Columns

હું ચાર્જર છું

એક કોલેજમાં ઇન્ટર કોલેજ સ્પર્ધા માટે બે સારા સ્પીકર,હોશિયાર વિદ્યાર્થી અને કોઈ પણ સમયે કોઈ પણ વિષય પર સરસ બોલી શકે તેવા વિદ્યાર્થીઓની પસંદગી કરવાની હતી. તે પસંદગી બરાબર થાય તે માટે કોલેજમાં ત્રણ રાઉન્ડની સિલેકશન પ્રોસીજર રાખવામાં આવી હતી. લગભગ ૨૦૦ વિદ્યાર્થીઓએ નામ નોંધાવ્યાં.પહેલા રાઉન્ડમાં આપેલા વિષયોમાંથી કોઈ એક વિષય પર ચાર મિનીટ બોલવાનું હતું.તેમાંથી ૧૫૦ વિદ્યાર્થીઓ આગળ ગયાં.બીજા રાઉન્ડમાં ડીબેટ હતી તેમાં ૭૫ વિદ્યાર્થીઓ સિલેક્ટ થયાં.હવે ત્રીજો રાઉન્ડ અઘરો હતો.૭૫ માંથી માત્ર બે જ વિદ્યાર્થી પસંદ કરવાનાં હતાં.

ત્રીજા રાઉન્ડમાં સ્ટેજ પર એક મોટી બેગ રાખવામાં આવી હતી અને દરેક વિદ્યાર્થીએ સ્ટેજ પર જઈ  બેગમાં જોયા વિના માત્ર હાથ નાખી પહેલી જે વસ્તુ હાથમાં આવે તે બહાર કાઢી તરત જ તે વસ્તુ વિષે બોલવાનું હતું.રાઉન્ડ શરૂ થયો.પેન,પેન્સિલ,ઘડિયાળ,પૈસા,બુક.આવી કોલેજીયનોની બેગમાં હોય તેવી વસ્તુઓ બધાના હાથમાં આવતી અને બધા તે વસ્તુ વિષે બોલતાં.

હવે રાઘવનો વારો આવ્યો.તે સ્ટેજ પર ગયો.બેગની અંદર હાથ નાખ્યો.તેના હાથમાં આવ્યું ‘મોબાઈલનું ચાર્જર’. રાઘવે બોલવાનું શરૂ કર્યું —“મોબાઈલનું ચાર્જર હવે આપણો રોજનો સાથી છે.નાસ્તાનો ડબ્બો કે ટીફીન ભૂલી જઈએ તો ચાલે પણ મોબાઈલનું ચાર્જર ભૂલી જઈએ તો હાલત ખરાબ થઇ જાય છે.આ મોબાઈલ ચાર્જર આપણા મોબાઈલની જીવાદોરી છે અને આડકતરી રીતે આપણી પણ.કારણ મોબાઈલ વિના આપણાં બધાં કામ અટકી પડે.

જો મોબાઈલ ચાર્જ ન હોય તો કામ ન કરે અને આપણે મોબાઈલનો એટલો બધો ઉપયોગ કરીએ છીએ કે તેને ચાર્જ તો કરવો જ પડે અને ચાર્જર વિના તે શક્ય નથી અને હા, એક ખાસ વાત હું પણ આ મોબાઈલના ચાર્જર જેવો જ છું,જ્યાં જાઉં ત્યાં મિત્રવર્તુળમાં…કોલેજમાં ..ફેમિલીમાં …મારી વાતોથી ..મારી મસ્તીથી ..મારી જાણકારીથી બધાને ચાર્જ કરી દઉં છું.કોઈ નિરાશ ..હતાશ મિત્રને મારા પોઝીટીવ વિચારોથી ચાર્જ કરું છું.પરીક્ષા સમયે ડરતાં મારા નાના કઝીનને ભણાવીને ચાર્જ કરું છું.કામથી થાકેલી મારી મમ્મીને કામમાં મદદ કરી ..જાતે કોફી બનાવી તેને પીવડાવી ..મમ્મી જોડે વાતો કરી રિચાર્જ કરું છું. આપણે બધાએ મોબાઈલના ચાર્જર જેવા બનવું જોઈએ. જ્યાં જાવ ત્યાં ..જેને મળો એને તમારા વિચાર વાણી વર્તનથી ચાર્જ કરી દો અને તેમને આનંદ ..હિંમત …પ્રેમ આપી પોતે પણ રીચાર્જ થઇ જાવ. ”રાઘવ હજી બોલી રહ્યો હતો પણ તેના વિચારો અને રજૂઆતને તાળીઓથી વધાવી લેવામાં આવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top