SURAT

‘હું કોઝવે મરી જવા જાઉં છું, શેરબજારમાં 67500ની નુકસાની થઇ છે’, સ્યુસાઇડ નોટ લખી નદીમાં પડતુ મુક્યુ

સુરત: રાંદેર(Rander) -સિંગણપોર (Singanpore) ને જોડતા વિયર કમ કોઝવેમાં (Causeway) યુવકનો મૃતદેહ (Death body) દેખાતાં ફાયર વિભાગને (Fire Department) જાણ થતાં તેમણે પાણીમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢી રાંદેર પોલીસને સોંપ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને એક સ્યુસાઇડ નોટ (Suicide Note) પણ મળી હતી, જેમાં લખ્યું હતું કે, ‘હું મરી જવા માટે કોઝવે જાઉં છું. શેરબજારમાં 67,500નું નુકસાન થયું છે.’ પોલીસે આ બાબતે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ શનિવારે સવારે 10.30 કલાકે ફાયર કંટ્રોલને કોલ મળતા કતારગામ ફાયર સ્ટેશનના ફાયરના જવાનો સ્થળ ઉપર પહોંચ્યા હતા. જ્યાં કોઝવેમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યા હતો. બાદમાં મૃતદેહને રાંદેર પોલીસને સોંપ્યો હતો. સ્થળ પર મૃતકનો ભાઈ અને પિતા પણ દોડી આવ્યા હતા અને તેમણે કપડાં પરથી તેની ઓળખ કરી હતી. આપઘાત કરનાર વેડરોડ પરની હરિઓમ સોસાયટીમાં રહેતા 20 વર્ષીય પિંકેશ દિનેશ પટેલ તરીકેની ઓળખ થઇ છે. પોલીસે મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

આ બનાવ અંગે રાંદેર પોલીસ મથકના પીએસઆઇ જણાવ્યું હતું કે મૃતક યુવક પિંકેશ ગઈ કાલે બપોરે ઘરેથી નીકળી ગયો હતો. આ અંગે તેના પરિવારજનોએ પોલીસ મથકમાં ગુમ થયાની જાણ કરી હતી. અમરોલીની કોલેજમાં ટીવાયમાં અભ્યાસ કરતો હતો. ઘરેથી સ્યુસાઇડ નોટ પણ કબ્જે કરવામાં આવી છે જેમાં તેણે શેર બજારનું ઉલ્લેખ કર્યો હતો. મૃતક અભ્યાસ કરવાની સાથે શેર બજારનો પણ ધંધો કરતો હતો. જેમાં નુકસાની જતા માનસિક તાણમાં આવી તેણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું હતું. આ ઘટના અંગે રાંદેર પોલીસે આગળની વધુ તપાસ શરૂ કરી છે.

લિંબાયતમાં પરિવારે સગીરાને ફાંસો ખાતા બચાવી તો એસિડ પી લીધું
સુરત: શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતી સગીરાએ શુક્રવારે ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા પરિવારે તેને બચાવી લીધી હતી. તેણે થોડીવાર પછી એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગીરાએ આ પગલું ભરવા પાછળ તેનું પ્રેમપ્રકરણ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.

બનાવ અંગે મળતી માહિતી મુજબ લિંબાયત ખાતે રહેતી 16 વર્ષીય સગીરાએ શુક્રવારે રાત્રે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સમયસર પરિવારના સભ્યની નજર પડતા તેને બચાવી લીધી હતી. પરંતુ મરવાનું નક્કી કરીને બેસેલી સગીરાએ થોડા સમય પછી એસિડ પી લીધું હતું. જેથી તેને નવી સિવિલમાં ખસેડાઈ હતી. જ્યાં સગીરા હાલ સારવાર હેઠળ છે. ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરાને એક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનું પરિવારને જાણ થઈ હતી. તે સ્કૂલે જવાનું કહીને પ્રેમીને મળતી હતી. જેથી પરિવારે તેની ઉપર પ્રતિબંધ મુકી દેતા ઘરમાં જ નજરકેદ કરી હતી. આ વાતનું માઠું લાગી આવતા તેને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગીરા હાલ સારવાર હેઠળ છે અને પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top