 15-16 એપ્રિલની રાતે થયેલી પાર્ટીના સમાચાર અને વિડિયો ક્લિપ્સ જાહેરમાં આવી જતાં-બમ્બૈયા ભાષામાં કહીએ તો-બબ્બાલ થઈ ગયો, જેમાં વડાપ્રધાનનીવાટ લાગી ગઈ…! આ વાટ લાગી જાય એવા માહોલમાં વડાપ્રધાન પર માછલાં નહીં-રીતસરના મગરમચ્છ ધોવાયાં. પ્રજાનો આક્રોશ-વિપક્ષોની કાગારોળનો શરૂઆતમાં વડા પ્રધાન બોરિસે ચૂપકીદી દ્વારા ટાળવાનો પ્રયાસ કર્યો,પરંતુ એ પછી ખુદ પોતાના પક્ષના સભ્યોએ’વડા પ્રધાને રાજીનામું આપવું જ જોઈએ’ એવી રીતસર ઝુંબેશ આદરી એટલે પોતાનું મૌન તોડતા વડા પ્રધાન બોરિસ જોનસને બ્રિટિનની ભરી સંસદમાં રાજમાતાની માફી માગતા કહેવું પડયું કે સમગ્ર રાજવી પરિવાર શોકગ્રસ્ત હોય ત્યારે પ્રાઈમ મિનિસ્ટ તરીકે આવી ઉજવણીમાં ભાગ લેવો મારા માટે ખરેખર ક્ષોભજનક-શરમજનક છે.અજાણતા થયેલી આ ક્ષતિ બદલ હું દિલગીર છું… વેરી સોરી ..!’ બીજા શબ્દોમાં એમણે કહ્યું કે ‘મુઝે યારો માફ કરના… થોડી સી જો
પી લી હૈ -ચોરી તો નહીં કી હૈ..!’
જો કે, સંસદમાં બોરિસનો આ
‘ક્ષમાયુક્ત’ એકરાર એમના વિરોધીઓને જ નહીં,ખુદ એના પક્ષના સભ્યોને બોદો અને ઉપરછલ્લો લાગે છે એટલે ‘PM એ રાજીનાંમું આપી દેવું જ જોઈએ’ એનો વિવાદ આજકાલ વધુ તીવ્ર થતો જાય છે. બોરિસ પછીના’ PM હોદ્દાની લાયક વ્યક્તિ કોણ?’ એની જોરદાર ચર્ચા ચાલી રહી છે.
આમાં મજાની વાત એ છે કે આ સર્વોચ્ચ હોદા માટે જે બે નામ વિશેષ આગળ છે એ જોગાનુંજોગ, મૂળ ભારતીય વંશ જ છે.એક છે બોરિસ સરકારના હોમ સેક્રટરી પ્રીતિ પટેલ અને બીજું નામ છે રીષિ સુનાક,જે બોરિસની કેબિનેટના એક અતિ મહત્ત્વ ગણાય એવા ટ્રેઝરી સેક્રેટરીના હોદા પર છે. યુકેના એક્સચેકર ચાન્સેલર (રાજકોશ-નાણાંખાતાના પ્રધાન )એવા રીષિનું નામ આપણને ભલે અજાણ્યુ લાગે,પણ ભારતની ઈન્ફોર્મેશન ટેકનોલોજિની તગડી મલ્ટિનેશનલ કંપની ‘ઈન્ફોસિસ’ના સ્થાપક નારાયણમૂર્તિના યુવા જમાઈ છે આ રીષિ સુનાક… પેલી બાટલી પાર્ટીના પ્રતાપે બોરિસ જોનસન જો ગાદી ગુમાવે તો અત્યારના અહેવાલ મુજબ બ્રિટનના ભાવિ વડાપ્રધાનના હોદ્દા પર આ જમાઈબાબુ ગોઠવાઈ જાય તો નવાઈ ના પામતા…!