સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હજીરા ગામમાં સરકારી જમીન પરથી ગેરકાયદે સ્લેગની હેરફેરનું કૌભાંડ ચાલી રહ્યું છે. પરપ્રાંતીય ગેંગ આ સ્લેગનું એક્ટિવા, બાઈક જેવા પેસેન્જર વાહનો પર હેરફેર કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હજીરા ગામમાં AMNS અને અંદાણી કંપની વચ્ચે સરકારી અને બિન સરકારી જમીનનો મોટો દરિયાઈ પટ્ટ આવેલો છે. આ દરિયા કિનારા વિસ્તારમાંથી હજીરા ગામ બહારના પરપ્રાંતીય લોકો દ્વારા ગેરકાયદે રીતે સ્લેગ કાઢવામાં આવી રહી છે.
એટલું જ નહીં આ સ્લેગ આરટીઓના નિયમોની વિરુદ્ધમાં જઈ આરસી બુક, ઈન્સ્યુરન્સ, પીયુસી વગરના એક્ટિવા જેવા વાહનો પર હેરફેર કરવામાં આવે છે. એક્ટિવા, બાઈકના પાર્ટ્સ છુટા કરી ફક્ત એન્જિન અને ચેસીસનો ઉપયોગ સ્લેગની હેરફેર માટે કરાય છે. સ્લેગના મોટા ટુકડાઓનું પોતાના તેમજ ગ્રામજનોના જીવના જોખમે હેરફેર કરી રહ્યાં છે.
ગ્રામજનોમાં રોષ, આંદોલનની ચીમકી
પરપ્રાંતીયોની સ્લેગની સ્મગલિંગની પ્રવૃત્તિ સામે ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો છે. ખુબ જ મોટા પ્રમાણમાં પરપ્રાંતીય ગેંગ દ્વારા ગેરકાયદે રીતે સ્લેગ કાઢી વેચવામાં આવી રહ્યો છે. આ તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ગ્રામજનોએ માંગ ઉઠાવી છે. જો કાર્યવાહી કરી સ્લેગ ઉપાડવાની કામગીરી બંધ ન કરવામાં આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે. ગ્રામજનોએ પોલીસ, મામલતદાર અને આરટીઓ કચેરીને પુરાવા સહિત ફરિયાદ કરી છે.