Gujarat

IIT મુંબઈની હોસ્ટેલમાં બનેલી આપઘાતની ધટનાની તપાસ માટે સીટની રચના કરવા માંગણી

અમદાવાદ: ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (IIT) મુંબઈમાં (Mumbai) પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ (Student) ગત 12મી ફેબ્રુઆરીના રોજ હોસ્ટેલના આઠમાં માળેથી પડતું મૂકી આત્મહત્યા (Suicide) કરી લીધી હતી. આ સમગ્ર ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરવામાં આવે, તેવી માંગણી વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કરી છે. સાથે જ મૃતકના પરિવારજનોને 50 લાખ સુધીના વળતર આપવાની પણ માંગ કરી છે.

અમદાવાદની દર્શન સોલંકી નામની વિદ્યાર્થીએ મુંબઈની ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી)ના પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવ્યો હતો. તેણે પરીક્ષા પૂરી થઈ ગઈ તેના બીજા દિવસે આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાને પગલે અનેક તર્ક વિર્તકો ઉભા થયા છે.

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરતાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના છે, અત્યારે તેમણે પીડિત પરિવારને મળવું જોઈએ. સાથે જ રાજ્ય સરકારને અપીલ કરતાં કહ્યું હતું કે, રાજ્ય સરકારે પણ પીડિત પરિવારની મદદ કરવી જોઈએ અને 50 લાખનું વળતર આપવું જોઈએ.

મૃતક વિદ્યાર્થી દર્શનના પિતાએ કહ્યું હતું કે, તેને જાતિગત ઉચ્ચારણોથી ટોર્ચર કરવામાં આવતો હતો. મારો પુત્ર આત્મહત્યા કરી જ ન શકે. તેની હત્યા કરવામાં આવી હોવાથી તેની ન્યાયિક તપાસ થવી જોઈએ તેવી માંગ છે. તેમણે વધુ કહ્યું હતું કે, અમે જ્યારે હોસ્ટેલ પર પહોંચ્યા ત્યારે અમને દર્શનને બતાવ્યો જ નહોતો. બીજા દિવસે અમને બપોરે તેનું પીએમ થઈ ગયા બાદ તેની લાશ બતાવી હતી. અમને તેના રૂમમાં પણ જવા દીધા નથી. કે તેનો ફોન પણ આપ્યો નથી. દર્શનના મૃતદેહનું પીએમ પણ અમારી મંજુરી વગર કરી દેવાયું છે. દર્શનની હત્યા કોણે કરી તેની તપાસ થવી જ જોઈએ.

Most Popular

To Top