સોશિયલ મીડિયા પર IIT બાબા તરીકે જાણીતા અભય સિંહની જયપુર પોલીસે ધરપકડ કરી છે. અભય સિંહે ગાંજાના નશામાં સોશિયલ મીડિયામાં આપઘાતની ધમકી આપી હતી.
આ કેસમાં મળતી માહિતી અનુસાર અભય સિંહ ઉર્ફે IIT બાબાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે આપઘાતની ધમકી આપી રહ્યો હતો. આ વીડિયો જોયા બાદ જયપુર પોલીસ અભય સિંહની પૂછપરછ કરવા તેની હોટલ પર પહોંચી હતી. શિપ્રા પથ પોલીસ સ્ટેશન રિદ્ધિ સિદ્ધિ પાર્ક ક્લાસિક હોટેલ પહોંચી અને IIT બાબાની પૂછપરછ કરી હતી.
પોલીસને માહિતી મળી હતી કે હોટેલ પાર્ક ક્લાસિકમાં રહેતો અભય સિંહ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, ત્યાર બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. જ્યારે આ અંગે IIT બાબાની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે પોતાના કબજામાંથી ગાંજાના પેકેટ કાઢ્યા અને પોલીસને બતાવ્યું હતું.
તેણે કહ્યું, ‘હું ગાંજાના નશામાં હતો.’ જો મેં કંઈ કહ્યું હોય તો મને તેની ખબર નથી. તેની પાસેથી મળેલા ગાંજાના જથ્થાનું વજન 1.50 ગ્રામ હતું, જેને પોલીસે NDPS એક્ટ હેઠળ જપ્ત કર્યું છે. ગાંજાની માત્રા ઓછી હોવાથી તેને ચેતવણી આપીને છોડી મૂકવામાં આવ્યો. પોલીસે ગાંજો જપ્ત કર્યો છે અને IIT બાબા વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
અભય સિંહે પોલીસને તેની પાસે રહેલો ગાંજા પણ બતાવ્યો જે પોલીસે જપ્ત કર્યો હતો અને તેની સામે NDPS એક્ટ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
શું કહ્યું અભય સિંહે?
હોટલમાં પોલીસે અભય સિંહને પૂછ્યું હતું કે શું તે ગાંજાનો નશો કરે છે. ત્યારે અભય સિંહે પોતે ગાંજાનો નશો કર્યો હોવાની કબૂલાત કરી હતી. આ સાથે કહ્યું હતું કે, નશામાં હોય ત્યારે તેણે શું કહ્યું તે તેને ખબર નથી.
