આઈઆઈએફએલ (IIFL) વેલ્થ હુરુન ઈન્ડિયાની (Wealth Hurun India) યાદી અનુસાર દેશના સૌથી અમીર (Richest People) લોકો મહારાષ્ટ્રમાં રહે છે. આ યાદીમાં મહારાષ્ટ્ર રાજ્યમાંથી 335 અબજપતિઓને સ્થાન મળ્યું છે. જે ગત વર્ષ કરતા 33 વધુ છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2018ની યાદીમાં મહારાષ્ટ્રના 271 અબજોપતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર પછી આ યાદીમાં સૌથી વધુ અબજોપતિ (Billionaires) દિલ્હીના છે. ગયા વર્ષની સરખામણીમાં દિલ્હીના અબજોપતિઓની યાદીમાં 18 લોકોનો વધારો થયો છે. દેશની રાજધાનીમાંથી 185 લોકોના નામ યાદીમાં છે. યાદી અનુસાર કર્ણાટકમાં 94, ગુજરાતમાં 86, તમિલનાડુમાં 79, તેલંગાણામાં 70, પશ્ચિમ બંગાળમાં 38, હરિયાણામાં 29, ઉત્તર પ્રદેશમાં 25, રાજસ્થાનમાં 16, કેરળમાં 15, આઠ આંધ્રપ્રદેશમાં, પંજાબમાં સાત, મધ્યપ્રદેશમાં છ, ઝારખંડ અને બિહારમાં ચાર, છત્તીસગઢ અને ઓડિશામાં ત્રણ-ત્રણ, ઉત્તરાખંડમાં બે અને ચંદીગઢમાં એક સૌથી અમીર લોકો છે.
હુરુન ઈન્ડિયાની રિચ લિસ્ટ અનુસાર દેશના સૌથી ધનિક લોકો મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાંથી આવે છે. આ શહેરમાંથી 283 લોકોને યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં મુકેશ અંબાણી અને તેમનો પરિવાર પ્રથમ નંબરે છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષની સરખામણીમાં આ શહેરમાં 28 અબજપતિઓ વધ્યા છે. જ્યારે બીજી તરફ દેશની રાજધાની દિલ્હીમાંથી 185 અબજપતિઓને યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં ટોચના HCL જૂથના વડા શિવ નાદર અને તેમના પરિવારને સ્થાન આપવામાં આવ્યું છે. અમીરોના મામલામાં બેંગલુરુ 89 ધનિકો સાથે ત્રીજા નંબરે, હૈદરાબાદ 64 ધનિકો સાથે નંબર ચોથા અને ચેન્નાઈ 51 ધનિકો સાથે પાંચમાં નંબર પર છે.
દેશના સૌથી અમીર વ્યક્તિ તરીકે લિસ્ટેડ ગૌતમ અદાણી અને તેમનો પરિવાર અમદાવાદ શહેરમાં રહે છે. અબજોપતિઓ મામલે આ શહેર છઠ્ઠા ક્રમે છે. આ શહેરમાંથી 45 અબજોપતિઓને યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. ગયા વર્ષે આ શહેરના 42 લોકોનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. વર્ષ 2018માં અમદાવાદ શહેરમાંથી 48 લોકોનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. અમદાવાદ બાદ કોલકાતામાંથી 37, પુણેમાંથી 34, સુરતમાંથી 22 અને ગુરુગ્રામમાંથી 18 લોકોને યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ સિવાય નોઈડાના ચાર, રાજકોટના પાંચ અને નાગપુરના છ લોકો આ યાદીમાં સામેલ છે. પ્રથમ વખત હરિયાણાના ગુરુગ્રામ શહેરનું નામ પણ સૌથી વધુ અબજોપતિ આપનાર ટોપ 10 શહેરોની યાદીમાં સામેલ થયું છે.
હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022ની યાદીમાં 94 NRI બિઝનેસમેનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાંથી 48 ભારતીય અબજોપતિ અમેરિકામાં રહે છે. અમેરિકા પછી સૌથી વધુ ભારતીય અબજોપતિ યુએઈમાં રહે છે જ્યાં તેમની સંખ્યા 20 છે. આ સિવાય યુનાઈટેડ કિંગડમ (યુકે)ના 13 અને સિંગાપોરના ત્રણ લોકોને આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. મોટાભાગના NRIની વાત કરીએ તો અદાણી પરિવાર આ બાબતમાં પણ આગળ છે. ગૌતમ અદાણીના ભાઈ વિનોદ શાંતિલાલ અદાણી સૌથી ધનિક NRI તરીકે યાદીમાં સામેલ છે. તેમની કુલ સંપત્તિ એક લાખ 69 હજાર કરોડ રૂપિયા છે અને તે દુબઈમાં રહે છે. જય ચૌધરી અમેરિકામાં રહેતા સૌથી અમીર NRI છે તેમની સંપત્તિ 70 હજાર કરોડ છે.
સૌથી વધુ સંપત્તિ અદાણીની, સૌથી વધુ સોશિયલ મીડિયા ફોલોઅર્સ રતન ટાટાનાં
હુરુન ઈન્ડિયા વેલ્થ લિસ્ટ અનુસાર આ વર્ષે સંપત્તિમાં સૌથી વધુ વધારો ગૌતમ અદાણીની સંપત્તિમાં થયો છે. ગૌતમ અદાણીની નેટવર્થ ગત વર્ષની સરખામણીએ 116 ટકા વધી છે. તેમની સંપત્તિમાં રૂ. 5,88,500 કરોડનો વધારો થયો છે. આ યાદીમાં મુંબઈના સૌથી અમીર વ્યક્તિ તરીકે મુકેશ અંબાણીનો સમાવેશ થાય છે. જ્યારે યાદીમાં સામેલ અબજોપતિઓમાં રતન ટાટાના સોશિયલ મીડિયા ફોલોઅર્સ સૌથી વધુ છે. ટ્વિટર પર તેને 18 મિલિયન લોકો ફોલો કરે છે.
આ સિવાય જો આપણે સૌથી ઝડપથી વિકસતા બિઝનેસની વાત કરીએ તો યાદી મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટર ટોચ પર છે. કોરોનાની રસી બનાવનાર સાયરસ પૂનાવાલાની સંપત્તિમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. આ સિવાય કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ, સોફ્ટવેર, ફાઈનાન્સિયલ સર્વિસ અને ઓટોમોબાઈલ સેક્ટરમાં પણ વૃદ્ધિ જોવા મળી છે.