સુરત: હજીરા તાલુકાના મોરા ગામે AMNS કંપની દ્વારા નેશનલ હાઈવેને નડતરરૂપ બનેલી અંદાજિત 100 મીટર લાંબી દીવાલ ચોર્યાશી મામલતદાર અને તેમની ટીમ દ્વારા જમીનદોસ્ત કરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત દબાણનો કેસ નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
- મામલતદાર, ડે.મામલતદાર, પોલીસ, નેશનલ હાઈવે અને ડીજીવીસીએલ સહિત 25 લોકોની ટીમની કાર્યવાહી
- ને.હા.ને નડતરરૂપ 100 મીટર લાંબી દીવાલને જેસીબી વડે જમીનદોસ્ત કરી દેવામાં આવી
પ્રાપ્ત વિગતો મુજબ હજીરાની સૌથી મોટી એએમ/એનએસ કંપની દ્વારા મોરા ત્રણ રસ્તા પાસે નેશનલ હાઈવેને અડચણરૂપ થાય અને હાઈવેના ટ્રાફિકના અવરોધરૂપ દિવાલ તાણી દેવાઈ હતી. ફરિયાદ બાદ ચોર્યાસી મામલતદાર નીરવ પારિતોષ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ બાદ કલેક્ટર ડો.સૌરભ પારધીની સૂચના બાદ આજે ડિમોલિશન હાથ ધરાયું હતું. બીજી તરફ, હજીરા ગામની સરકારી જમીનમાંથી 52,000 ચોરસ મીટર વિસ્તારમાં દબાણ કરાયું હોવાનું માલુમ પડ્યું હતું.
સ્થાનિક લોકો દ્વારા આ જમીન પર નાની-મોટી લારીઓ બનાવીને ભાડે અપાતી હતી. પરિણામે, મામલતદારની ટુકડી, ડેપ્યુટી મામલતદાર, પોલીસ, નેશનલ હાઈવે અને ડીજીવીસીએલના કર્મચારીઓ સહિતની 25 જણાની ટીમે કાર્યરત રહી આ દબાણ દૂર કર્યું હતું. કામગીરી માટે ત્રણ જેટલા JCB મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ 52 હજાર ચો.મી. જમીનની બજાર કિંમત અંદાજે 30થી 32 કરોડ રૂપિયાની છે. આ પ્રકરણ હજીરા ગામની સરકારી સંપત્તિ બચાવવા માટે મહત્ત્વપૂર્ણ નીવડ્યું છે. અડાજણ FP 86 વિસ્તારમાં ગામ ગૃહ બનાવવા માટે ફાળવવામાં આવેલી જગ્યા પર થયેલા દબાણ દૂર કરવાના ઉપક્રમે પણ મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.
વધુ 40 હજાર ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરવાની ઝુંબેશ ચાલુ રહેશે
જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીની સૂચના અંતર્ગત સુરત શહેર જિલ્લામાં સરકારી જમીન પરના દબાણો દૂર કરી સરકારી જગ્યા ખુલ્લી કરવાની ઝૂંબેશ અંતર્ગત આજે ચોર્યાસી મામલતદાર દ્વારા હજીરા ગામમાં સ્થિત 30 કરોડથી વધુની કિંમતની 52 હજાર ચો.મી સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા હતા. હજીરા ગામે રહેલી 40 હજાર ચોરસ મીટરથી વધુ સરકારી જમીન ખુલ્લી કરવાની ઝૂંબેશ યથાવત રહેશે.
![](https://gujaratmitra.in/wp-content/uploads/2022/04/gujaratmitraDOTin-Copy.png)