છેલ્લાં ઘણાં વર્ષોથી એક મોટા ઉદ્યોગપતિ પોતાની રીતે છાની તપાસ કરાવી, જે નવયુવકોને મહેનત કરી પોતાનો બિઝનેસ જમાવવો હોય, જે યુવાનો પાસે નવા વિચારો હોય,મહેનત કરવાની ધગશ હોય પરંતુ રોકાણ કરવા પૈસા ન હોય તેમના બિઝનેસમાં ઇન્વેસ્ટર બની બહુ ઓછા પ્રોફિટમાં ભાગ લઇ નવયુવકોની આગળ વધવા મદદ કરતા. બિઝનેસમેનની જે ટીમ આખું વર્ષ નવ યુવકોને શોધવા અને તેમની લાયકાત માપવા કાર્યરત રહેતી અને જેમને પસંદ કરવામાં આવ્યા હોય તેમને ડિસેમ્બર મહિનામાં ઇન્વેસ્ટમેન્ટની ઓફર આપવામાં આવતી.
ટીમના લીડરે પસંદ કરેલા યુવાનોની ફાઈલ બિઝનેસમેનને આપતાં પૂછ્યું, ‘સર, તમે નવયુવાનોના નવા પ્રોજેક્ટમાં મામૂલી પ્રોફિટ માટે ઇન્વેસ્ટ કરવાનું કામ વર્ષોથી કરો છો અને આ બિઝનેસ કે ઇન્વેસ્ટમેન્ટ નથી પણ તેમને મદદ છે.તો તમે આવું શા માટે કરો છો?’ બિઝનેસમેન બોલ્યા, ‘વર્ષો પહેલાં એક ગામડાનો ગરીબ છોકરો થોડા ભણતર સાથે શહેરમાં આવ્યો અને કોઈ પણ મૂડી વિના પોતાની મહેનત વડે નાનકડો ધંધો કરવાની કોશિશ કરવા લાગ્યો.થોડું કામ થતું પછી પછડાતો, પાછો ઉભો થતો નાનું નવું કામ શરૂ કરતો પણ પોતાની કોઈ મૂડી ન હોવાને લીધે કામ અટકી પડતું.
ઘણી મહેનત કરી પણ કોઈ ધંધો બરાબર જામતો નહિ. શરૂ થતાં જ કામ પૈસાની અછતને કારણે અટકી પડતું.આખરે નાસીપાસ થઈ તે બધું છોડી ગામડે પાછું ફરવાનું વિચારવા લાગ્યો.પણ મનમાં નક્કી કર્યું મારે જે પૈસા ચૂકવવાના બાકી છે તે મહેનત મજૂરી કરીને ચૂકવી દઉં પછી જ જઈશ.તેણે દિનરાત મહેનત કરી થોડા પૈસા ભેગા કર્યા અને જે વેપારીને ચૂકવવાના હતા તેમની પાસે ગયો અને સાચી વાત કરતાં કહ્યું, ‘સાહેબ, મારો ધંધો ચાલતો નથી, પડી ભાંગ્યો છે, પણ આ લો, તમારા અડધા પૈસા, બાકીના પણ થોડા દિવસમાં આપી દઈશ.
’વેપારીએ પૂછ્યું, ‘ધંધો ચાલતો નથી તો પૈસા કઈ રીતે આપીશ?’ યુવાને કહ્યું, ‘સાહેબ મહેનત મજૂરી કરું છું અને એક વાર જમીને પૈસા બચાવું છું.થોડા જ પૈસા બાકી છે આપી દઈશ.’વેપારીને યુવાનની ઈમાનદારી અને મહેનત સ્પર્શી ગઈ. તેણે તેના ધંધામાં રોકાણ કર્યું અને કહ્યું, ‘મજૂરી છોડ, મહેનતથી ધંધો જમાવ. મને પૈસા નથી જોઈતા. તારા ધંધામાં ૧૦% પ્રોફિટ મને આપજે. યુવાનને ધંધા માટે મૂડી મળી, વેપારીએ તેનામાં વિશ્વાસ મૂક્યો એટલે હિંમત વધી અને તે સફળ બીઝનેસમેન બની ગયો.’
આટલું બોલી વેપારી અટક્યા અને પછી આગળ બોલ્યા, ‘તે નાસીપાસ યુવાન હું હતો અને આ મારી ખુરશી પાછળ જેમનો મોટો ફોટો છે તે મને વર્ષો પહેલાં મદદ કરનાર મને મૂડી અને હિંમત આપનાર મારા સાન્તાક્લોઝ છે અને આજે તેમના જ કદમો પર ચાલી વર્ષો પહેલાં તેમણે સાન્તાક્લોઝ બની જેમ મને મદદ કરી હતી તેમ હું અન્ય લાયક યુવાનો માટે સાન્તાક્લોઝ બનું છું.’ટીમલીડર તેમનાં ચરણોમાં વંદન કરવા ઝૂકી ગયો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.