SURAT

ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે ચણાયેલી દિવાલનું આખરે ડિમોલિશન

શહેરભરમાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણોને દૂર કરવાની કામગીરી વચ્ચે આજે સુરત મનપાના સેન્ટ્રલ ઝોન દ્વારા કોટ વિસ્તારમાં ધારાસભ્ય અરવિંદ રાણાનાં ઘર પાસે તાણી દેવામાં આવેલી ગેરકાયદેસર દિવાલનું ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. કોટ સફિલ રોડ પર ચાર વર્ષ પહેલાં રાતોરાત ચણી દેવામાં આવેલી દિવાલને પગલે ભારે વિવાદ સર્જાવા પામ્યો હતો.

વર્ષ 2022માં શહેરનાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં કોટ સફિલ રોડ પાસે રાતોરાત દિવાલ ઉભી કરી દેવામાં આવી હતી. ધારાસભ્ય અરવિંદ રાણાના નિવાસ સ્થાનની પાસે જ આ ગેરકાયદેસર દિવાલ ઉભી કરી દેવામાં આવતાં ભારે વિરોધ જોવા મળ્યો હતો.

જો કે, આ સ્થળે કાયમી ગંદગી અને અસામાજીક તત્વોનો અડ્ડો બની ગઈ હોવાથી રાણા સમાજનાં લોકોની માંગણીને ધ્યાને રાખીને દિવાલ ઉભી કરવામાં આવી હોવાનો સૂર ઉઠ્યો હતો.

બીજી તરફ હાલમાં જ સંકલન સમિતિની બેઠક દરમિયાન ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા શહેરભરમાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે વહીવટી તંત્ર સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. શહેરમાં ખાસ કરીને સેન્ટ્રલ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો હોવાનાં આક્ષેપો વચ્ચે આજે સવારે સેન્ટ્રલ ઝોન દ્વારા વિવાદનું ઘર બનેલી ગેરકાયદેસર દિવાલનું ડિમોલીશન કરવામાં આવ્યું છે.

Most Popular

To Top