ખેડા: ખેડા શહેરમાં આવેલી સર્વે નં ૭૫ (૨+૩) વાળી જગ્યામાં છેલ્લાં ચારેક મહિનાથી ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે. ત્યારે આ મામલે કરવામાં આવેલી અનેકવારની રજુઆતો બાદ પણ પાલિકાતંત્ર દ્વારા આ બાંધકામ અટકાવવાની તસ્દી લેવામાં આવતી ન હતી. દરમિયાન ગામના એક જાગૃત નાગરીકે આ મામલે જિલ્લા કલેક્ટરને મૌખિક રજુઆતો કરી હતી. જે બાદ તંત્ર હરકતમાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે. ખેડા શહેરમાં સિવિલ હોસ્પિટલની સામે સર્વે નં ૭૫ (૨+૩) વાળી જગ્યા આવેલી છે. આ જગ્યા પર વિશાળ કોમ્પ્લેક્ષ બાંધવા માટેની પરમિશન મેળવવા માટે જમીન માલિક દ્વારા ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. જોકે, તેઓને પરમિશન મળી ન હતી.
તેમછતાં તેઓ દ્વારા આ જગ્યા ઉપર બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. છેલ્લાં ચાર મહિનાથી આ જગ્યામાં ખાડા ખોદવા, પાયા બનાવવા, પુરાણ કરવા જેવું બાંધકામ ચાલી રહ્યું છે. દરમિયાન પાલિકાની મંજુરી ન હોવાછતાં આ જગ્યા પર બાંધકામ ચાલતું હોવાનું પાલિકાના સત્તાધારી પક્ષના કાઉન્સિલર યાસીનભાઈના ધ્યાને આવ્યું હતું. જેથી તેઓએ ગત સામાન્ય સભામાં આ મામલે વિરોધ કર્યો હતો અને બાંધકામ અટકાવવા માટે પાલિકાના પ્રમુખ અને ચીફઓફિસરને રજુઆત કરી હતી.
જેના અનુસંધાને પાલિકા તંત્રએ નોટીસ પાઠવી, માલિકીના પુરાવા તેમજ બાંધકામની પરમિશનના પુરાવા રજુ કરવા જણાવ્યું હતું અને ત્યાં સુધી કોઈપણ જાતનું બાંધકામ નહીં કરવા આદેશ આપ્યો હતો. જોકે, પાલિકાની આ નોટીસની અવગણના કરી દ્વારા બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હતું. દરમિયાન વિરોધપક્ષના નેતા દિનેશભાઈ રાઠોડ દ્વારા આ બાંધકામની પરમિશન બાબતે પાલિકામાં માહિતી માંગી હતી. જેના જવાબમાં પાલિકાએ આ જગ્યા પર બાંધકામ માટેની પરમીશન આપવામાં આવી ન હોવાનું સ્વીકાર્યું હતું.
જેથી આ બાંધકામ ગેરકાયદેસર રીતે થતું હોવાનું સ્પષ્ટ થતું હતું. જે બાદ આ ગેરકાયદેસર ચાલતું બાંધકામ અટકાવવા માટે નગરના એક જાગૃત નાગરીક મેદાનમાં આવ્યાં હતાં. તેઓએ બુધવારના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને આ મામલે મૌખિક રજુઆત કરી હતી. જે સાંભળ્યાં બાદ જિલ્લા કલેક્ટરે ખેડા નગરપાલિકાના ચીફ ઓફિસર રોશનીબેનનો ઉધડો લીધો હતો અને જગ્યાનો રિપોર્ટ કરી મામલતદારને સોંપવા જણાવ્યું હતું. એક તરફ પાલિકાતંત્ર બાંધકામ બંધ હોવાનું રટણ કરી રહી હતી.
પરંતુ, બીજી બાજી કલેક્ટર જ્યારે શહેરમાં આ રજુઆત સાંભળી રહ્યાં હતાં ત્યારે પણ આ ગેરકાયદેસર બાંધકામ પુરજોશમાં ચાલી રહ્યું હતું. જેથી અરજદાર જાગૃત નાગરીક આ મામલે ખેડા મામલતદારને મળ્યા હતાં. મામલતદારે મામલાને ગંભીરતાથી લઈ તરત જ પાલિકાના ચીફઓફિસર અને ખેડાના સેકન્ડ પી.એસ.આઈને બોલાવ્યાં હતાં અને કામ બંધ કરાવવાનો આદેશ આપ્યો હતો અને તેમછતાં કામ બંધ ન કરે તો પોલીસ ફરીયાદ નોંધવા જણાવ્યું હતું. જેથી ચીફઓફિસર અને પોલીસની ટીમે સ્થળ પર જઈને બાંધકામ અટકાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડા નગરમાં પાલિકાની સાંઠગાંઠ કરી અનેક સ્થળે ગેરકાયદે બાંધકામો થયાં છે. આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા ધ્યાન પણ દોરવવામાં આવે છે. આમ છતાં પાલિકા પગલા ભરવા નિષ્ફળ રહી છે.
આર.સી.સી દિવાલ બનાવવા માટે પિલ્લર ઉભા કરીએ છે : જમીન માલિક
સર્વે નં ૭૫ (૨+૩) માં ચાલતું ગેરકાયદેસર બાંધકામ અટકાવવા માટે પાલિકાએ નોટીસ પાઠવી હતી. જેના જવાબમાં જમીન માલિકે જણાવ્યું છે કે, આ જમીનમાં મંજુર થયેલ નકશામાં દર્શાવ્યાં મુજબનું કામ કરવાનું છે. આ જગ્યા રોડથી ૫ થી ૬ ફુટ નીચાણમાં હોવાથી તેનું પુરાણ કરવા માટે આર.સી.સી દિવાલ બનાવવાની છે. જેના માટે આર.સી.સી પિલ્લર ભરવાનું કામ ચાલી રહ્યું છે. જે કામ પૂર્ણ થયાં બાદ પુરાણ કરવામાં આવશે. ત્યાં સુધીમાં જોનીંગ ફેરફાર કરવા માટે આપેલ અરજીનો નિકાલ પણ થઈ જશે. જે બાદ પરમિશન લઈને આગળનું બાંધકામ કરીશું.
પાલિકાએ તારીખ અને સહી વિનાની નોટીસ પાઠવી હતી
કાઉન્સિલર યાસીનભાઈની રજુઆતો બાદ આખરે પાલિકાતંત્રએ સર્વે નં ૭૫ (૨+૩) ઉપર ચાલતું ગેરકાયદેસર બાંધકામ અટકાવવા માટે નોટીસ પાઠવી હતી. પાલિકાના લેટરપેડને બદલે કોરા કાગળમાં પ્રિન્ટ કરવામાં આવેલી આ નોટીસમાં તારીખ લખવામાં આવી ન હતી. તેમજ પ્રમુખ, ચીફઓફિસર કે અન્ય કોઈપણ સક્ષમ અધિકારીની સહિ કરવામાં આવી જ ન હતી.
ગેરકાયદેસર બાંધકામ કોની રહેમનજર હેઠળ ચાલતું હતું ? : વિરોધપક્ષના નેતા
આ મામલે વિરોધપક્ષના નેતા દિનેશભાઈ રાઠોડ જણાવે છે કે, આ જગ્યા પર છેલ્લાં ચારેક મહિનાથી ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે. આ આખી જગ્યા રેડઝોનમાં આવે છે, આ બાંધકામ માટેની મંજુરી મળેલ નથી, તેઓએ બાંધકામ માટેની રકમ પણ ભરી નથી. તેમછતાં આ જગ્યા પર ગેરકાયદેસર રીતે બાંધકામ કોની રહેમનજર હેઠળ ચાલતું હતું તે અંગે તપાસ કરવામાં આવે અને રહેમનજર દાખવનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.
સર્વે નં ૭૫ માં ભાગ પડેલ ન હોવાના કારણે બાંધકામની પરમિશન અપાઇ ન હતી
ઘનશ્યામભાઈ પટેલની માલિકીની જગ્યાનો ઓનલાઈનમાં સર્વે નં ૭૫ ના હજી સુધી ભાગ પડ્યાં નથી. તદુપરાંત સર્વે નં ૭૫ એસ.ટી વિભાગનો હોવાથી આવશ્યક ઝોનમાં તેઓની માલિકીનો સર્વે નંબર બતાવે છે. જેના કારણે ઘનશ્યામભાઈને તેમની જગ્યામાં બાંધકામની પરમિશન આપવામાં આવી ન હતી.