એક દિવસ મહાન સંત રૂમીને તેમના એક મિત્ર વર્ષો બાદ મળવા આવ્યા.ઘણી વાતો થઇ.મિત્રએ કહ્યું, ‘હવે તમને દોસ્ત કહી તુંકારે ન બોલાવી શકાય તમે એટલી ઉચ્ચ કક્ષા પર પહોંચી ગયા છો તમને તો નમન જ કરવા પડે.’ આટલું કહી દોસ્તે તેમને નમન કર્યા; પછી હલચલ પૂછતાં કહ્યું, ‘અત્યારે તમે શું કરી રહ્યા છો.’ સંત રૂમીએ દોસ્તને આવકાર આપી બેસવા કહ્યું અને બોલ્યા, ‘દોસ્ત હંમેશા દોસ્ત જ રહે છે અને તને ખબર છે દોસ્ત હું અત્યારે મારી ભૂલો ણે સુધારવાની કોશિશ કરી રહ્યો છું.’ આ જવાબ સાંભળી દોસ્તને નવાઈ લાગી તેણે કહ્યું, ‘તમારાથી થોડી ભૂલો થાય કે તેને સુધારવી પડે શું કામ મજાક કરો છો મારી સાથે..’ રૂમીએ કહ્યું, ‘અરે શું વાત કરે છે દોસ્ત સાથે મજાક ન થાય તો કોની સાથે થાય પણ હું આ મજાક નથી કરી રહ્યો સાચી મારા મનની વાત જણાવી રહ્યો છું.આ મારા જીવનની હકીકત છે જે મને વર્ષોના અનુભવ બાદ સમજવા મળી છે જે હું તને કહી રહ્યો છું.’
દોસ્ત સંત રૂમીની વાત જાણવા આતુર બન્યો.સંત રૂમીએ કહ્યું, ‘જયારે આપણે યુવાન હતા અને બધા પોત પોતાના રસ્તે આગળ વધ્યા ત્યારે હું મન થી પોતાને બહુ હોશિયાર માનતો હતો અને હું વિચારતો હતો કે હું ખુબ જ હોશિયાર છું અને મારી હોશિયારીથી આ મારી આજુબાજુની દુનિયામાં જે કઈ પણ તકલીફ છે તે બધી જાણી અને સમજીને તેને દુર કરી નાખીશ.આ મારા મનમાં મારી હોશયારી અને આવડતથી હું આખી દુનિયા બદલી શકીશ તેવો ફાંકો હતો અને દોસ્ત શું થયું ખબર છે વર્ષો વિતતા ગયા અનેક વર્ષો વીતી ગયા પણ હું દુનિયાને બદલી શક્યો નથી.પણ એક વસ્તુ ચોક્કસ બદલાઈ રહી છે…’ દોસ્તથી તરત પુછાઈ ગયું, ‘શું બદલી શક્યા છો તમે??’ રૂમી હસ્યા અને બોલ્યા, ‘દોસ્ત, જયારે હું મારી જાતને બહુ હોશિયાર માનતો હતો ત્યારે હું દુનિયા બદલવા ઈચ્છતો હતો.પણ તેમ થયું નહિ…વીતેલા વર્ષોમાં મેં કરેલી ભૂલો માંથી મને અનુભવ મળ્યો તેમાંથી મને સમજાઈ ગયું કે હું દુનિયા નહિ બદલી શકું એટલે આજે હું સમજદાર બની ગયો છું અને એટલે દુનિયાને નહિ પણ મારી જાતને , પોતાને બદલી રહ્યો છું/જે ભૂલ મેં કરી હતી તેને સુધારી રહ્યો છું.’ રૂમીએ પોતાના જીવનના અનુભવનો નીચોડ દોસ્તને સમજાવ્યો.