Columns

હું તો સ્ટ્રીટ લાઈટ છું

એક રીટાયર પ્રોફેસર એકદમ નિયમિત જીવન જીવે, વ્યવસ્થિત પ્લાનિંગ કરે, બધી વસ્તુઓનું અને બધાં કામનું તેમનું રોજનું રૂટીન પણ એકદમ ફિક્સ. સવારે વહેલાં ઊઠી યોગ આસન કરવાં, પછી ચાલવા જવું અને પછી મંદિરે જઈને ઘરે આવતાં જરૂરી સમાન લઈને આવવું.આ બધા પર તેમનાં પત્નીને કોઈ વાંધો ન હતો પણ ફિક્સ રૂટીનમાં બીજું એક એવું કામ હતું જેની પર તેમનાં પત્નીને સખત વાંધો હતો.

તે કામ હતું કે પ્રોફેસર રસ્તામાં સવારે સામે જે મળે તેને કોઈ ને કોઈ વાતે લેકચર આપતા અને સાચી રીત અને તેના ફાયદા સમજાવવા લાગતા.જે કોઈ મદદ માંગે કે સલાહ માંગે તેની તકલીફો ઊંડાણથી જાણીને પછી તેને સલાહ અને શિખામણ આપતા અને માર્ગ દેખાડતા.કોઈ ખોટું કરતું હોય તો સામે ચાલીને તેને રોકવા જતા.તેથી તેમને આવતાં અચૂક મોડું જ થતું. પત્નીને આ વાત પર વાંધો હતો. પત્ની રોજ ખીજાતી.

આજે પણ પ્રોફેસરને રસ્તામાં જુના પાડોશી મળ્યા અને કુટુંબના ઝઘડા બાબતે સલાહ માંગી. પ્રોફેસરે બધી વાત સાંભળી અને તેમાં ઘરે પહોંચતાં બહુ મોડું થયું.પત્નીએ ગુસ્સામાં કહ્યું, ‘આજે કોણ મળ્યું હતું? શું કામ પારકી પંચાત કરો છો? શું કામ બધાને સલાહ આપો છો.મૂકો તમારી પ્રોફેસરી. હવે બધાને શિખવાડવાનું બંધ કરો. હવે તમે પ્રોફેસર નથી.’ આ સાંભળી પ્રોફેસર ગુસ્સે ન થયા, માત્ર એટલું બોલ્યા, ‘મને ખબર છે કે હું પ્રોફેસર હવે નથી પણ હવે હું સ્ટ્રીટ લાઈટ બની ગયો છું!’ આવો જવાબ સાંભળી પત્ની હસી પડી અને બોલી, ‘એટલે કહેવા શું માંગો છો હવે પ્રોફેસર બની મને સમજાવો. ચા ઠંડી થઈ ગઈ છે બીજી લઈને આવું છું.’

 ચા પીતાં પીતાં પ્રોફેસરે પત્નીને કહ્યું, ‘જો મને ખબર છે હું બીજાને સલાહ સૂચન અને શિખામણ આપું છું તે તને નથી ગમતું પણ હું તો સ્ટ્રીટ લાઈટ બની ગયો છું. જેમ સ્ટ્રીટલાઈટ રસ્તે જતાં બધાંને પ્રકાશ આપે છે તેમ હું મારી પાસે આવતાં લોકોને સલાહ આપું છું,ભૂલના અંધારામાં જતાં અટકાવી ભૂલ સુધારું છું, અઘરા મુશ્કેલીભર્યા માર્ગ પર ચાલવાનાં સૂચનો આપું છું તેમાં ખોટું શું કરું છું?’

પત્નીએ કહ્યું, ‘શું કામ બીજાની ભૂલો સુધારવાની, બીજાની મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢવાનાં સૂચનો આપવાનાં? જેને જેમ કરવું હોય તેમ કરે. તમારા કહેવાથી લોકો એક દિવસમાં સુધરી જવાનાં નથી.તમારી બધી સલાહ અને સૂચનો માનશે કે નહિ તેની કોઈ ગેરંટી નથી અને તમારા માર્ગ દેખાડવાથી તેમની મુશ્કેલીઓ ઓછી થશે કે નહિ તે પણ નક્કી નથી.’

પ્રોફેસર હળવા મૂડમાં ફરી બોલ્યા, ‘હું તો સ્ટ્રીટ લાઈટ છું.હું રસ્તો નાનો ન કરી શકું.સાથે ચાલી ન શકું પણ રસ્તા પર પ્રકાશ પાથરી રસ્તા પર ચાલવાનું થોડું સરળ કરી શકું.હું ભૂલ દેખાડી દઉં ,સલાહ આપી દઉં, સૂચન આપી દઉં જેનાથી તેમની જે મદદ થાય તે હું કરું છું.આજથી તું મને પ્રોફેસર નહિ સ્ટ્રીટ લાઈટ કહેજે બસ ..’ પતિ પત્ની હસી પડ્યાં.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top