ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ, 1949ની કલમ-75 અને 75(એ)માં સુધારા સૂચવતું વિધેયક ગૃહમાં પસાર કરવામાં આવ્યું છે. રાજ્યના ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા દિશામાં આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. સુધારા મુજબ હવે ગેરકાયદેસર રીતે થયેલી જમીન તબદીલીના કિસ્સામાં સ્પષ્ટ અને સમયબદ્ધ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. કલેક્ટર સ્વપ્રેરિત રીતે અથવા હિત ધરાવતા વ્યક્તિની અરજીના આધારે તપાસ શરૂ કરી શકશે. જો તબદીલી ગેરકાયદેસર હોવાનું સાબિત થાય, તો ત્રણ મહિનાની અંદર જમીન મૂળ ખાતેદારને પરત કરવાની રહેશે. નક્કી કરેલી મુદતમાં જમીન પરત ન થાય તો તે જમીન બોજામુક્ત રીતે સરકારમાં નિહિત થશે અને સરકારી પડતર જમીન તરીકે તેનો ઉપયોગ થઈ શકશે.
અત્યાર સુધી કલમ-75 હેઠળ માત્ર અનધિકૃત કબજો ખાલી કરાવવાની જ જોગવાઈ હતી, પરંતુ ગેરકાયદેસર તબદીલી બાદ પુનઃસ્થાપન અંગે સ્પષ્ટતા નહોતી. નવા સુધારાથી આ ખામી દૂર કરવામાં આવી છે. ગુજરાત ગણોત એક્ટ નં. 28/2015 હેઠળ 05/12/2015થી ઉમેરાયેલી કલમ-75(એ) મુજબ પણ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. જો કોઈ બિનખેડૂત વ્યક્તિ અથવા સંસ્થાના પક્ષે ખેતીની જમીન તબદીલ થઈ હોય, તો તે પક્ષે જમીનની પ્રવર્તમાન જંત્રી કિંમતની ત્રણ ગણી રકમ દંડ રૂપે એક મહિનામાં ભરપાઈ કરવાની રહેશે અને જમીન મૂળ ખેડૂત ખાતેદારને પરત કરવી પડશે. અગાઉ દંડ ચૂકવવા માટે કોઈ સમયમર્યાદા ન હોવાથી ખેડૂતોને ન્યાય મળવામાં વિલંબ થતો હતો. રાજ્યમાં અમલમાં રહેલા અન્ય ગણોત કાયદાઓ સાથે સુસંગતતા જળવાઈ રહે તે માટે પણ આ સુધારા લાવવામાં આવ્યા છે. એકસરખી કાનૂની વ્યવસ્થા અમલમાં આવવાથી વહીવટી સુગમતા વધશે અને વિવાદોમાં ઘટાડો થશે. સરકારના મતે, જમીન ખેડૂત માટે માત્ર સંપત્તિ નહીં પરંતુ આજીવિકાનો આધાર છે. નવા સુધારાઓથી ગેરકાયદેસર વેચાણ પર અસરકારક અંકુશ આવશે, જમીન વ્યવહારોમાં પારદર્શિતા વધશે અને ખેડૂતોના હકો વધુ મજબૂત બનશે.