દાહોદ: દાહોદ નગરપાલિકા દ્વારા ગ્રીન બેલ્ટ ગણાતી તેમજ નહેર તેમજ નાળા ઉપર શોપિંગ સેન્ટર ઉભા કરી દેવાયા છે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ કોઈપણ નદી-નાળા તળાવ સરોવર કે કાસ જ્યાંથીપાણીનું વહેણ થતું હોય તેને રોકવો ગેરકાયદેસર છે. પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશને દરકિનાર કરી દાહોદ નગરપાલિકાના સત્તાધીશો તેમજ કેટલાક જમીન માફિયાઓએ નહેરની જમીન પણ બિલ્ડિંગો તેમજ મકાનો બનાવી કરોડો રૂપિયા ભેગા કરી દીધા છે.
વધુમાં પાલિકા દ્વારા વર્ષો પહેલા સ્ટેશન રોડ પર નાળા ઉપર શોપિંગ સેન્ટર ઉભા કરી ભાડે આપી દીધા છે.જે આજદિન સુધી અડીખમ છે. જોકે આ શોપિંગ સેન્ટરો સ્માર્ટ સીટી અંતર્ગત સ્માર્ટ રોડમાં અડચણ રૂપ થતા હોઈ વહીવટી તંત્ર દ્વારા આગામી સમયમાં આ શોપિંગ સેન્ટરો તેમજ દુકાનો ખુરદો બોલી જશે કે કેમ? તે હાલ ભવિષ્યના ગર્ભમાં છે.
જોકે અગામી સમયમાં સ્માર્ટ રોડ અંતર્ગત પાલિકા દ્વારા બનાવેલા શોપિંગ સેન્ટરો જમીનદોસ્ત કરવામાં આવશે તો આ શોપિંગ સેન્ટરો પર નભતા કેટલાય પરિવારો વિસ્થાપિત થઈ જશે તેની જવાબદારી કોની??હાલ મોંઘવારી તેમજ કોરોના કાળમાં આર્થિક રીતે પિસાતો નાના તેમજ મધ્યમ વર્ગ સમા આ વેપારીઓ તેમજ દુકાનોમાં કામ કરતા કામદારો બેરોજગાર થઇ જશે તે માટે સરકાર અથવા વહીવટી તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે ખરી? તે પણ એક યક્ષ પ્રશ્ન સમાન છે. જોકે અગામી સમયમાં આ મામલે સ્થાનિક તંત્ર દ્વારા કેવા પગલાં લેવાય છે. તે તો જોવું રહ્યું.