માની લો કે તમે તમારા ઘરમાં પરીવાર સાથે મનગમતી સગવડતા સાથે આનંદથી રહો છો. ન કરે નારાયણ કોઈક અજાણ્યું વ્યક્તિ તમારે ઘરે તમને જણાવ્યા વગર તથા તમારી પરવાનગી વગર તમારા ઘરમાં રહેવા આવે તો તમે શું કરશો? જવાબ તમે પામી જ ગયા હશો! બસ, આ વસ્તુ અમેરિકા પોતાના નાગરિકોની સલામતી અને સગવડતા માટે કરી રહ્યું છે. હમણાં, હમણાં અમુક કહેવાતા સોશિયલ મીડિયા ઇનફલૂઅન્સરો અને વિપક્ષો એવી અવ્યવહારું વાતો કરી રહ્યા છે કે અમેરિકાએ સમ્માન પૂર્વક ગેરકાયદે રહેતા ભારતીયોને પાછા મોકલવા જોઈએ. ભાઈ, શું કામ? જેમણે ગુનો કર્યો છે તેઓને સમ્માન અને શિરપાવ શા માટે? શું આપણે આપણા દેશમાં ગેરકાયદે વસતા નાગરિકોને સમ્માન આપીશું?
એક દેશ તરીકે, જો આપણે એવું ન કરી શકતા હોય તો બીજા દેશ પાસે શું કામ માન-સમ્માનની અપેક્ષા રાખવી જોઈએ? તાજેતરમાં અમેરિકાએ ગેરકાયદેસર રીતે રહેતા ૧૦૩ ભારતીયો ને હાથકડી પહેરાવીને ભારત પાછા વિમાન માં મોકલ્યા એમાં માનવતાની દ્રષ્ટિએ તો કશું ખોટું થયું હોવાનું લાગતું નથી. જે રીતે ગુનેગારો સાથે વ્યવહાર થાય તે જ તેમણે કરી દેખાડ્યું છે. વધુમાં ભૂતકાળમાં જે ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચ્યા છે અને પકડાયા પછી મોટે ભાગે તેઓ ભારતને નીચું દેખાડીને રાજકીય આશ્રયનાં ઓથા હેઠળ સ્થાયી થયા હશે. જે ભારતીયો પોતાની બધી મિલકતો વેચીને ડંકી રૂટે, પોલિટિકલ અસાઇલમનાં ઓથા હેઠળ અમેરિકા સ્થાયી થવાનો મનસૂબો ધરાવે છે, એ શું ભારત દેશ માટે સમ્માન જનક છે?
સુરત -ભાવિન મિસ્ત્રી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.